'ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વાયોજિત ન હતા' : નાણાવટી અને મહેતા પંચનો તપાસ અહેવાલ

News18 Gujarati
Updated: December 11, 2019, 1:43 PM IST

નરેન્દ્ર મોદી સંદર્ભે ઉલ્લેખ થયો હતો કે, વહીવટી તંત્રને જાણ કર્યાં વગર તેઓ ગોધરા ગયા હતા. તપાસમાં માલુમ પડ્યું છે કે તત્કાલિન મુખ્યમંત્રીનું ગોધરા જવું એ ખાનગી મુલાકાત ન હતી.

  • Share this:
ગાંધીનગર : તા. 27/02/2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્ષપ્રેસના એક કોચમાં આગ લગાડી દેવાની ઘટના બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જે બાદમાં રાજ્યમાં ઠેરઠેર તોફાનો થયા હતા. આ તોફાનો પૂર્વયોજિત હતા કે કેમ તેની તપાસ માટે તત્કાલિન મુખ્યમંત્રીએ કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ નાણાવટી પંચની રચના કરી હતી. આ પંચના તપાસ અહેવાલનો ભાગ-ર આજે વિધાનસભાના ગૃહમાં મેજ પર મૂકવામાં આવ્યો હતો. પાર્ટ-ટુ રિપોર્ટમાં નવ વોલ્યૂમ છે તેમજ 2500થી વધારે પાના છે. રિપોર્ટમાં 44,445 એફિડેવિટનો સાર આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જસ્ટિસ મહેતા અને જસ્ટિસ નાણાવટીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને ક્લિન ચીટ આપી છે. સાથે જ એવું ટાંક્યું છે, ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વાયોજિત કાવતરું ન હતું. સાથે જ ઘટના બાદ તત્કાલિન મુખ્યમંત્રીની ગોધરા મુલાકાત ખાનગી ન હતી.

જસ્ટિસ પંચના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે?

- ગોધરાકાંડ બાદના તોફાનોમાં કોઈ રાજકીય નેતાઓ કે અધિકારીઓની સંડોવણી માલુમ પડી નથી.

- પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા, ભરતભાઈ બારોટ અને અશોક ભટ્ટને ક્લિનચીટ.
- હરેન પંડ્યાએ લઘુમતિઓના મકાનો પર હુમલો કર્યાના આક્ષેપો પાયાવિહોણા છે.
- તોફાનો માટે ઉશ્કેરણીમાં ભરત બારોટનો કોઈ રોલ ન હતો.- ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીની ભૂમિકા નકારાત્મક જણાઈ આવી છે. જેમાં આર.બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ, રાહુલ શર્માનો સમાવેશ થાય છે.
- નરેન્દ્ર મોદી સંદર્ભે ઉલ્લેખ થયો હતો કે, વહીવટી તંત્રને જાણ કર્યાં વગર તેઓ ગોધરા ગયા હતા. તપાસમાં માલુમ પડ્યું છે કે તત્કાલિન મુખ્યમંત્રીનું ગોધરા જવું એ ખાનગી મુલાકાત ન હતી. આ અંગે તેમના પ્રવાસની વ્યવસ્થા કરનાર અધિકારીઓથી લઈને તંત્રને જાણ હતી.
- 58 લોકોનું પોસ્ટમોર્ટમ થયું હતું તે સંદર્ભે એ વખતના આરોગ્ય મંત્રી સામે અશોક ભટ્ટ સામે આક્ષેપ થયા હતા. જે અંગે પંચે નોંધ્યું છે કે સ્થાનિક પોલીસ અધિકારીના કહેવા પર રેલવે યાર્ડમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.
- સીએમ મોદી પુરાવાનો નાશ કરવા માટે એસ-6 કોચનું નીરિક્ષણ કરવા માટે ગયા હતા તેવા આક્ષેપ પર પંચે સ્પષ્ટ કર્યું હતું કે, તત્કાલિન સીએમનો હેતુ પુરાવાનો નાશ કરવાનો ન હતો, પરંતુ ઘટના કેવી રીતે બની હતી તેની માહિતી મેળવવાનો હતો.
- મુખ્યમંત્રીના નિવાસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં એવા આદેશ કરાયા હતા કે લોકોને પોતાનો ગુસ્સો ઠાલવવા દો, આ આક્ષેપ અંગે પંચે નોંધ્યું છે કે, બેઠકમાં આવો કોઈ જ આદેશ થયો નથી. આ ઉપરાંત જે અધિકારીઓએ સરકાર સમક્ષ આક્ષેપો કર્યા હતા તેના કોઈ પુરાવા મળ્યા નથી.
- જે તે દિવસે સરકારે કોઈ જ બંધની જાહેરાત કરી ન હતી. એ દિવસે સામાન્ય વાહનવ્યવહાર રાબેતા મુજબ કાર્યરત હતો.
- જે અધિકારીઓની બદલી થઈ હતી તે નિયમિત પ્રક્રિયાના ભાગ સ્વરૂપે થઈ હતી. ગોધરાના તોફાનો સામે તેમનો કોઈ સંબંધ નથી.
- કોંગ્રેસના અમરસિંહ ચૌધરીએ કરેલી રજુઆત પણ ખોટી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ગોધરાકાંડ બાદ શું થયું?

તા. 27/02/2002ના રોજ સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના કોચ નં.S6 આગ લગાડવાની હિચકારી ઘટના બની હતી. જેમાં 58 કારસેવકોનાં મૃત્યુ થયા હતા અને 40થી વધારે લોકોને ગંભીર ઇજા થઈ હતી. રાજ્ય સરકારે તા. 06/03/2002ના જાહેરનામાંથી જસ્ટીસ કે. જી. શાહ તપાસપંચની રચના કરી હતી. આ જાહેરનામાથી પંચના કાર્યક્ષેત્રમાં નીચેની બાબતો અન્વયે તપાસ કરવાની હતી.

  • 27/02/2002ની ગોધરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનાવના સંજોગો અને તે તરફ દોરી જતી ઘટના.

  • ગોધરાના બનાવ બાદના હિંસક બનાવોના કારણો અને સંજોગો.

  • ગોધરાના બનાવ અને ત્યારબાદના બનાવોને રોકવા તથા કાબૂમાં લેવા રાજ્યનો વહિવટી તંત્રએ લીધેલાપગલાં.

  • ગોધરામાં ટ્રેનના ડબ્બાને આગ લગાવવાની ઘટના પૂર્વ આયોજિત હતી કે કેમ? અને રાજ્યની એજન્સી પાસે આ બાબતની જાણ હતી અને તે રોકી શકે તેમ હતી કે કેમ?

  • આ પ્રકારના બનાવનું પુનરાવર્તન ન થાય તે માટેના ઉપાયો સૂચવવા.


તા. 21/05/2002ના જાહેરનામાથી તપાસ પંચને પુન: ગઠીત કરવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ જી. ટી. નાણાવટીને પંચના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. તા. 20/04/2004ના જાહેરનામાથી પંચના કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો અને તેમમાં મંત્રી, પોલીસ અધિકારી અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ ભજવેલ ભાગને આવરી લેવામાં આવ્યો હતો. જેમાં નીચેની બાબતો તપાસમાં આવી હતી.

  • ગોધરા ખાતે ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યારબાદના બનાવોમાં મુખ્યમંત્રી અથવા મંત્રી મંડળના અન્ય મંત્રી, પોલીસ અધિકારી, અન્ય વ્યક્તિ અને અન્ય સંસ્થાઓએ ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંક.

  • ગોધરા ખાતે ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યારબાદના બનાવોમાં મુખ્યમંત્રી અથવા મંત્રી મંડળના અન્ય મંત્રી, પોલીસ અધિકારી પૈકી રાજકીય અને બિન રાજકીય સંસ્થાઓએ તોફાનોના અસરગ્રસ્તોને રક્ષણ, રાહત અને સહાય પૂરી પાડવામાં તેમજ વખતો વખત રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આપેલ ભલામણો અને સૂચનાઓ પરત્વે ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંક.


તપાસ પંચના સભ્ય જસ્ટીસ શાહનું તા. 23/03/2008ના રોજ અવસાન થતાં તેમના સ્થાને કાયદા વિભાગના તા. 06/04/2008ના જાહેરનામાથી જસ્ટીસ અક્ષય એચ. મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. જસ્ટિસ નાણાવટી અને જસ્ટીસ મહેતાએ તા. 18/09/2008ના રોજ તપાસ પંચનો અહેવાલનો ભાગ- ૧ મુખ્ય મંત્રીને સુપ્રત કર્યો હતો. આ અહેવાલ તા.25/09/2008ના રોજ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તપાસ પંચ ભાગ-૨નો અહેવાલ તા. 18/11/2014ના રોજ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો.
First published: December 11, 2019, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading