પોલીસકર્મીની સારવાર માટે લેવાયો મહત્વનો નિર્ણય, જાણો શું કરવામાં આવી વ્યવસ્થા?

પોલીસકર્મીની સારવાર માટે લેવાયો મહત્વનો નિર્ણય, જાણો શું કરવામાં આવી વ્યવસ્થા?
શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પોલીસકર્મીઓ માટે મહત્વનો નિર્ણય લીધો

કોરોનાની મહામારીમાં પ્રજાની વચ્ચે જઈને કામ કરનાર કોરોના વોરિયર્સ એવા પોલીસને અનેક ખરાબ અનુભવ થયા છે

  • Share this:
અમદાવાદ : કોરોનાની મહામારીમાં પ્રજાની વચ્ચે જઈને કામ કરનાર કોરોના વોરિયર્સ એવા પોલીસને અનેક ખરાબ અનુભવ થયા છે. જ્યારે પોલીસને કોરોના પોઝિટિવ આવે ત્યારે તેઓને એસવીપી અને સિવિલ હોસ્પિટલના ખરાબ અનુભવ થયા છે. કોરોનાને કારણે શહીદ થયેલા એ.એસ.આઈ ગોવિંદ ભાઈને પણ એડમિટ કરવા એસવીપીના ડોકટરોએ ના પાડી હતી. જ્યારે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હે.કો. વિષ્ણુ રાજ ને પણ એસવીપીનો કડવો અનુભવ થતા ન્યૂઝ18 ગુજરાતી તેમનો અવાજ બન્યું હતું અને આ બાબતે અહેવાલ દર્શાવતા હવે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પોલીસકર્મીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આવનાર સમયમાં નરોડાની શેલબી હોસ્પિટલમાં પોલીસકર્મીઓને સારવાર અપાશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવી ચૂકેલા એ.એસ.આઈ ગોવિંદભાઇનું કોરોનાને કારણે મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને તેમના પુત્ર અભિષેકે જણાવ્યું કે ગત 13મી તારીખે ગોવિંદભાઇને કોરોના પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં તેમણે ખાનગી ડોક્ટરને બતાવ્યું હતું પણ બાદમાં તેઓને એસવીપીમાં લઇ જવામાં આવ્યા હતા. કોરોના વોરિયર એવા ગોવિંદભાઇને એસવીપીના ડોકટરોએ બેડ ખાલી ન હોવાથી દાખલ કરવાની ના પાડી દેતા પરિવાર દુવિધામાં મુકાયો હતો. ઝોન 4 ડીસીપી નીરજ બડગુજર અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજય તોમરની મદદથી તેઓને સિવિલમાં લઈ જવાયા હતા. ત્યાં તેમને સારી ટ્રીટમેન્ટ તો મળી પણ બાદમાં જે દિવસે તેઓને રાત્રે વેન્ટિલેટર પર રાખ્યા ત્યારે તેમના દીકરા સાથે જમી લઈશ ચિંતા ન કરો તેવી છેલ્લી વાત થઈ હતી. પણ કોરોનાની સારવાર સામે ગોવિંદભાઇ હારી ગયા અને તેઓ શહીદ થયા હતા.



આ પણ વાંચો - કોરોના સંકટના સમયે દેવદૂત બનીને આવ્યા આ કોરોના વોરિયર્સ

ટ્રાફિકના એચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. વિષ્ણુરાજને પણ આવો જ કડવો અનુભવ થયો હતો. તેમનો ટેસ્ટ ન કરતા ખાનગી લેબમાં પોતાના ખર્ચે ટેસ્ટ કરાવ્યા હતા અને હવે તેમને લક્ષણો ન દેખાતા તેમને ઘરે ક્વોરોન્ટાઇન થવાનું ડોકટરોએ કહેતા તેઓ તેમની અને પરિવારની ચિંતામાં મુકાયા છે. આવી અનેક સમસ્યાઓનો ભોગ પોલીસ બની હતી. જેથી આ બંને હોસ્પિટલ સિવાય નરોડા ખાતે આવેલી શેલબી હોસ્પિટલમાં પોલીસ માટે ખાસ સારવારની વ્યવસ્થા કરાશે તેવું અમદાવાદ કંટ્રોલ ડીસીપી વિજય પટેલે જણાવ્યું છે. આગામી સમયમાં પ્રાઇવેટ હોસ્પિટલ સાથે પણ સંકલન કરીને નવી વ્યવસ્થા પોલીસ માટે ઉભી કરાશે. ન્યૂઝ18 ગુજરાતી અવ્યવસ્થાનો ભોગ બનેલી પોલીસનો અવાજ બનતા હે.કો. વિષ્ણુરાજે ન્યૂઝ18 ગુજરાતીનો આભાર માન્યો હતો અને સાથે પોલીસ કમિશ્નરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
Published by:News18 Gujarati
First published:May 22, 2020, 17:32 pm