કુંવરજીભાઈ, ભાજપ પાસેથી શીખો, નહીં તો આવા ભગા થતાં જ રહેશે!

News18 Gujarati
Updated: July 6, 2018, 12:36 PM IST
કુંવરજીભાઈ, ભાજપ પાસેથી શીખો, નહીં તો આવા ભગા થતાં જ રહેશે!
કુંવરજીભાઈ બાવળિયા નામના એફબી એકાઉન્ટ પરથી કરવામાં આવેલા કોમેન્ટ

  • Share this:
"ન કરે નારાયણ ને કદાચ ભાજપને મત દેવાની નોબત આવે તો કસમથી આંગણી કાપી નાખવી છે બાકી ભાજપને તો મત નથી જ આપવો." આવું અમે નથી કહી રહ્યા પરંતુ બૂલેટ ટ્રેનની ઝડપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બની ગયેલા કુંવરજીભાઈ બાવળિયાએ જે તે સમયે પોતાના ફેસબુક પેજ પર લખેલા આ શબ્દો છે! ભાજપમાં જોડાયા બાદ કુંવરજીભાઈએ પોતાના ટ્વિટર પેજ પર તો સાફ-સફાઈ કરી નાખી હતી પરંતુ તેઓ ફેસબુકની તેમની જૂની પોસ્ટ પર લીપણ કરવાનું ભૂલી ગયા હતા. જોકે, ગુજરાતના એક જાણીતા વર્તમાનપત્રમાં આ અંગે સમાચાર છપાતા હવે તેમના એકાઉન્ટ પર આવી કોઈ કોમેન્ટ જોવા નથી મળી રહી.

કેવી કેવી કોમેન્ટ થઈ હતી?

કુંવરજીભાઈ બાવળિયા નામે જે એકાઉન્ટ છે તેમાં ભાજપ વિરુદ્ધ ભરી ભરીને કોમોન્ટ્સ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદીને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ પરથી કરવામાં આવેલી અમુક કોમેન્ટ્સના નમૂના જોઈએ.

- "ભાજપ ગુજરાતમાં પ્રચાર કરવા માટે 50 જાદુગરોને લાવી છે. ખબર નથી પડતી તેઓ સરકાર ચલાવે છે કે સર્કસ."
- "એન્જિનિયરોને અનુરોધ છે કે કોઈ એવી ટેકનિક શોધે, જેમાં ટીવીમાં હાથ નાખીને અમુક નેતાઓને કાંઠલો ઝાલી ઝાપટ મારી શકાય. કવી શ્રી અહીં ફેંકુની વાત કરે છે."
- "સારુ છે, સાહેબ મારી વાડીએ નથી આવ્યા. નહીંતર કહેતા કે આ ગાળ્યો ત્યારે હું ટોટા ફોડવા આવતો હતો."- "સારું થયું સાહેબ, જસદણ નથી આવ્યા. નહીંતર કહેત કે મારો જસદણ સાથે જૂનો નાતો છે. હું અહીં રૂડા ભગતની ફેક્ટરીમાં હીરા ઘસવા માટે આવતો હતો."
- "મારા હાળા સ્મશાનની દીવાલે જઈ સ્ટિકર ચોંટાડી આવ્યા કે ભાજપ આવે છે."

કુંવરજીભાઈ બાવળિયાના નામે ફેસબુક એકાઉન્ટ.


...આખરે સાફ સફાઈ થઈ ખરા

ફેસબુક પર KunvarjiBhai Bavaliya નામનો જે એકાઉન્ટ છે તેમાં એક દિવસ પહેલા કુંવરજીભાઈએ ભાજપ વિરુદ્ધ કરેલી અનેક ટિપ્પણીઓ તેમજ પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓના ફોટોગ્રાફ્સ જોવા મળતા હતા જે હવે ગાયબ થઈ ગયા છે. આ એકાઉન્ટ પર હવે એવી નોંધ પણ લખેલી જોવા મળી રહી છે કે આ એકાઉન્ટ તેમનું ઓફિશિયલ એકાઉન્ટ નથી. જોકે, આ ફેસબુક પેજ પર તેઓએ મંત્રી તરીકેના શપથ લીધા તેની તસવીર જરૂર છે. ભાજપનો ખેસ પહેરેલી કુંવરજીભાઈની તસવીર આ એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી છે. કમલમ ખાતે તેમણે જ્યારે મીડિયાને સંબોધન કર્યું હતું ત્યારે તે સંબોધન આ જ એકાઉન્ટ પરથી લાઇવ કરવામાં આવ્યું છે.

કુંવરજીભાઈ, તમે મારતા ઘોડે ભાજપમાં તો જોડાઈ ગયા પરંતુ કદાચ તમારો આત્મા કોંગ્રેસમાં જ રહી ગયો લાગે છે! એવું પણ બને કે ભાજપથી જ મોટી ચુક થઈ ગઈ હશે! નહીં તો પક્ષ પલટો કરાવતા પહેલા તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો પલટે પહેલા જ કરાવી નાખ્યો હોત! હશે હવે. જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ અત્યારે તો તમે ભાજપના જ નેતાઓને મૂંઝવણમાં મૂકી દીધા છે.
First published: July 6, 2018, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading