અમદાવાદ: શહેર સહિત રાજ્યભરમાં કોરોનાનું (coronavirus in Gujarat) સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી કોરોનાથી સાવચેત રહેવાની જરૂર છે. આમ તો ડોકટર્સ દ્વારા અનેકવાર માસ્ક (mask for safety) પહેરવાની અપીલ કરવામાં આવી છે. છતાં ઘણા બેફિકર લોકો માસ્ક પહેરતા નથી. મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા એક્સપર્ટના મતે હાલના સંજોગોમાં જાહેરમાં માસ્ક વગર ફરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી.
જાહેરમાં માસ્ક વગર ફરતી વ્યક્તિ સાથે વાતચીત કરવી પણ કોરોનાનું જોખમ નોતરી શકે છે. રાજ્યમાં ગત 24 કલાકમાં ત્રીજી લહેરના રેકોર્ડ બ્રેક 20 હજાર 966 કેસ નોંધાયા છે અને કોરોનાની ત્રીજી લહેર હજુ પીક પર પહોંચી નથી. આગામી 15 દિવસમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે. જોકે, હાલમાં કોરોનાથી બચવા માસ્ક જ હથિયાર છે તેવું ડોકટર્સ જણાવી રહ્યા છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહ જણાવે છે કે, સરકાર દ્વારા સુચવવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈનનું પાલન સૌએ કરવું જોઈએ. આટ આટલા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે માસ્ક નહિ પહેરીને કોરોનાને સામેથી નોતરવા જેવું છે. જો તમે ઘરમાં છો અને એકલા છો તો માસ્ક ન પહેરો તો ચાલે. પણ જયારે તમે જાહેરમાં જાઓ છો તો માસ્ક પહેરવું આવશ્યક છે. જે વ્યક્તિએ માસ્ક નહિ પહેર્યું હોય અને તે સંક્રમિત હશે તેનામાં કોઈ લક્ષણ નહિ હોય છતાં તે તમને ચેપ આપી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જાહેરમાં તમે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરો છો અને જો તે સંક્રમિત છે અને માસ્ક નથી પહેર્યું તો કોરોના સંક્રમણનું જોખમ 100 ટકા રહેલું છે. એટલે જ ડોકટર્સ દ્વારા લોકોને વારંવાર માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવે છે. મહત્વનું છે કે, માસ્ક પહેર્યું હોય તો સંક્રમિત થવાના ચાન્સીસ 70થી 80 ટકા ઘટી જાય છે. હાલ તબીબી નિષ્ણાતો કાપડના માસ્કની જગ્યાએ સર્જિકલ માસ્ક અને N95 માસ્ક જ પહેરવાની સલાહ આપી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર