ન્યૂઝ18 ગુજરાતીઃ એલઆરડી પેપર લીક મામલે પોલીસે ભાજપના ત્રીજા કાર્યકરની અટકાયત કરી છે. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પેપર કાંડમાં જેનું સૂત્રધાર તરીકે નામ લેવામાં આવી રહ્યું છે તે યશપાલસિંહનું પગેરું પણ પોલીસને મળી ગયું છે. બીજી તરફ પોલીસે બાયડના સાંબઠા ગામના જયેન્દ્ર રાવલ નામના વ્યક્તિની અટકાયત કરી છે.
અટકાયત કરવામાં આવનાર જયેન્દ્ર મનહર પટેલનો મિત્ર
મળતી માહિતી પ્રમાણે પોલીસે પેપર લીક કાંડ મામલે જેની અટકાયત કરી છે તે આ મામલે અગાઉ ધરપકડ કરવામાં આવનાર ભાજપના નેતા મનહર પટેલનો ખાસ મિત્ર છે. પોલીસે અટકાયત બાદ તેની આકરી પૂછપરછ શરૂ કરી છે. આ પહેલા એલઆરડી પેપર લીક મામલે પોલીસે બે ભાજપના કાર્યકરોની ધરપકડ કરી છે. જયેન્દ્ર રાવલની ધરપકડની સાથે જ ભાજપના કુલ ત્રણ કાર્યકરોની સંડોવણી પેપર લીકમાં ખૂલી છે.
જયેન્દ્ર રાવલ અરવલ્લી ભાજપમાં સક્રિય નેતા છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે તેની અટકાયત કરી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે જયેન્દ્ર રાવલ બાયડના સાંઢબા ગામનો બીજેપીનો પૂર્વ મહામંત્રી છે.
એલઆરડી પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડમાં ભાજપના બે કાર્યકરની સંડોવણી ખુલી છે. હવે ત્રીજા એક નેતાનું નામ પણ સામે આવ્યું છે. પેપર લીક કેસમાં નામ સામે આવતા જ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરી અને બાયડના અરજણ વાવના મનહર પટેલની તાત્કાલિક પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. મળતી માહિતી પ્રમાણે મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતનો સભ્ય છે જ્યારે મનહર પટેલ બાયડ પાલિકાની ચૂંટણી લડ્યો હતો. મનહર પટેલ ગાંધીનગરમાં રાજકીય નેતાઓ અને અધિકારી સાથે સાથે એવો ઘરોબો ધરાવે છે.