LRD પેપર લીક કેસઃ કેવી રીતે પોલીસનાં હાથમાં આવ્યો યશપાલસિંહ સોલંકી?

News18 Gujarati
Updated: December 6, 2018, 1:58 PM IST
LRD પેપર લીક કેસઃ કેવી રીતે પોલીસનાં હાથમાં આવ્યો યશપાલસિંહ સોલંકી?
યશપાલસિંહ સોલંકી (ફાઇલ તસવીર)

પેપર લીક થયા બાદ યશપાલે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. મનહર પટેલની પૂછપરછ દરમિયાન પોલીસને તેનો નવો નંબર મળ્યો હતો.

  • Share this:
જનક દવે, ગાંધીનગર

ગાંધીનગરઃ લોક રક્ષક દળની પરીક્ષામાં શરૂઆતથી જેનું નામ લેવામાં આવી રહ્યું હતું તે યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. યશપાલની મહિસાગર એસઓજીએ ધરપકડ કરી છે. તેને પૂછપરછ માટે ગાંધીનગર લાવવામાં આવશે. યશપાલસિંહ દિલ્હી જઈને લોક રક્ષક દળની પરીક્ષાની આન્સર કી લાવ્યો હતો. પોલીસે યશપાલના મોબાઇલ નંબરને સર્વેલન્સ પર રાખીને તેની ભાળ મેળવી હતી. યશપાલની ધરપકડ સાથે જ પોલીસ પેપર લીક કાંડમાં દિલ્હીના જે લોકો સંડોવાયેલા છે તેની માહિતી મેળવી શકશે.

મનહર પાસેથી મળ્યો યશપાલનો નવો નંબર

દિલ્હીથી ગુજરાત પરત આવ્યા બાદ યશપાલે લોક રક્ષક દળની પરીક્ષા આપવાની હતી. આ માટે તે સુરત પહોંચી ગયો હતો. પરંતુ પેપર લીક થઈ જતાં તેને ધરપકડનો અંદાજ આવી ગયો હતો આથી તેણે પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. બીજી તરફ પોલીસે મનહર પટેલની ધરપકડ કરી લીધી હતી. મનહર પટેલની પૂછપરછ દરમિયાન પોલીસને યશપાલનો બીજો મોબાઇલ નંબર મળ્યો હતો. જૂનો નંબર બંધ થઈ જતાં પોલીસ યશપાલનો નવો નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો.

આ પણ વાંચોઃ પેપર લીક કાંડમાં સૌથી મોટા સમાચારઃ મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની ધરપકડ

પોલીસને સુરત આસપાસનું લોકેશન મળ્યુંશરૂઆતમાં પોલીસને યશપાલના નવા નંબરનું સુરત શહેરની આસપાસનું લોકોશન મળ્યું હતું. પરંતુ પોલીસની ટીમ તેની પાસે પહોંચે તે પહેલા જ યશપાલે સીમકાર્ડ બદલી નાખ્યું હતું. જોકે, પોલીસ પાસે તેના મોબાઇલનો IMEI નંબર આવી ગયો હતો જેનાથી યશપાલનું લોકેશન ટ્રેસ થતું હતું. બીજી તરફ યશપાલ નવું સીમકાર્ડ પણ જરૂર પડે ત્યારે જ વાપરતો હતો. તપાસ એજન્સી બે દિવસથી યશપાલ ફોન ચાલુ કરે તેની રાહ જોતી હતી, આ દરમિયાન તેનો નંબર ટ્રેસ થયો હતો અને લોકોશન મહિસાગરના વિરપુર ગામ હતું. ગામનું લોકોશન ટ્રેસ થતાંની સાથે જ મહિસાગર એસઓજીની એક ટીમ ગામમાં પહોંચી ગઈ હતી અને ઉંઘમાં જ યશપાલને ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃ LRD પરીક્ષાનું પેપર દ.ભારતના BJPના દિગ્ગજ નેતાના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હોવાની ચર્ચા

દિલ્હીની લિંકની મળશે માહિતી

ધરપકડ બાદ યશપાલને ગાંધીનગર લાવવામાં આવશે. પૂછપરછ દરમિયાન પેપર લીક કાંડમાં દિલ્હી લિંકનો ઘટસ્ફોટ થઈ શકે છે. અત્યાર સુધી આ કેસમાં દિલ્હીની કોઈ ગેંગ સંડોવાયેલી હોવાની માહિતી સામે આવી છે પરંતુ તેમના નામ સામે આવ્યા નથી. યશપાલની ધરપકડ બાદ હવે તે દિલ્હીમાં કોની પાસેથી આન્સર કી લાવ્યો હતો તેની માહિતી સામે આવશે.
First published: December 6, 2018, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading