હું દલિતોનો પ્રતિનિધિ છું, પેટા જ્ઞાતિમાં કેદ કરવાની ચેષ્ટા ન કરો: મેવાણી

News18 Gujarati
Updated: February 25, 2019, 6:02 PM IST
હું દલિતોનો પ્રતિનિધિ છું, પેટા જ્ઞાતિમાં કેદ કરવાની ચેષ્ટા ન કરો: મેવાણી
જિજ્ઞેશ મેવાણી

દુનિયા કે વણકર, દુનિયા કે સેનવા એક હો - આ મારો નારો નથી. આ બીમારી મારી નથી , મને આ ચેપ લગાડવાની કોશિષ કરવી નહીં: મેવાણી

  • Share this:
અમદાવાદ: દલિત નેતા અને વડગામનાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તેમની ફેસબૂક વોલ પર એક લખાણ મૂકીને દલિતોને વિનંતી કરી છે કે, તેમને પેટા જ્ઞાતિનાં વાડામાં ન બાંધે અને તેમની વિચારસરણીને સમજવાનો પ્રયાસ કરે.

જિજ્ઞેશ મેવાણીએ લખેલી ફેસબૂક પોસ્ટ અક્ષરસ: અહીં પ્રસ્તુત છે.

હું દલિત સમાજનો પ્રતિનિધિ છું. એટલે મને ગોળ, પરગણા, પેટા જ્ઞાતિમાં કેદ કરવાની મૂર્ખતા કે ચેષ્ટા નહીં, નહીં ને નહીં જ કરવી. મારો નારો છે - "દુનિયા કે દલિત એક હો" - દુનિયા કે રોહિત, દુનિયા કે વાલ્મીકી, દુનિયા કે વણકર, દુનિયા કે સેનવા એક હો - આ મારો નારો નથી. આ બીમારી મારી નથી , મને આ ચેપ લગાડવાની કોશિષ કરવી નહીં.

બીજી વાત, દલિત સમાજના તમામ સંત પુરુષો, કવિઓ, સંઘર્ષવીરો માટે મને આદર છે એટલે મહેરબાની કરી રોહિદાસની જયંતિની શુભેચ્છાઓ કેમ ના પાઠવી, કબીર જયંતિ પર ફેસબૂક પોસ્ટ કેમ ના મૂકી, રામા સ્વામી પેરિયાર વિશે કેમ ના બોલ્યા - આવા સવાલો મને નહીં કરવા. હું શું કરું છું એ જગજાહેર છે, અને મને એનું ગૌરવ છે, આ દેશના લાખો યુવાનો અને દલિત વંચિત વર્ગના લોકોને પણ એનું ગૌરવ છે.
કોઈ મહાપુરૂષની જયંતિ વિશે બે શબ્દો બોલવાના ચૂકી ગયા હોઈએ એનો મતલબ એમ કે એમના માટે આદર નથી ? આવી ટિપ્પણી કરનારાઓને પૂછવું જોઈએ કે તમારી સાત પેઢીમાં દલિત આંદોલનના કારણે કોઈની ઉપર ગુજરાત અને ગુજરાત બહાર 11 એફ.આઈ.આર. દાખલ થઈ છે? મારી ઉપર થઈ છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 4 ગુના દાખલ થયા છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ છે. અંદાઝ છે તમને કે કેટલા શેર બરાબર એક મણ થાય ?
આવી ટિપ્પણી કરનારા કરતાં બાબા સાહેબ, ફૂલે, પેરિયાર, બુદ્ધ, રોહિદાસ, કબીર, અયંકાલી વિશે વધારે વાંચ્યું છે અને એમના જ બતાવેલા માર્ગ પર ચાલીએ છીએ.જેમ ભાજપવાળા કહેતા હોય છે કે 'ભારત માતા કી જય કેમ નથી બોલતાં' એમ તમે પણ પૂછશો કે આ કેમ ના બોલ્યા ને પેલું કેમ ના બોલ્યા ? આ પ્રવૃત્તિમાંથી ગંદી વાસ આવે છે અને બાબા સાહેબના જ શબ્દોમાં કહેવાનું મન થાય છે કે મારો રથ આગળ ન લઈ જવાય તો કંઈ નહીં, પાછળ ન લઈ જતાં.
મને જજ કરવો તો મારા કામને આધારે. કાલે ઉઠીને 14મી એપ્રિલના રોજ બાબા સાહેબને ફુલહાર કરવાનું રહી જાય તો બાકીના 364 દિવસ જે કરીએ છીએ એ પાણીમાં ? સંકિર્ણ માનસિકતામાંથી બહાર આવો.

વિધાનસભામાં મારી ધારદાર રજુઆતના કારણે પેટા જ્ઞાતિની દુકાનો ચલાવતાં ભાજપના અને આર.એસ.એસ.ના જે નેતાઓના પેટમાં જે તેલ રેડાયું છે અને તેમણે જે વોટ્સ અપ મેસેજો રમાતા કર્યા છે એની ઝાળમાં ફસાતાં નહીં. આપણું લક્ષ્ય જાતિ વિહીન સમાજના નિર્માણનું છે , પેટા જ્ઞાતિની લપમાં પડવાનું નહીં.
દુનિયા કે દલિત એક હો, અને આ નારો પણ ત્યાં જ સુધી જ્યાં સુધી જગતમાં જાતિ વ્યવસ્થા છે. જાતિ વ્યવસ્થા ખતમ થાય એટલે ના કોઈ દલિત રહે, ના કોઈ સવર્ણ. આ જ ડો. આંબેડકરનું મિશન હતું. હવે પાછા એમ ન કહેતા કે એકલું ડો. આંબેડકર કેમ લખ્યું, આગળ બાબા સાહેબ કેમ ન લગાડ્યું. આશા રાખું છું કે જે કહેવા માગું છું તે સમજાઈ ગયું હશે.”
First published: February 25, 2019, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading