અમદાવાદ : નોર્થ બોપલમાં ઈસરોની બાજુમાં જ પિરાણા જેવો કચરાનો ઢગલો, સ્થાનિકો ત્રાહિમામ

અમદાવાદ : નોર્થ બોપલમાં ઈસરોની બાજુમાં જ પિરાણા જેવો કચરાનો ઢગલો, સ્થાનિકો ત્રાહિમામ
અમદાવાદ : નોર્થ બોપલમાં ઈસરોની બાજુમાં જ પિરાણા જેવો કચરાનો ઢગલો, સ્થાનિકો ત્રાહિમામ

નોર્થ બોપલને નર્કાગાર બનાવતી ડમ્પિંગ સાઈટ હટાવવા સ્થાનિકોની ઉગ્ર માંગ

 • Share this:
  પંકજ શર્મા, અમદાવાદ : અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે પણ નાગરિકોને સ્માર્ટ સિટીનો અનુભવ થાય તે જરૂરી છે. અમદાવાદમાં હાલમાં જ સમાવિષ્ટ કરાયેલા બોપલ-ઘુમા વિસ્તારમાં ડીપીએસ સ્કુલ બાજુ આવેલી ડમ્પિંગ સાઈટ નાગરિકો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. અસહ્ય દુર્ગંધ અને કચરાનો ડુંગર જેવો ઢગલો જોવા મળતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડમ્પિંગ સાઈટનો મુદ્દો હજુ પણ વણઉકેલ્યો જ રહેતા નાગરિકોમાં ભારે રોષની લાગણી છે. અગાઉ પાલિકા હતી ત્યારે પણ પિરાણા જેવી ડમ્પિંગ સાઈટ ઉભી થઈ હતી. 9 જૂન સુધી આ કચરાના ઢગલાને હટાવવા અગાઉ બોપલ પાલિકાએ પણ પ્રયાસ કર્યા હતા. જોકે બોપલ-ઘુમા વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયા પછી ફરીથી કચરાનો ઢગલો ઉભો થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.

  આ કચરાના ઢગલાને અડીને જ ઈસરોનું કેન્દ્ર આવેલુ છે અને ડીપીએસ સ્કુલમાં પણ વાલીઓને જતી વખતે ગંદકી અને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. પાંચ હજાર જેટલા બાળકો શાળાએ અવરજવર કરે છે. એટલુ જ નહી ડમ્પિંગ સાઈટની આસપાસ 50થી વધુ સોસાયટીઓ આવેલી છે. જેઓના ઘર સુધી દુર્ગંધ આવે છે. અગાઉ ઔડા અને પાલિકાની વચ્ચે કચરો નાખવાની જગ્યાને લઈને વિવાદ હતો પણ હવે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં બોપલ-ઘુમાના સમાવેશ બાદ પણ બોપલવાસીઓની સમસ્યાને સાંભળનાર કોઈ નથી. અમદાવાદ મનપા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગંભીર પ્રાણ પ્રશ્નો પર ત્વરિત કાર્યવાહી કરે અને પ્રજાહીતના નિર્ણયો વિના વિલંબે લેવાય તેવી માંગણી કરી રહ્યા છે.  બોપલ-ઘુમા પાલિકા હવે મનપામાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. ત્યારે અત્યાર સુધી પાલિકા પ્રમુખની જવાબદારી સંભાળી ચૂકેલા જીગીશાબેન શાહે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પાલિકા તરફથી ટેન્ડર બહાર પાડી એક કંપનીને કોન્ટ્રાક્ટ આપી કચરાના નિકાલ માટે મશીન મૂકવામાં આવ્યુ હતુ. જૂનના પ્રથમ સપ્તાહ સુધી લગભગ સાઈટ પરનો કચરો દૂર કરી દેવામાં આવ્યો હતો. પાલિકાએ ઔડાને પણ જગ્યા માટે રજૂઆત કરી હતી.જે ઔડાએ આપી ન હતી પણ અમે જેટલુ થઈ શકતુ હતુ તેટલુ કર્યુ હતુ. હાલમાં મનપામાં આવ્યા પછી કચરાનો ઢગલો કેવી રીતે થઈ ગયો તે અંગે મને ખ્યાલ નથી.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બોપલ-ઘુમા વિસ્તાર મનપામાં સમાવિષ્ટ થયે હજુ થોડા જ દિવસો થયા છે. હાલમાં બોપલ પાલિકાનો વહીવટી હવાલો લેવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. બોપલ ડમ્પિંગ સાઈટ દૂર કરવા અંગે હાલમાં કોઈ જ નિર્ણય લેવાયો નથી પણ આગામી દિવસોમાં સોલિડ વેસ્ટ વિભાગની બેઠક મળવાની છે. જેમાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં અને ખાસ બોપલના ડમ્પિંગ સાઈટ બાબતે ચર્ચા કરાશે. બોપલવાસીઓને કોઈ પણ ફરિયાદ કરવી હોય તો હેલ્પલાઈન નંબર 155303 પર કરી શકે છે.

  આ પણ વાંચો - કોરોના : આ નંબર પર ફોન કરવાથી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના બેડની માહિતી મળશે

  નોર્થ બોપલના સ્થાનિક વિપુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઈટના લીધે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ફરિયાદ કર્યા પછી પગલા લેવાય છે પણ ફરીથી સ્થિતિ હતી એવી જ બની જાય છે. હાલમાં સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી ગંભીર સ્થિતિ છે. બોપલના સ્થાનિક એવા ગૌરાંગ પનારાએ જણાવ્યું હતું કે રાત્રે ડમ્પિંગ સાઈટ પર રાત્રે કોઈ આગ લગાવી જાય છે અને તેના કારણે ધુમાડો અને દુર્ગંધયુક્ત હવા અમારા ઘરો સુધી આવે છે. કચરો દૂર કરવાની કામગીરી ચાલુ થઈ હતી પણ થોડા દિવસોથી લાગે છે કે આ ઢગલો ફરીથી વધી રહ્યો છે અને કામગીરી બંધ થઈ ગઈ છે.  તરંગ કોચેચાએ જણાવ્યું હતું કે રોજિંદી અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. અવારનવાર ધ્યાન દોરવા છતાં સકારાત્મક પગલા લેવામાં આવતા નથી. ડમ્પિંગ સાઈટ આ વિસ્તારને નર્ક બનાવી રહી છે. ગંદકી અને ધુમાડાના કારણે અહીંની સોસાયટીના રહિશો માટે જીવન એક પડકાર સમાન બની ગયુ છે. જો ત્વરિત ધોરણે આ વિસ્તારનો પ્રાણ પ્રશ્ન નહી ઉકેલાય તો થોડા દિવસોમાં નોર્થ બોપલ રોગચાળાનું પણ હોટસ્પોટ બની જશે.  નોર્થ બોપલના જીજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે ઈસરોનું મથક અહી આવેલુ છે અને ડીપીએસ સ્કુલ તેમજ જીઈબીની ઓફિસ છે ત્યાં કામ કરતાં કર્મચારીઓને જવા આવવાનો આ રોજનો રસ્તો છે.આસપાસ રહેણાક વિસ્તાર છે ત્યારે આવા વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ હોવી જ ન જોઈએ. દરરોજ કચરાનો ઢગલો વધતો જઈ રહ્યો છે. મનપામાં આવ્યા પછી આ સમસ્યાના ઉકેલને પ્રાથમિકતા મળે તેની તાતી જરૂરિયાત છે.કોર્પોરશન દ્વારા ત્વરિત નિકાલ નહી લાવવામાં આવે તો બાળકો અને સિનિયર સિટીઝનોના જીવને જોખમ ઉભુ થશે.

  બોપલ વિસ્તારમાં દિનપ્રતિદિન નવી રહેણાંકની સ્કીમો બની રહી છે સાથે કચરાનું ઉત્પાદન વધી રહ્યું છે પણ કચરો એકત્ર કરી લેન્ડફીલ સાઇટ ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે પણ તેનો પ્રોસેસ કરી નિકાલ કરવાની વ્યવસ્થા ખોરંભે ચઢી છે. જેથી બોપલમાં પિરાણા જેવો કચરાનો ડુંગર ઊભો થઈ રહ્યો છે જે પર્યાવરણ માટે અને બોપલવાસીઓના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
  Published by:Ashish Goyal
  First published:June 30, 2020, 18:23 pm

  ટૉપ ન્યૂઝ