અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં બે પાડોશીઓ વચ્ચે ઘરની બહાર ઉતારેલું લીંબુ મુકવા બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી. ઘરની બહાર કોણે લીંબુ મૂક્યું કહી અને ઝઘડો કર્યો હતો. નરોડા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલા હિલોની ફ્લેટમાં એ બ્લોકમાં પૂજાબેન ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. તેમની બાજુના મકાનમાં પૂજાબેન પટેલ તેમના પરિવાર સાથે રહે છે.
પૂજાબેન ચૌહાણના ઘરની બહાર કોઈએ ઉતારાનું લીંબુ મૂક્યું હતું. જેથી પૂજાબેન આસપાસમાં પૂછવા ગયા હતા. પૂજાબેન પટેલને પૂછતાં મેં લીંબુ મૂક્યું નથી અને હવે આ બાબતે મને પૂછવાનું નહિ તેવું જણાવ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી.
આ દરમિયાન બંનેના પતિ પણ આવી ગયા હતા. તહેવાર દરમ્યાન બંને પરિવારો વચ્ચે ઝઘડો થતાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને તેઓને છોડાવ્યા હતા. ઘટના મામલે પોલીસને જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ બંને પરિવારને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. નરોડા પોલીસે બંનેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે.
કાળી ચૌદશે વડા ધરવાનું મહત્વ છે ખાસ
આજે કાળીચૌદશ છે જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વડા મૂકી અશાંતિ દૂર કરશે તથા સુરાપુરા દાદાને નૈવેધ કરશે. આજે વ્યાપાર ધંધાની મશીનરીનું પૂજન કરવાથી કામ કયારેય અટકતુ નથી.કાળી ચૌદશને નરક ચતુદર્શી તથા રૂપચૌદશ પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે કાલીપૂજા કરવી ઉતમ કહેલી છે. વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલીરાત્રી, મહારાત્રી, મોહરાત્રી અને દાણરાત્રી આમ ચારેય રાત્રીના નામ કાળીચૌદશ મહાશિવરાત્રી, શરદપૂનમ, હોળીની રાત, આમ કાળી ચૌદશ વર્ષની મહારાત્રી તરીખે ગણાય છે.
કાળી ચૌદશના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકર્મકરી શરીરે તેલનું લેપન કર્યા બાદ સ્નાન કરવાનું મહત્વ છે. ત્યારબાદ નિત્ય પૂજન કર્યા પછી યમતર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ ગતી મળે છે. અને અકાળમૃત્યુ આવતુ નથી. કાળી ચૌદશના દિવસે સુરાપુરાને નૈવૈધ પણ ધરાવામાં આવે છે. અને સાંજના સમયે પ્રતિક સ્વપે રસ્તા પર ચાર ચોકમાં ઘરેથી બનાવેલા વળા મૂકવામા આવે છે. આમ આવી રીતે ઘરમાંથી અશાંતી દૂર થાય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર