...તો 14મી એપ્રિલે જોવા જેવી થશે: જિગ્નેશ મેવાણી

News18 Gujarati
Updated: April 9, 2018, 10:41 AM IST
...તો 14મી એપ્રિલે જોવા જેવી થશે: જિગ્નેશ મેવાણી
ફાઇલ ફોટો- જીજ્ઞેશ મેવાણી

  • Share this:
અમદાવાદ: દલિત નેતા જિગ્નેશ મેવાણીએ નરેન્દ્ર મોદી સરકારને એટ્રોસિટી એક્ટ મામલે ચેતવણી આપતા કહ્યુ કે, જો કેન્દ્ર સરકાર 14 એપ્રિલ પહેલા એટ્રોસિટી એક્ટ મામલે સુપ્રિમ કોર્ટમાં ઓર્ડિનન્સ નહિ લાવો, તો દેશમાં કોઇ પણ સ્થળે દલિતો ભાજપના નેતાઓને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવા દેશે નહિં. 14 એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ છે.

થોડા દિવસો પહેલા સુપ્રિમ કોર્ટે એવું અવલોકન કર્યુ હતુ કે, એટ્રોસિટી એક્ટનો દુરઉપયોગ થાય છે અને ખોટા કેસો કરી લોકોને ફસાવવામાં આવે છે અને આ મામલે સુપ્રિમ કોર્ટે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. કોર્ટના વલણનો સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ થયો હતો અને 2 એપ્રિલના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. આ બંધ અને વિરોધ પ્રદર્શનમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મેવાણીએ વધુમાં કહ્યું કે, સુપ્રિમ કોર્ટના આ વલણની હું સખત ટીકા કરુ છુ. સુપ્રિમ કોર્ટનું આ વલણ એક રીતે દલિતો અને આદિવાસીઓ પર "જ્યુડિશીયલ એટ્રોસિટી" સમાન છે. અમારી માંગણી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જેમ શાહબાનો કેસની ઓર્ડિન્સ લાવવામાં આવ્યો હતો એવી જ રીતે, આ કેસમાં પણ કેન્દ્ર સરકાર ઓર્ડિનન્સ લાવી સુપ્રિમ કોર્ટના ચુકાદાને રદબાતલ જાહેર કરે. જો મોદી સરકાર આવું નહિ કરે, તો દેશભરમાં 14 એપ્રિલનાં રોજ ભાજપના કોઇપણ નેતાને ડો. આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવા દેવામાં આવશે નહિં".

અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ આ ચેતવણી આપી હતી. બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વધુમાં બીજી એક જાહેરાત કરતા કહ્યુ કે, 14 એપ્રિલના રોજ કચ્છના સામખિયાળી હાઇ-વે પર વિરોધ પ્રદર્શન કરી તેને બંધ કરી દેવામાં આવશે. છેલ્લા 22 વર્ષથી દલિતો અને કોળી સમાજનાં લોકોને સાંથણીની 530 એકર જમીનની સોંપણી કરવામાં આવી નથી. આ એક અત્યાચાર છે અને સરકાર દલિતો અને પછાત વર્ગોનું સાંભળતી નથી. એટલે ન છૂટકે, અમે એ નિર્ણય લીધો છે."

થોડા દિવસો પહેલા કર્ણાટકમાં જિગ્નેશ મેવાણી પર ભડકાઉ ભાષણ કરવા બાબતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણીએ એમ કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીની સભામાં જઇને ખુરશીઓ ઉછાળી અને મોદીને પ્રશ્ન પુછો કે, અમને નોકરીઓ ક્યારે મળશે ?". આ કેસ બાબતે મેવાણીએ કહ્યું કે, આખા દેશમાં દલિતો-આદિવાસીઓ પર અત્યારો થાય છે તેવાં કિસ્સાઓમાં ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી અને હું સત્ય બોલુ તો ફરિયાદ દાખલ કરે છે. પણ મોદી સરકારનો હું પીછો છોડીશ નહિં."

મેવાણીએ સમર્થકોને અપિલ કરતા કહ્યુ હતુ કે, આગામી 14 એપ્રિલનાં રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઇપણ પ્રકારની હિંસા કરવી નહિં અને જાહેર સંપતિઓને નુકશાન કરવુ નહિં અને નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં મેવાણીએ કહ્યું કે, હિંસા કરવી એ નરેન્દ્ર મોદીની 'વિશેષતા' છે."
First published: April 8, 2018, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading