અમદાવાદ: માનવ ઈતિહાસના વિવિધ અધ્યાયોમાં લોકોની હિજરત-માઇગ્રેશનનું પ્રકરણ ન ગમે તેવું છતા કાયમી રહ્યું છે. જનસમુહોએ ક્યાંક સ્વૈચ્છાએ, ક્યાંક નવા વિસ્તારોની શોધમાં તો મોટાભાગે પ્રકૃતિના પ્રકોપ અને અત્યાચારોથી બચવા હિજરત-સ્થાળાંતર કર્યું છે. હિજરત જે-તે વિસ્તારોમાં ડેમોગ્રાફિક બદલાવ લાવે છે. ઘણીવાર વસાહતીઓની સંખ્યા વધી જતા મૂળ નિવાસીઓ લઘુમતિમાં આવી જતાં હોય છે. અમેરીકા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો તો સંપૂર્ણપણે વસાહતીઓથી બનેલા છે. ૧૯૪૭માં બૃહદભારતનું વિભાજન લાખો લોકોની હિજરત, અત્યાચાર, કરુણાંતિકાઓ અને કલ્પાંતનું નિમિત બન્યું હતું. લાખો લોકો પોતાની માતૃભૂમિ છોડવા મજબૂર બન્યા હતા, જેમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભારત આવેલા સિંધીઓ પણ સામેલ હતા. 1948ના પહેલા છ મહિનામાં 10 લાખ સિંધીઓ પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવ્યા અને 04 લાખ સિંધીઓ સિંધમાં જ રહી ગયા હતા.
સિંધના લોકોને ભારત લાવવામાં અને પુનર્વસનમાં સરદાર પટેલની ખૂબ જ મહત્તવની ભૂમિકા રહી હતી. સરદાર પટેલે ઘણી જગ્યાએ ખૂબ મોટાપાયે સાધનસામગ્રી સાથે રેફ્યૂજી કેમ્પની સ્થાપના કરી હતી. સરદાર પટેલે પાકિસ્તાની સમકક્ષ નેતાઓ સાથે સંવાદ સ્થાપીત કરી અને બોર્ડર વિસ્તારમાં પ્રવાસ કરી મોટા પાયે થતી હિંસાને નાથીને શાંતિની સ્થાપના કરી હતી. ઉપરાંત હિંસા ન ભડકે તે હેતુથી પાકિસ્તાનમાં થતા અત્યાચારના પ્રેસ રિપોર્ટ પણ જાહેર ન થવા દીધા હતા. પાકિસ્તાનથી આવેલા ઘણા બધા સિંધી પરિવારો અમદાવાદના કુબેરનગર તથા સરદારનગરમાં વસવા લાગ્યા. આ વિસ્તારના સૈન્ય બેરેકો અને રેફ્યૂજી કેમ્પના માધ્યમથી તેઓને સ્થાયી થવામાં ખૂબ મદદ મળી. આ પૂનર્વસનમાં સરદાર પટેલનો સિંહ ફાળો હતો. એમની સાથે એમના મિત્ર શ્રી લાલાકાકા પણ આ કામમાં દિવસ-રાત લાગી ગયા હતા.
સરદાર પટેલે અનેક સિંધીઓને નાનાં નાનાં વ્યાપાર તથા રેલવે સ્ટેશન પર ફેરી કરવાનું સૂચવી આત્મનિર્ભર બનવા પ્રેર્યા હતા. આદિપુર-ગાંધીધામમાં પણ પશ્ચિમ-પાકિસ્તાનથી ખૂબ મોટી સંખ્યામાં સિંધીઓ ગુજરાત તરફ આવ્યા હતા. કચ્છમાં સરદાર પટેલે ખૂબ મહેનત કરીને ત્યાંના રાજા મહારાવ શ્રી સર વિજયરાજજી ખેંગારજી બહાદુર પાસેથી બહુ મોટી 15,000 એકર (61 સ્ક્વેર કિલોમીટર) જમીન લઈ ‘સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન’ની રચના કરી. આચાર્ય કૃપલાણીને તેના ચેરમેન તથા ભાઈ પ્રતાપ દયાલને તેના મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યા. એ વખતના ખૂબ સુંદર આયોજનના લીધે આજે ગુજરાતમાં આદિપુર તથા ગાંધીધામ શહેરમાં હજારો સિંધી પરિવાર સ્થાપિત થઈ શક્યા.
ભારતીય સિંધુ સભાના અમદાવાદ જિલ્લા અધ્યક્ષ ડૉ. અનીલ ખત્રીના જણાવ્યા મુજબ સરદાર પટેલની અધ્યક્ષતામાં ‘દિલ્હી ઈમરજન્સી કમીટી’ની રચના કરવામાં આવી હતી અને તમામ જ્ઞાતિના લોકોને ન્યાયપૂર્વક પુનર્વસન કરવાની તક આપી હતી. સિંધી સમાજ માટે પણ ત્યાં એક સરદારનગર વિસ્તારની રચના કરવામાં આવી હતી. મુંબઈની નજીક થાણે જિલ્લામાં એક ‘કલ્યાણ મિલેટ્રી ટ્રાન્ઝિટ કેમ્પ’ હતું. આ કેમ્પમાં 2126 બેરેકો તથા મોટા મોટા હોલ હતા. આશરે 06 હજાર સૈનિકો તથા 30 હજાર અન્ય લોકો વિશ્વયુદ્ધ-2 વખતે ત્યાં રહેતા હતા. વિશ્વયુદ્ધ સમાપ્ત થયા પછી આ કેમ્પ તદન ખાલી પડેલો હતો. સરદાર પટેલે તાત્કાલિક નિર્ણય લઈને પાકિસ્તાનથી આવેલા હજારો પરિવારોને ત્યાં સ્થાન આપ્યું. આજે જે વિસ્તાર વિશ્વભરમાં ઉલ્લાસનગર તરીકે ઓળખાય છે.
ભારતના અન્ય શહેરો જેવા કે ઇન્દોર, હૈદરાબાદ વગેરેમાં પણ મોટાપાયે રેફ્યૂજી કેમ્પ સ્થાપિત કરીને સરદાર પટેલે સિંધી સમાજ માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું. અખંડભારતના ભાગલા વખતે સદીઓથી વસેલા સિંધી સમાજના લોકો પોતાની માતૃભૂમિ સિંધ છોડવા માટે મૂંઝવણમાં હતા. પાકિસ્તાનમાં સિંધના વતનીઓ સાથે બહુ ખરાબ વ્યવહાર અને હિંસા થતી હતી. 17 ડિસેમ્બર, 1947ના દિવસે હૈદરાબાદ-સિંધમાં તથા 6 જાન્યુઆરી, 1948ના રોજ કરાચી ખાતે હિંસા અને કત્લેઆમ થયા. સિંધીઓએ આથી સિંધ છોડવાનું નક્કી કર્યું હતું.
ડો. ખત્રીના જણાવ્યા મુજબ આજે ભારતામાં સિંધીઓની વસ્તી આશરે 1.5 કરોડ છે. ભારતના તત્કાલીન મહાનગરોના રેફ્યુજી કેમ્પસમાં વસેલા સિંધી લોકો આજે ભારતના લગભગ તમામ મોટા શહેરોમાં વસે છે અને પોતાની વસાહતની એકાદ સોસાયટીનું નામ ‘સરદાર નગર’ જરૂર રાખે છે. એક અંદાજ મુજબ ભારતભરમાં આવા 50 ‘સરદાર નગર’ છે. સિધી સમાજ તેની મહેનત અને ખંતના જોરે આગળ આવ્યો છે.
શ્રી કે. આર. મલકાણી, શ્રી રામ જેઠમલાણી અને શ્રી એલ. કે. અડવાણી જેવા અનેક મહાનુભાવો સિંધી સમાજમાંથી આવે છે. તેઓ ઉમેરે છે કે, ભારતમાં સિંધી હિંદીઓનું પુનર્વસન સરદાર પટેલની દુરંદેશીતાને કારણે શક્ય બન્યું. ભારતીય સિંધી સમાજ સરદારનું ઋણ ક્યારેય ભુલી શકે તેમ નથી. 18 ડિસેમ્બર,1990ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (જનરલ એસેમ્બલી) દ્વારા નક્કી થયા મુજબ હિજરતીઓ (માઈગ્રન્ટસ)ના હક્કોના રક્ષણ માટે 18 ડિસેમ્બરને ઇન્ટરનેશનલ માઈગ્રન્ટસ ડે તરીકે ઉજવાય છે.