ગાંધીનગરઃ નીતિન પટેલ બાદ હવે પુરષોત્તમ સોલંકી. ભાજપ માટે મુસિબત ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. મંગળવારે પુરષોત્તમ સોલંકીએ પોતાને ખાતાની ફાળવણીમાં અન્યાય થયો હોવાની રજુઆત કરી હતી. આજે બુધવારે તેમના નિવાસ્થાને કોળી આગેવાનોનો જમાવડો થયો છે.
આજે રૂપાણી સરકારની કેબિનેટની બેઠક હતી, પરંતુ તેમણે બેઠકમાં હાજરી આપવાને બદલે પોતાના નિવાસસ્થાને આગેવાનો સાથે બેઠક કરી હતી. મળતી માહિતી પ્રમાણે 50થી વધારે કોળી આગેવાનો બંગલા નંબર-19 ખાતે યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ ડાભી, રાજુલાના પૂર્વ ધારાસભ્ય તેમજ પુરષોત્તમ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકી, જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
નવાજૂની કરવાના મૂડમાં સોલંકી?
ગાંધીનગરમાં પુરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોનો મેળાવડો બતાવે છે કે તેઓ હવે દબાણની રાજનીતિ કરી રહ્યા છે. કોળી કાર્ડ રમીને સોલંકી હવે રૂપાણી સરકારને દબાવવાની કોશિશ કરી રહ્યા છે.
સોલંકીએ મંગળવારે સીએમ રૂપાણીની મુલાકાત લઇને પોતાને સારુ ખાતું આપવા રજુઆત કરી હતી. નારાજ સોલંકીને મનાવવા માટે રૂપાણીએ સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોકલ્યા હતા પંરતુ હવે સોલંકીએ કોળી સમાજના આગેવાનો સાથે શક્તિપ્રદર્શન કરતા વાત બગડી છે. સમર્થકોનું માનવું છે કે સોલંકી સાથે અન્યાય થઇ રહ્યો છે.
નોંધનીય છે કે અગાઉ ભાજપ કહી ચૂક્યું છે કે સરકારને કોઇ ખતરો નથી પરંતુ નીતિન પ્રકરણ અને હવે સોલંકી પ્રકરણથી કોઈ જોખમ ન હોવા છતાં ભાજપ સરકારની આબરૂના ધજાગરા ઉડી રહ્યા એટલું ચોક્કસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર