અલ્પેશ અને પરપ્રાંતિયોને માધ્યમ બનાવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મંચથી થશે લોકસભાના મંડાણ!

News18 Gujarati
Updated: October 11, 2018, 2:24 PM IST
અલ્પેશ અને પરપ્રાંતિયોને માધ્યમ બનાવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મંચથી થશે લોકસભાના મંડાણ!
સરદારની પ્રતિમાને મોદી 30મીએ ખુલ્લી મૂકશે.

રાજકરણ જબરદસ્ત ઘટના છે. સામાન્ય લોકોની વૈચારિક ક્ષમતાઓ જ્યાં વિરામ પામે છે; ત્યાંથી રાજકીય સોગઠીઓનો પ્રારંભ થાય છે. બસ, કૈક આવું જ થઇ રહ્યું છે અત્યારે ગુજરાતમાં!

  • Share this:
સંજય કચોટ, ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે ગુજરાત રાજ્ય હંમેશાથી ‘રાજકીય પ્રયોગશાળા’ બની રહ્યું છે. પ્રારંભિક બેઠકો, 1995 અને કેશુભાઈ પટેલ, હજૂરિયા-ખજુરિયા અને શંકરસિંહના ખેલ, ભૂકંપની કાલિમાનું અવસરમાં પરિવર્તન, ગોધરાકાંડ પછીનો ઘટનાક્રમ અને તત્કાલીન મુખ્યમંત્રી મોદી અથવા વિકાસના મુદ્દાને લઈને સંખ્યાબંધ આયામોને આવરી લેતી મોદી, આનંદીબેન અને રૂપાણીની 'વાઇબ્રન્ટ' સરકારોથી સૌ પરિચિત છે.

આ વખતે શું? આ મુદ્દો બધા માટે એટલા માટે વિચારણીય હતો કારણ કે, પેટ્રોલ-ડીઝલના ભાવ અથવા વધતી મોંઘવારી, વિકાસના પોકળ દાવાઓ કે રામમંદિરનો મુદ્દો આગળ ધરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હવે લોકો સમક્ષ જઈ શકે તેમ નથી!

આ વિપરીત અને વિકટ પરિસ્થિતિમાં કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર શક્ય છે કે ભાજપ માટે ફાયદારૂપ બની જાય. અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસને સ્વપ્ને’ય ખ્યાલ નહિ હોય કે તેની નાની-શી ભૂલ ભાજપને લોકસભા ચૂંટણી લડવા માટે 'પ્રાંતવાદ' ને આગળ ધરીને "એક ભારત, શ્રેષ્ઠ ભારત"નો મહત્વનો મુદ્દો આપી દેશે!!

અલ્પેશ તો માત્ર 'મહોરું' છે:

28 સપ્ટેમ્બર, 2018નો ઘટનાક્રમ નવી રાજકીય પરિસ્થતિનું નિર્માણ કરી ગયો. 14 માસની બાળકીને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. સંવેદનાને રાજકારણમાં કોઈ સ્થાન નથી. હા, આ મુદ્દો કોરાણે પડી ગયો અને પરપ્રાંતિયોનો મુદ્દો ચગ્યો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાને દોષિત ઠેરવી દીધી, તો સામેપક્ષે 'ઠાકોર-ઓબીસી એકતા મંચ' દ્વારા નીતિન પટેલની રાજકીય મહત્વાકાંક્ષા અંગે આરોપો થયા.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યમાં પરપ્રાંતિઓ માટે જબરદસ્ત ડરનું વાતાવરણ ફેલાવી દેવામાં આવ્યું. આ ખરેખર કોણે કર્યું તે ઊંડી શોધનો વિષય છે, સાથે-સાથે સરળતાથી સમજી શકાય તેવો મામલો પણ છે. પરપ્રાંતિયોનું એક તરફ પલાયન શરુ થયું અને બીજી તરફ રાજકારણના તાણાવાણા ગૂંથાવા લાગ્યા!પરપ્રાંતિયો માધ્યમ: હિંસક હુમલા થયા, પણ ખરેખર કેટલા ઘવાયા?

ગુજરાત સરકાર અને માધ્યમોએ હોબાળો તો મચાવ્યો કે પરપ્રાંતિયો ઉપર હિંસક હુમલાઓ થયા અને આ હુમલોના ડરના કારણે તેઓ ભાગ્યા. પરંતુ સવાલ એ થાય કે જો હુમલાઓ થયા તો કેટલા ઘવાયા કે ઈજાગ્રસ્ત થયા? કેટલાની સારવાર થઇ? કદાચ, આ પ્રકારના ભાગ્યે જ કોઈ સમાચારો સામે આવ્યા. આ બાબત બહુ સૂચક છે.

મુદ્દે પરપ્રાંતિયોને માધ્યમ બનાવી સરકારે એક ‘નવો દાવ’ ખેલી લીધો અને તેના પરિણામો આગામી વ્યૂહરચનમાં જરૂર જોવા મળશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનશે રાજકીય મંચ :

31 ઓક્ટોબર, 2014ના રોજ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ના નિર્માણનો પ્રારંભ થયો ત્યારે ભાગ્યે જ કોઈને એ વાતનો અંદેશો હશે કે બરાબર ચાર વર્ષ પછી એટલે કે 31 ઓક્ટોબર, 2018ના રોજ આ 182 મીટર ઊંચી ‘સરદાર’ની પ્રતિમાનો ઉપયોગ રાજકીય મંચ માટે થશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહેવાના છે.

સુમાહિતગાર સૂત્રો જણાવે છે કે, 'પ્રાંતવાદ'નું બીજ રોપી તેના રાજકીય ફળોને લણી લેવા માટે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' નો ઉપયોગ થશે. આ સ્થળે લગભગ દેશભરમાંથી 5000થી વધુ પરપ્રાંતિય મજૂરોને બોલાવશે અને તેમના હાથે સરદારની પ્રતિમાની આરતી ઉતારી "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના નારા સાથે ભાજપ 'પ્રાંત વાદ'માં માનતું નથી અને કોંગ્રેસ 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિમાં માને છે તેવું ઠસાવી દેવામાં આવશે.

આ માટે આ પૂર્વે રાજ્યભરમાંથી 'સમરસતા યાત્રાઓ' નું આયોજન પણ થશે.

આ કાર્યક્રમમાં હિન્દી ભાષી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને ખાસ હાજર રહેવા જણાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ કાર્યક્રમ હાજરી આપવાનું પહેલેથી જ જણાવી ચુક્યા છે.

'એક ભારત, શ્રેષ્ઠ ભારત' નો આગાઝ થઇ ચુક્યો, અંજામ હાથવેંતમાં:

'વાઇબ્રન્ટ નવરાત્રિ"ના પ્રારંભ સાથે જ ગતરાત્રે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના વક્તવ્યમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' નો આગાઝ કરી દીધો છે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે સમાજને વિઘટિત કરનારી શક્તિઓ સામે લડત આપવા માટે આ શક્તિ ઉપાસનાનો તહેવાર છે.

'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના ઉદ્ઘાટનને હજુ 20 દિવસની વાર છે. આ દરમિયાન રાજ્ય સરકાર ઘણી પદયાત્રાઓ કરશે, પ્રાંતવાદ વિરુદ્ધ અને એક ભારત-શ્રેષ્ઠ ભારત માટે અવનવી વાતો કરશે અને ફેલાવશે. ટૂંકમાં એક નવું વાતાવરણ આગામી લોકસભા ચૂંટણી માટે તૈયાર કરશે.
First published: October 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading