અમદાવાદ: લદાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ (MP Jamyang Tsering Namgyal) હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત લદાખ ફેસ્ટિવલ (Ladakh festival)માં હાજર રહેલા સાંસદ જામયાંગ શેરિંગનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે, જેમાં વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક (2036 Olympics at Ahmedabad) રમાય એવી શક્યતાઓ વચ્ચે તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ઓલિમ્પિકની રમતો માટે તૈયારીઓ શરૂ થઈ છે. એવામાં લદાખ પણ પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ઓલિમ્પિકમાં રમાતી સ્નો સ્પોર્ટ્સ માટેની તમામ સુવિધાઓ લદાખ ઊભી કરી શકાશે. ટૂંક સમયમાં મિનિસ્ટ્રી ઑફ સ્પોર્ટ્સને લદાખમાં તૈયાર કરી શકાતી સ્નો સ્પોર્ટ્સની સુવિધાઓ અંગે અવગત કરીશું.
ઉલ્લેખનીય છે કે, સંસ્કૃતિના અદાન પ્રદાનને લઈ લદાખ યુનિવર્સિટી (Ladakh University) અને ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) વચ્ચે ગયા મહિને MOU થયા હતા. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં લદાખ ફેસ્ટિવલનું આયોજન કરાયું. જેમાં લદાખ યુનિવર્સિટીનું ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યું છે. જેમાં લદાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ પણ હાજર રહ્યા છે.
લદાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલએ જણાવ્યું કે, બંને યુનિવર્સિટીઓ વચ્ચેના MoUથી ગુજરાત અને લદાખના વિદ્યાર્થીઓ બે જુદી જુદી યુનિવર્સિટીઓમાં કરી શકશે અભ્યાસ. લદાખ યુનિવર્સિટીને આ તક આપવા બદલ ગુજરાત યુનિવર્સિટીનો આભાર. લદાખમાં જે પ્રકારની સુવિધાઓ છે તેનો લાભ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે. સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સમાં દેશ આગળ વધી રહ્યો છે. વિન્ટર સ્પોર્ટ્સ માટે લદાખ કરતા સારું સ્થળ કોઈ ન હોઈ શકે. લદાખ પોતાનામાં એક સ્વર્ગ છે, સ્નો રિલેટેડ સ્પોર્ટ્સ થાય, એ દેશ માટે એક એસેટ બનશે. વિન્ટર સ્પોર્ટસનું હબ લદાખ બની શકે છે, સ્નો સ્પોર્ટ્સની સુવિધા માટે હાલ દેશના ખેલાડીઓને વિદેશ મજબૂરીમાં જવું પડે છે, એવામાં લદાખ આવા ખેલાડીઓ માટે મદદરૂપ બનશે.
સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં ઓલિમ્પિકનીરમતો માટે તૈયારીઓ શરૂ થઈ છે. એવામાં લદાખ પણ પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ગુજરાત જ્યાંથી ગાંધીજી, સરદાર અને આજના યુગમાં મોદીજી દેશને મળ્યા છે. મોદીજી યુગ પુરુષ છે, દેશને આ યુગ પુરુષ ગુજરાતે આપ્યો છે. આ યુગ પુરુષોએ ધારા 370 હટાવી, અને લદાખને સ્વતંત્ર ઓળખ આપી. જેનાથી કૃષિ, ટુરિઝમ ક્ષેત્રે લદાખને વેગ મળ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર