ઇલેક્શન પિટિશન મામલે ભૂપેન્દ્રસિંહ હાઇકોર્ટમાં હાજર રહ્યા, સુપ્રીમમાં અરજી કરવા બાબતે માફી માંગી

News18 Gujarati
Updated: September 9, 2019, 3:55 PM IST
ઇલેક્શન પિટિશન મામલે ભૂપેન્દ્રસિંહ હાઇકોર્ટમાં હાજર રહ્યા, સુપ્રીમમાં અરજી કરવા બાબતે માફી માંગી
ભેપેન્દ્રસિંહ ચૂડાસમા (ફાઇલ તસવીર)

સોગંદનામા અંગે સવાલ પહેલા કોર્ટે ભૂપેન્દ્રસિંહને સમજી વિચારીને જવાબ આપવાની ટકોર કરી હતી.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : રાજ્યના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે થયેલી ઇલેક્શન પિટિશન મુદ્દે આજે તેઓ હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગેરરીતિ કરવામાં આવી હોવાની અરજી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરી છે. આ મામલે આજે ભૂપેન્દ્રસિંહ હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં અરજી બાબતે ભૂપેન્દ્રસિંહે માફી માંગી

અશ્વિન રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવ્યા બાદ શિક્ષણમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો લીધો હતો. આ અંગે આજે હાઈકોર્ટમાં દલીલ થઈ હતી. આ દરમિયાન શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી છે. શિક્ષણમંત્રીએ પોતાની અરજીમાં કરાયેલી રજૂઆતો શરતચૂકથી થઈ હોવાનું કહી માફી માગી છે. તેમણે કહ્યું કે, ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે કોર્ટે કહ્યું કે આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી. ત્યાર બાદ તેમણે ફરી માફી મંગતા કોર્ટે કહ્યું તમારો અધિકાર છે. જે બાબતનો જવાબ ન આપવો હોય તો ના આપો પણ માફી ન માગો.

કોર્ટમાં શું થયું?

ફરિયાદી અશ્વિન રાઠોડના વકીલે ભૂપેન્દ્રસિંહને સવાલ કર્યો હતો કે હું તમને અંગ્રેજી કે પછી ગુજરાતીમાં સવાલ પૂછું? જેના જવાબમાં ચુડાસમાએ કહ્યુ હતુ કે હું ગુજરાતમાં જવાબ આપીશ. વકીલે બીજો સવાલ પૂછ્યો હતો કે હાલ તમે કયા ખાતા સંભાળો છો? જેના જવાબદમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું હતું કે હાલ હું શિક્ષણ, કાયદા અને સંસદીય બાબતો સંભાળું છું.

વકીલ તરફથી જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે સુપ્રીમ કોર્ટમાં કોના તરફથી એફિડેવિટ કરવામાં આવી હતી ત્યારે ભૂપેન્દ્રસિંહ જણાવ્યું હતું કે, મારા પર્સનલ આસિસ્ટન્ટ તરફથી આ એફિડેવિટ કરવામાં આવી હતી. આ અંગે મારા આસિસ્ટન્ટ અને વકીલે સમજાવ્યા બાદ મેં તેમાં સહી કરી હતી. સોગંદનામા અંગે સવાલ પહેલા કોર્ટે ભૂપેન્દ્રસિંહને સમજી વિચારીને જવાબ આપવાની ટકોર કરી હતી.એફિડેવિટ મામલે સવાલના જવાબમાં ભૂપેન્દ્રસિંહે કોર્ટમાં જણાવ્યું કે, "આ કેસને લઈને મેં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી હતી જેને લઈને હું ક્ષોભ અનુભવું છું. જે તે સમયે શરત ચૂક થયા બાદ હું નામદાર કોર્ટની માફી માંગું છું. પાછળથી મેં આ અરજી પરત ખેંચી લીધી હતી."

નોંધનીય છે કે હાઇકોર્ટમાં પોતાની સામે ચાલી રહેલા કેસને અનુસંધાને ભૂપેન્દ્રસિંહે સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટની કામગીરી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં હાજર રહેવા દરમિયાન ભૂપેન્દ્રસિંહે આ મામલે માફી માંગી હતી.

કોર્ટ સમક્ષ ભૂપેન્દ્રસિંહે એવું પણ નિવેદન આપ્યું હતું કે, આજે હું કાયદામંત્રી તરીકે કોર્ટમાં હાજર નથી રહ્યો. હું કાયદામંત્રી હોઉં તો પણ મારે કોર્ટની મર્યાદા જાળવવી જોઈએ.
First published: September 9, 2019
વધુ વાંચો
अगली ख़बर