અમદાવાદ: બૂટલેગરને પકડવા ગયેલી પોલીસ સાથે ધક્કામુક્કી; સાક્ષીને સમાધાન માટે મળી ધમકી


Updated: September 25, 2020, 11:04 AM IST
અમદાવાદ: બૂટલેગરને પકડવા ગયેલી પોલીસ સાથે ધક્કામુક્કી; સાક્ષીને સમાધાન માટે મળી ધમકી
ફાઇલ તસવીર.

"સમાધાન કરાવી દે, અમે તો જેલ જવાના છીએ, પછી જોઈ લે તારી શું હાલત થાય છે. પછી તું જ્યાં મળીશ ત્યાં તને જાનથી મારી નાખીશું."

  • Share this:
અમદાવાદ: શહેરની ખોખરા પોલીસની ટીમ સાથે શરમજનક ઘટના બની છે. પોલીસની એક ટીમ જ્યારે એક કેસમાં વોન્ટેડ આરોપીને તેના ઘરે હાજર હોવાથી પકડવા ગઈ ત્યારે આરોપી મેદાનમાંથી ભાગવા જતો હતો. ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો. જોકે, એક વખત તો તેને ભાગવામાં પોલીસે સફળ ન થવા દીધો પરંતુ બાદમાં આરોપીની માતા અને ભાઈ આવ્યા અને પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. જેનો ગેરલાભ લઇ આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. જેને લઇને ખોખરા પોલીસે આ મામલે આરોપીની માતા તથા ભાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, આરોપી ભાગી ગયો કે ભગાડવામાં આવ્યો તે પણ સવાલ ઊઠ્યો છે. શહેરના મેઘાણીનગર ખાતે બનેલા બીજા એક બનાવમાં આરોપીઓએ એક કેસમાં સાક્ષી રહેલા વ્યક્તિને જીવથી મારી નાખવાની ધમકી મળી છે.

માતા-ભાઈની મદદથી બુટલેગર ફરાર

ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ તેમની ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ ઉપર હતા. તે દરમિયાન તેઓ એક કેસના આરોપી રાજુ ઉર્ફે ભજીયો જશુભાઈ ડાભી કે જે મદ્રાસી મંદિર પાસે રહે છે તેને પકડવાનો બાકી હોવાથી તેઓ ત્યાં તપાસ અર્થે ગયા હતા. ત્યારે ત્યાં પહોંચતા જ આરોપી રાજુ ખુલ્લા મેદાનમાં હાજર હતો અને પોલીસને જોઇ ભાગવાની કોશિશ કરતો હતો. તે ભાગવામાં સફળ ન થાય તે માટે પકડવા જતા આરોપીની માતા મીનાબેન સહિતના લોકોએ વચ્ચે પડી પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. જેનો ગેરલાભ લઇ આરોપી રાજુ ત્યાંથી ભાગી ગયો હતો.

આ પણ વાંચો: નવસારી: દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ રૂપિયા 35 લાખમાં વેચવા જતી ટોળકીની ધરપકડ

બાદમાં આરોપીનો ભાઈ મનોજ પોલીસ પાસે આવ્યો અને બોલાચાલી કરી કહેવા લાગ્યો હતો કે, 'તમે વારંવાર કેમ અમારા ઘરે તપાસ કરવા આવો છો?' પોલીસે આ મામલે આરોપી રાજુના માતા મીનાબેન તથા તેના ભાઈ મનોજ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

બનાવ-2: 'અમે તો જેલમાં જવાની છીએ, પછી જોજે તારું શું થાય છે'શહેરના મેઘાણીનગર વિસ્તારમાં મિત્રએ કરેલી ફરિયાદમાં સાક્ષી રહેવું એક વ્યક્તિને ભારે પડ્યું છે. જે લોકો સામે ફરિયાદ કરી હતી તેઓએ સાક્ષીના ઘરે પહોંચીને સમાધાન કરાવી આપવા માટે ધમકી આપી. મેઘાણીનગરમાં રહેતા રમેશ શિકારપુરીએ પોલીસ ફરિયાદ આપી છે કે ગુરુવારે સાંજના સમયે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન કમલેશ ઉર્ફે કાળું, પમા રાજનામી, અજિત સિંધી અને કમલેશ કસાઈ તેના ઘરે આવ્યા હતા અને તેઓને ઘરની નીચે બોલાવ્યા હતા. જ્યાં ચારેય આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે, રાજા સિંધીએ અમારા પર કરેલા કેસમાં તમે કેમ વધારે રસ ધરાવો છો? આ કેસમાં સમાધાન કરાવી દો.

આ પણ વાંચો: અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પાસે ચાલકે PSIના પગ પર કાર ચઢાવી દીધી

ફરિયાદીએ ચારેય આરોપીઓને સમાધાન કરવું હોય તો કેસના ફરિયાદી રાજા પાસે જવાનું કહ્યું હતું. જેથી કમલેશ ઉર્ફે કાળું ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, "સમાધાન કરાવી દે, અમે તો જેલ જવાના છીએ, પછી જોઈ લે તારી શું હાલત થાય છે. પછી તું જ્યાં મળીશ ત્યાં તને જાનથી મારી નાખીશું."

પમાએ ધમકી આપી હતી કે, અમે તને ખોટા કેસમાં ફસાવી દઈશું અને પાસા કરાવી દઈશું. બાદમાં આરોપીઓ ફરિયાદી સાથે ઝપાઝપી પણ કરવા લાગ્યા હતા. જોકે, ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જેમાં આરોપીઓ ત્યાંથી ભાગી રહ્યાં હતાં તે દરમિયાન ફરિયાદીએ કમલેશ ઉર્ફે કાળુને ઝડપી સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 25, 2020, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading