હાર્દિક ઉપવાસ આંદોલન 12માં દિવસે પણ યથાવત છે. ત્યારે સરકાર તરફથી હાલ કોઇ નિવેડો ન આવતાં સમર્થકો રોષે ભરાયા છે. રાજ્યામાં જામનગર, સુરત, મહેસાણા સહિતના અનેક જિલ્લાઓમાં પાટીદાર સમર્થકો જેમાં ખાસ કરી મહિલાઓ દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે. બુધવારે વિસનગર વિજાપુર રોડ પર કેટલીક પાટીદાર મહિલાઓ રસ્તા પર ઉતરી આવી થાળી વગાડી વિરોધ કર્યો હતો. જેમાં છ જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
પાંચ મહિલાઓની અટકાયત
વિસનગરથી વિજાપુર રસ્તા પર હાર્દિક પટેલના સમર્થનમાં કેટલાક લોકોએ રસ્તો રોકવાના પ્રયાસ કર્યા હતા. જેમાં કેટલીક મહિલાઓ દ્વારા હાથમાં થાળી-વેલણ વગાડી સરકાર વિરોધી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ સમર્થકોને રોકવાના પ્રયાસ કર્યા હતા. જે દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો પોલીસે પાંચ જેટલી મહિલાઓ તથા અને દેખાવકારોની ધરપકડ કરી હતી. જો કે અટકાયત કરાયેલી મહિલાઓ સહિત તમામ સમર્થકોને છોડી મૂકવામાં આવ્યા હતા.
પોલીસે દેખાવ કરી રહેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ST બસના કાચ તોડ્યા
રિપોર્ટ પ્રમાણે વિસનગરથી ઊંઝા તરફ જતી ST બસના વિજાપુર પાસે કાચ તોડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ વિસનગર તરફ જતી તમામ ST બસ સેવા બંધ કરી ગેવામાં આવી આવી હતી. તો પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તથા આ રૂટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
તો બીજી બાજુ વિસનગરમાં બનેલી ઘટનાને લઇને સુરત પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. પાટીદાર વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉગાઉ જે જે જગ્યાએ બસમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.
હાર્દિકના સમર્થનમાં વિસનગર તાલુકાના કમાણા ગામમાં મહિલાઓ મંગળવારે ગામના ગાંધીચોકમાં એકત્ર થઇ હતી અને થાળીઓ વગાડી હાર્દિક પટેલને સમર્થન જાહેર કર્યું હતું. આ ઉપરાંત નાના બાળકોએ પ્લે બોર્ડ લઇ રેલી કાઢી હતી જ્યારે રાત્રે શહીદોને શ્રધ્ધાંજલિ તેમજ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો.