Home /News /madhya-gujarat /

રાજ્યમાં પેટા ચૂંટણીના પ્રચારમાં દારૂની એન્ટ્રી, રૂપાણીએ કહ્યુ- કૉંગ્રેસના ધારાસભ્યો દારૂ પીને રિસોર્ટમાં ધૂબાકા મારતા હતા

રાજ્યમાં પેટા ચૂંટણીના પ્રચારમાં દારૂની એન્ટ્રી, રૂપાણીએ કહ્યુ- કૉંગ્રેસના ધારાસભ્યો દારૂ પીને રિસોર્ટમાં ધૂબાકા મારતા હતા

વિજય રૂપાણીની ફાઇલ તસવીર

  અમદાવાદ: ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha)ની આઠ પેટા ચૂંટણી (Gujarat Byelection) માટે હાલ પ્રચાર ચાલી રહ્યો છે. આજથી કૉંગ્રેસ અને ભાજપના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છની અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે પ્રચાર માટે પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરીને પ્રદ્યુમનસિંહને ચૂંટણી જીતાડવા માટે અપીલ કરી હતી. અહીં તેઓએ ચૂંટણી સભા પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. મુખ્યમંત્રીએ રાજ્યસભાની ચૂંટણીને યાદ કરીને કૉંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ધુબાકા મારી રહ્યા હતા તેઓ આરોપ લગાવ્યો હતો.

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંચ પરથી કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, "કૉંગ્રેસના લોકો જ્યારે તમારી પાસે મત માંગવા આવે ત્યારે તેમને પૂછજો કે કોરોનામાં તમે બધા ક્યાં ભાગી ગયા હતા? તમામ લોકો જયપુર ભાગી ગયા હતા. જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ત્યાંના સ્વીમિંગ પૂલમાં ધુબાકા મારતા હતા. અમે જ્યારે કોરોનામાં ભયભીત હતા, સંઘર્ષ કરતા હતા ત્યારે તમે લોકો જયપુર શા માટે ગયા હતા તેનો આ ચૂંટણીમાં જવાબ માંગજો." ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના એક પછી એક એમ આઠ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધી હતા. જે બાદમાં બાકીના ધારાસભ્યો તૂટે નહીં તે માટે કૉંગ્રેસે ચૂંટણી પહેલા ધારસાભ્યોને રાજસ્થાન મોકલી દીધા હતા.

  બિહારમાં કૉંગ્રેસે ખેલ્યું દારૂબંધીનું કાર્ડ

  બિહારમાં પણ હાલ વિધાનસભાની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. બિહારમાં આ વખત કૉંગ્રેસ તરફથી દારૂબંધીનું કાર્ડ રમવામાં આવ્યું છે. કૉંગ્રેસે બિહારમાં દારૂબંધીના કાયદાની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં નીતિશ કુમાર સત્તામાં આવ્યા બાદ તેમણે દારૂબંધી લગાવી દીધી હતી. બિહારના કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યમાં દારૂબંધી પર સમીક્ષા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  સીએમ રૂપાણીને અમિત ચાવડાનો જવાબ

  અબડાસા ખાતે મુખ્યમંત્રીના નિવેદન બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, "ગુજરાતમાં ભાઈ અને ભાઉ વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે. કાર્યકરોમાં પણ ડર છે કે હવે ગુજરાતમાં ભાઈનું ચાલશે કે ભાઉનું ચાલશે. આ વિવાદ વચ્ચે વિજયભાઈ ધ્યાન બીજે ખેંચવા માટે આવા નિવેદન કરી રહ્યા છે. સાચા અર્થમાં હવે ભાઈનું નથી ચાલતું. વિજયભાઈ પહેલા એ જણાવે કે ગુજરાતમાં ગામ, ગલી અને ગાંધીનગર સુધી ઠેરઠેર દારૂ મળે છે તેના માટે જવાબદાર કોણ છે? રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલે છે. રાજ્યમાં દારૂની રેલમછેલ છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચે છે એટલે રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ મળે છે."

  મુખ્યમંત્રીની સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયું

  મુખ્યમંત્રી કચ્છમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે તેમની સભાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોવાનું સામે આવ્યું છે. સીએમ પોતાની સભાઓમાં લોકોને સતત સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરી રહ્યા છે. સીએમની સભા પૂર્ણ થયા બાદ લોકો તેમને મળવા માટે ટોળે વળતા હોવાની વાત સામે આવી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Gujarat Bypoll, Gujarat vidhansabha, કોંગ્રેસ, ગુજરાત, ચૂંટણી, દારૂ, ભાજપ

  આગામી સમાચાર