અમદાવાદ : લોકરક્ષક અરજદાર દ્વારા વર્ષ 2005ની પેન્શન નીતિમાંથી તેઓને બાકાત રાખવા અને જૂની પેન્શન નીતિમાં આવરી લેવાની માગ સાથે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. વર્ષ 2004માં ગુજરાત ગૌણ જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા 3000 લોકરક્ષકોની ભરતી કરવાની જાહેરાત આવી હતી અને તે જાહેરાત અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ લોકરક્ષકોની ભરતી શરૂ થઇ ત્યારે નવી પેન્શન નીતિ અમલમાં આવી ન હોવાથી તેમને વર્ષ 2005ની પેન્શન નીતિમાંથી બાકાત રાખવા અને જૂની પેન્શન નીતિમાં આવરી લેવાની માગ સાથે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
આ કેસમાં અરજદારો વતી એડવોકેટ રત્ના વોરાએ હાઇકોર્ટમાં રિટ કરીને એવી રજૂઆત કરી છે કે અરજદાર લોકરક્ષકોની ભરતી વર્ષ 2004ની પ્રક્રિયા મુજબ થઇ હતી અને તે ભરતી મુજબ તેઓ 2500 રૂપિયામાં પાંચ વર્ષ સુધી ફરજ બજાવશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે સાથે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે પોલીસ મેન્યુઅલ પ્રમાણે જે નિમણૂક, પેન્શનના નિયમો હશે એ તેમને લાગૂ પડશે. પછી જ્યારે 2005માં નવી પેન્શન નીતિ લાગૂ થઇ ત્યારે આ નવી નીતિ અંતર્ગત આ 3000 લોકરક્ષકો આવતાં ન હોવા છતાંય તેમને નવી પેન્શન નીતિ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. જેથી તેઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે એમ છે.
તેમને જૂની પેન્શન નીતિ મુજબ જ લાભ આપવામાં આવે અને નવી પેન્શન નીતિ તેમને લાગૂ પડે નહીં. કેમ કે જ્યારે વર્ષ 2004માં ભરતી શરૂ થઇ હતી ત્યારે નવી પેન્શન નીતિ અમલમાં નહોતી. નામદાર ગુજરાત હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને કેસની વધુ સુનાવણી દિવાળી પછી મુકરર કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર