શું કહેવું આ સરકારની સમજદારીને ? આડેધડ પરિપત્રો કરી દઈને કે જબરદસ્તી કરીને શું રાષ્ટ્રપ્રેમ કે સરદારપ્રીતિ થઇ શકશે ? લ્યો, હવે સરકારે એક નવું ગતકડું ઉભું કર્યું
સરદાર પટેલના નિર્વાણદિનને આડે હવે માત્ર એક દિવસ બચ્યો છે ત્યારે ગતરોજ 12મી ડિસેમ્બરે રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) એ એમ તિવારીએ એક પરિપત્ર કર્યો છે. આ પરિપત્રમાં તમામ કલેક્ટર તથા મ્યુનિ. કમિશનરને આદેશ કરાયો છે કે આગામી 15 ડિસેમ્બરે રાજ્યની સ્કૂલ-કોલેજોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિનું (રેપ્લિકા) અનાવરણ કરવામાં આવે. આ એ પ્રતિકૃતિઓ છે કે જેને સ્ટેટ્યુ ઓફ યુનિટીના અનાવરણ પહેલાં નિકળેલી 'એકતા યાત્રા' દરમિયાન રાજ્યની શિક્ષણ સંસ્થાઓને ભેટમાં આવી હતી.
સ્વાભાવિક જ 'માસ્તરો' ને ડરાવવાના હશે એટલે આ પરિપત્ર શિક્ષણ વિભાગને બદલે ગૃહવિભાગે કર્યો હશે અથવા એમ પણ કહી શકાય કે સરકારના વિભાગો વચ્ચે સંકલનનો જબરદસ્ત અભાવ છે ! નહિ તો શિક્ષણ વિભાગ અને શાળા-કોલેજોમાં ગૃહવિભાગ શા માટે ઘાંચપરોણો કરે ?
આ પરિપત્રમાં જે સૂચના આપવામાં આવી છે તે પણ જોઈ લ્યો :
· દરેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનર આ પ્રતિમાઓને સ્થાપિત કરવા માટેના નોડલ ઓફિસર રહેશે.
· સામાન્ય નુકસાન થયું હોય તેવી પ્રતિમાને તાત્કાલિક રિપેર કરાવીને 15 ડિસેમ્બરે જ સ્થાપિત કરવી.
· જે પ્રતિમા વધુ ખંડિત થઈ છે તેને બરાબર સમારકામ કરાવીને જ સ્થાપિત કરવી.
· નોડલ ઓફિસર જ નક્કી કરશે કે કઈ રેપ્લિકાને સ્થાપી શકાશે અને કોને રિપેર કરવી જરૂરી છે.
· રેપ્લિકાને સ્થાપિત કરવા મોટું પ્લેટફોર્મ બનાવવાની જરૂર નથી, પરંતુ સ્કૂલ-કોલેજના હોલમાં પણ ગોઠવી શકાશે.
· રેપ્લિકાની ફરતે ભપકાદાર ફેન્સિંગ અથવા ચેઈન અથવા દોરડું ગોઠવી તેને રક્ષણ પૂરું પાડવું અને સ્થાનિક ધારાસભ્ય-સાંસદને મુખ્ય અતિથિ તરીકે બોલાવી હાર-તોરા પણ કરાવવાના !
આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું તેની પણ એસીએસ (ગૃહ) તિવારીએ સૂચના આપી છે અને શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્મા અને શિક્ષણમંત્રીના અગ્રસચિવને આ પરિપત્રની નકલ રવાના કરાઈ છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર