લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીકમાં આરોપી તરીકે રૂપલ શર્મા નામ સામે આવ્યું છે અને તેની ધરપકડ થઈ ચૂકી છે. હવે એક નવી વાતનો ખુલાસો થયો છે કે રૂપલે બે બાળકોના નિર્વાહ માટે એલઆરડી પરીક્ષાનું પેપર લીક કર્યું હતું. જોકે તેની ધરપકડ થતા તેના બે નાના બાળકો નિરાધાર થઈ ચૂક્યા છે. હાલ આ બંને બાળકોને સંભાળવાની જવાબદારી ગાંધીનગર પોલીસ પર આવી છે.
રૂપલનો પતિ બૂટલેગર હતો અને તેના ત્રાસથી જ તેણે પતિ પાસેથી છુટાછેડા લઈ લીધા હતા. હાલ તે પોતાના બે બાળકો સાથે ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી હતી. જો કે, હવે આ બાળકોનું શું કરવું તે બાબત પોલીસ માટે હાલ પણ પરેશાનીનો વિષય બન્યો છે. હાલ કસ્ટડીમાં રહેલી રૂપલના બંને બાળકોને ગાંધીનગર પોલીસ સંભાળી રહી છે. રૂપલ જે હોસ્ટેલમાં રેક્ટર હતી ત્યાં જ 10 વિદ્યાર્થીઓને જવાબો આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
રૂપલની ધરપકડ બાદ પોલીસ રિમાન્ડ માગશે અને તપાસ થાય ત્યાં સુધી તે પોલીસ કસ્ટડીમાં જ રહેશે. ગઈકાલે પોલીસે રૂપલની પૂછપરછ કરી હતી તે સમયે તેના બંને બાળકોનું ધ્યાન પોલીસે રાખ્યું હતું અને તેઓને જમવાનું પણ પોલીસે આપ્યું હતું. હાલમાં એક મહિલા પોલીસ બંને બાળકોની સંભાળ કરી રહી છે. જો કે, ટૂંક સમયમાં તેના કોઈ નજીકના સગા બાળકોની કસ્ટડી લેવા માટે આવે તો પોલીસ તેનું વેરિફિકેશન કરીને બાળકોની તેમને સોંપી શકે છે.
પેપરલીક કૌભાંડમાં જેનું નામ બરાબરનું ઉછળ્યું છે તે રૂપલના પિતા એસઆરપીમાં પીએસઆઈ હતા. તેમના પિતાનું અવસાન થઇ ગયું છે. જ્યારે માતા નડીયાદમાં રહે છે અને ભાઈ રેલવે પોલીસમાં નોકરી કરે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર