'સ્વ' સાથેની જ લડાઈ : આ વખતે કોણ ? કુંવરજી, ભાજપ કે કોંગ્રેસ…

News18 Gujarati
Updated: November 26, 2018, 5:22 PM IST
'સ્વ' સાથેની જ લડાઈ : આ વખતે કોણ ? કુંવરજી, ભાજપ કે કોંગ્રેસ…
કુંવરજી બાવળીયા (ફાઈલ ફોટો)

સામે પક્ષે કોંગ્રેસ માટે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકાય તેવું છે, પરંતુ હંમેશાની માફક કોંગ્રેસમાં સંકલન અને સક્રિયતાનો અભાવ છે.

  • Share this:

ન્યૂઝ18 ગુજરાતી : સેવા સત્તાધારી પક્ષમાં જ રહીને થાય તેવી માનસિકતા અથવા હેરાનગતિના લીધે કુંવરજી બાવળીયાએ  ભાજપનું પલ્લું પકડ્યું અને તુરત જ કેબિનેટ કક્ષાના મંત્રી તો બની ગયા પરંતુ આ ‘પક્ષપલ્ટા’ને કારણે હવે તેમણે તેમની વ્યક્તિગત 'શાખ' દાવ ઉપર લાગી છે ! હવે કોઈપણ ભોગે જસદણની બેઠક કુંવરજીએ જીતવી પડશે અને આ માટેના તમામ પ્રયાસો તેમણે આદરી દીધા છે.


રાજકીય વર્તુળો તો ત્યાં સુધી ચર્ચા કરી રહ્યા છે કે, આ માત્ર કુંવરજી માટે જ નહિ કિન્તુ ભાજપ અને રૂપાણી માટે પણ આબરૂનો સવાલ છે. યાદ રહે, છેલ્લા 23 વર્ષથી ભલે રાજ્યમાં ભાજપ સત્તામાં હોય પરંતુ માત્ર એક વખત જ ડૉ. ભરત બોઘરાના સ્વરૂપે ભાજપ અહીંની બેઠક 2009માં જીતી શક્યું હતું !


આ સિવાય 1962થી 2017 સુધીમાં યોજાયેલી વિધાનસભાની 14 ચૂંટણીઓમાં કોંગ્રેસ 9 વખત આ બેઠક ઉપરથી વિજેતા થયું છે.



હવે આગામી 20 ડિસેમ્બરના રોજ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા માટે જસદણ વિધાનસભા ચૂંટણી કપરા ચઢાણ સમાન છે.


કહેવાય છે કે, કુંવરજી માટે તેમના જ પક્ષના એટલ કે ભાજપના કેટલાક અભાગિયા જીવો તેમની વિરુદ્ધમાં કામગીરી કરી રહ્યાં છે. વળી, જે કોળી સમાજના મત અને વિશ્વાસ મેળવીને તેઓ અહીંથી જીતતા આવ્યા છે તેમનો વિશ્વાસ ભંગ તેમણે કર્યો હોઈ, તેમના જ સમાજના લોકો તેમનાથી નારાજ છે.


સામે પક્ષે કોંગ્રેસ માટે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકાય તેવું છે, પરંતુ હંમેશાની માફક કોંગ્રેસમાં સંકલન અને સક્રિયતાનો અભાવ છે. હજુ પક્ષ તેનો ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસે કરાવેલા સર્વેક્ષણ અનુસાર તેમની આ પરંપરાગત બેઠક ઉપર તેમને નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ હોઈ, હવેથી ત્રણ દિવસ માટે બધા જસદણમાં ધામા નાખશે !

જયારે બીજી તરફ આ બેઠક ઉપરથી કુંવરજીભાઇ પુનઃ ભાજપના ચિહન પરથી જીતશે તો તેમનું માત્ર પક્ષમાં જ નહિ, સૌરાષ્ટ્રના રાજકારણમાં અને કોળી સમાજમાં કદ વધી શકે છે, જે ભાજપના કોળી નેતાઓ સાંખી શકે નહિ. આ સ્થિતિમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા ભાજપના કોળી નેતાઓ ‘અંદરખાને’ કુંવરજીની વિરુદ્ધમાં ચાલી રહ્યા છે !


જો ભાજપ આ બેઠક ગુમાવે તો વિજય રૂપાણીની આબરૂ દાવ ઉપર લાગી શકે. વળી, રાજકોટને બાદ કરતા આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપના રકાસને ધ્યાને લેતા, મોવડીમંડળ મુખ્યમંત્રીના પદને હલાવે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ મામલે કેટલાક વરિષ્ટ અસંતુષ્ટો તો વિજયભાઈએ પહેલથી જ 'પાળી' જ રાખ્યા છે, જે ઉત્તર ગુજરાત અને પાટીદારોનું પ્રતિનિધિત્વ કરે છે ! હવે જોઈએ કે લોકસભાની ચૂંટણી પૂર્વેના જસદણના સૂચિતાર્થો કઈ દિશામાં લઇ જાય છે.

First published: November 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading