ન્યૂઝ18 ગુજરાતીઃ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં જે રીતે મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ સાથે અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે તેના પરથી રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે મોટો પ્રશ્નો ઉભો થયો છે. છેલ્લા 15 દિવસના આંકડા પર નજર કરશો તો માલુમ પડશે કે કિશોરીઓને હવસનો શિકાર બનાવવાની ઘટનાઓ વધી છે. કચ્છના અંજારમાં બે દિવસ પહેલા જ એક બે વર્ષની બાળકી પર બે યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટમાં બે દિવસ પહેલા બે કિશોરીઓ પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના બનાવ સામે આવ્યા છે. સુરત, વલસાડ અને સુરેન્દ્રનગરમાં પણ શુક્રવારે આવા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
વલસાડઃ સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ
વલસાડમાં અટગામમાં એક સાત વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં એક યુવકે બાળકીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ યુવકને પકડી પાડ્યો હતો. ગામ લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે યુવકે દુષ્કર્મનો પ્રયાસ નહીં પરંતુ દુષ્કર્મ ગુજાર્યું છે. જોકે, બાળકીના મેડિકલ પરીક્ષણ બાદ સાચી હકીકત સામે આવશે. બાળકી અટગામ નજીક એક ફળિયામાં રહેતી હતી.
સુરેન્દ્રનગરમાં એક મહિલા સાથે બળાત્કાર ગુજાર્યા બાદ તેને લૂંટી લેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વિગત એવી છે કે સાયલા હાઇવે પાસે એક ખેતરમાં મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં મહિલાના શરીર પર રહેલા ઘરેલા લઈને ફરાર થઈ ગયો હતો. મહિલાએ આ અંગે સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગરમાં કિશોરી પર દુષ્કર્મ
સુરેન્દ્રનગરમાં 17 વર્ષની કિશોરી પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરવમાં આવ્યું છે. રતનપરમાં રહેતી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર યુવકની પોલીસે વાંકાનેરથી ધરપકડ કરી લીધી છે. આ કેસમાં પોલીસે પોક્સોની કલમ લગાવીને તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ બાદ કિશોરીને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સુરતમાં એક કિશોરી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા એક વેપારીની ધરપકડ કરવામાં આવી છે. વેપારી તેની કામવાળીની પુત્રીને નોકરીને લાલચ આપીને તેની સાથે લઈ ગયો હતો. બાદમાં આભવા નજીક એક ખેતરમાં તેણે કાર ઉભી રાખીને કિશોરી સાથે અડપલાં કર્યા હતા. જોકે, આ સમયે કિશોરીએ બૂમાબૂમ કરી દેતા વેપારી ત્યાંથી ભાગી ગયો હતો. કિશોરીએ આ અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસે વેપારીની ધરપકડ કરી છે.