#JaiHindSamaan: અમદાવાદના સેના મેડલ સન્માનિત વીર શહીદ પ્રદીપસિંહ કુશવાહની શૌર્યગાથા

#JaiHindSamaan: અમદાવાદના સેના મેડલ સન્માનિત વીર શહીદ પ્રદીપસિંહ કુશવાહની શૌર્યગાથા
વીર શહીદ પ્રદીપસિંહ કુશવાહ

૧૨ પાસે કર્યા બાદ તરત જ ગુજરાતમાં આર્મીમાં ભરતી આવી. પ્રદીપસિંહ ઘરે કોઈ ને કહ્યા વગર ભરૂચ પરીક્ષા આપવા માટે પહોંચી ગયા.

 • Share this:
  આજે વાત અમદાવાદના સેના મેડલ સન્માનિત વીર શહીદ પ્રદીપસિંહ કુશવાહની. જેઓએ ફક્ત 19 વર્ષની વયે પિતાનું સપનું સાકાર કર્યું. અને જેમને મા ભોમ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. પ્રદિપસિંહ કુશવાહ. નાનપણથી જ પરિવાર માટે કંઈક કરવાનું ઝનૂન હતું. ગુજરાન ચલાવવા માટે પિતાની મહેનતને ધ્યાનમાં રાખી પ્રદીપસિંહએ નાની ઉંમરમાં જ પિતાને આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું. ભણવામાં હોશિયાર એવા પ્રદીપસિંહએ ધોરણ 12 સાયન્સમાં સારું પરિણામ મેળવ્યું. પિતાની ઈચ્છા હતી કે પ્રદીપસિંહ સારો અભ્યાસ કરી અને સારી નોકરી મેળવે.

  જો કે પિતા ને આર્થિક મદદ કરવાની ભાવના અને દેશ સેવા કરવાની તત્પરતા તો પ્રદીપસિંહમાં હતી જ. ૧૨ પાસે કર્યા બાદ તરત જ ગુજરાતમાં આર્મીમાં ભરતી આવી. પ્રદીપસિંહ ઘરે કોઈ ને કહ્યા વગર ભરૂચ પરીક્ષા આપવા માટે પહોંચી ગયા. આર્મી માટે તમામ પરીક્ષા પાસે કર્યા બાદ જ્યારે તેઓને તાલીમમાં જવાનું થયું ત્યારે તેમને પરિવારને જાણ કરી અને એક વર્ષની તાલીમ માટે ગોવા પહોંચ્યા.  એક વર્ષ ની તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમનુ પોસ્ટિંગ પંજાબમાં આવ્યું. જ્યાં ત્રણ વર્ષ સુધી ફરજ પૂર્ણ કર્યા બાદ પ્રદીપ સિંહની ટ્રાન્સફર જમ્મુ કાશ્મીર ૫૦ આર આર સેલમાં આવી. જ્યાં તેમને ૨૮ દિવસ સુધીની તાલીમ મેળવી.અને જ્યારે ફરજ પર હજાર થવાનું હતું. તેના આગલા દિવસે તેમના મિત્રને મળવા માટે પુલવામામાં એક કેમ્પ પર ગયા. કારણ કે તેમના મિત્રની પણ ટ્રાન્સફર થઈ હોવાનું હવે તેઓ ક્યારે મળી શકશે તે નક્કી ના હતું.


  મિત્રને મળવા માટે પહોંચ્યા ત્યારે તેમના મિત્ર પર એક ઓફિસર નો ફોન આવ્યો કે પુલવામામાં એક ઘરમાં ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળી છે. અને તે આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે ઓપરેશનમાં જવાનું છે. જો કે આ વખતે પ્રદીપસિંહ પોતે ફરજ પર હાજર ના હોવા છતાં તેમણે ઓપરેશનમાં જવા માટે અધિકારીની મંજુરી માંગીને ઓપરેશનમાં જોડાયા. જો કે કમનસીબે બાતમી વાળા સ્થળ પર પહોંચીને ગાડી માંથી ઓપરેશન માટે ઉતર્યા કે તરત જ સામેથી આતંકીઓએ ગોળીબાર કર્યો અને પ્રદીપસિંહને છાતીમાં ત્રણ જેટલી ગોળી વાગી.

  જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમની ગન સાઈડમાં પડી ગઈ. પ્રદીપસિંહ શારીરિક રીતે દુશ્મનો નો સામનો કરવા માટે સક્ષમ રહ્યા ના હતાં. પરંતુ તેમણે જોયું કે આતંકીની નજર તેમના હથિયાર પર છે. જેથી તેમણે હિમંત કરીનેં હથિયાર પોતાની પાસે લઈ લીધું અને જ્યારે આતંકી તેમની નજીક આવ્યો કે તરત જ પ્રદિપસિંહ એ તેને માથાના ભાગે એક ગોળી મારી તેને પતાવી દીધો. ત્યારબાદ અન્ય બે આતંકીઓનો સામનો કરીને પ્રદિપસિંહના સાથી જવાનો તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ પર લઈ ગયા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અને દેશ માટે આ વીર સપૂત શહીદ થયા.

  જોકે આ ઓપરેશનમાં પ્રદિપસિંહ અન્ય એક સાથી મિત્ર ઉતરાખંડના સુરજ સિંહ પણ શહીદ થયા. આ સમયે પ્રદિપસિંહના નાના ભાઈ કુલદીપસિંહ પણ આર્મી ની તાલીમ માં હતા અને પરિવાર માતા-પિતા પ્રદિપસિંહ માટે તેમના વતન ઉત્તર પ્રદેશમાં છોકરી જોવા માટે ગયા હતા. જોકે દીકરાના શહીદ થયાના સમાચાર મળતાં જ તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક બાજુ પુત્ર ગુમાવ્યો હોવાનું દુઃખ હતું પણ સાથે-સાથે પુત્ર દેશ માટે શહીદ થયો હોવાનું એટલું જ ગર્વ પણ હતું. 17 ઓગસ્ટ ૧૯૯૫ ગુરુવારે જન્મેલા જન્મેલા પ્રદીપસિંહ 11 સપ્ટેમ્બર ૨૦૧૭ ગુરુવારે શહીદ થયા. પ્રદિપસિંહ ને નાનપણથી જ પરિવાર પ્રત્યે કઈક કરવાની ભાવના હતી. પોતે આર્મી માં જોડાયા બાદ તેમના નાના ભાઈ ને પણ આર્મીમાં જોડાવા માટે સતત પ્રોત્સાહન આપતા હતા અને તેને પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ને આર્મીમાં ભરતી કરાવ્યા.

  આતંકીઓની સામે અથડામણ બાગ પોતે શારીરિક રીતે સક્ષમ ન હોવા છતાં પણ હથિયાર લઈને એક આતંકીને ઠાર મારવા બદલ તેઓને ઉત્કૃષ્ટ કામગીરી માટે સેના મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. પ્રદિપસિંહ જ્યારે પણ રજાઓના દિવસોમાં ઘરે આવતા ત્યારે મિત્રોની સાથે સાથે પરિવારને પણ એટલો જ સમય આપતા હતા અને પરિવારના તમામ સભ્યો સાથે હળી-મળીને રહેતા હતા.

  પરિવાર પ્રત્યેની ભાવના જોઇને આજે પણ પ્રદિપસિંહ માતાના આંખમાં આંસુ સુકાતા નથી. પ્રદિપસિંહ ના શહીદ થયાના ત્રણ વર્ષ બાદ પણ આજે પણ તેમના માતા-પિતાને તેમની આંખ સામે પ્રદિપસિંહ ચહેરો સતત જોવા મળી રહ્યો છે.
  Published by:Chaitali Shukla
  First published:December 12, 2020, 17:27 pm

  ટૉપ ન્યૂઝ