ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર, આગામી રવિવારે પણ ખુલ્લી રહેશે RTO કચેરી

ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર, આગામી રવિવારે પણ ખુલ્લી રહેશે RTO કચેરી
દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન ચાલકોની ભીડ વધી ગઈ છે. આરટીઓમાં આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ વગેરેના જરૂરી કામકાજ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન ચાલકોની ભીડ વધી ગઈ છે. આરટીઓમાં આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ વગેરેના જરૂરી કામકાજ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે

 • Share this:
  ગુજરાતના વાહન ચાલકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યના તમામ આરટીઓમાં વધેલી કામગીરીને ધ્યાનમાં રાખી અગામી તા. 22-09-2019ના રોજ રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

  દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન ચાલકોની ભીડ વધી ગઈ છે. આરટીઓમાં આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ વગેરેના જરૂરી કામકાજ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે. જેને પગલે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે અગામી તા. 22-09-2019ના રોજ રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે, જેથી રવિવારે રજાના દિવસમાં વાહન ચાલકો પોતાનું જરૂરી આરટીઓનું કામ કરી શકે. આ માટે વાહન વ્યવહાર વિભાગે રાજ્યની તમામ આરટીઓ કચેરીને આદેશ કર્યો છે કે, રવિવારે પણ અધિકારીઓ અને સ્ટાફે હાજર રહેવું પડશે.  ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે આંશિક રાહત આપી હતી. સરકારની જાહેરાત પ્રમાણે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદતમાં આશરે એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા આ નિયમ તારીખ 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં આ મુદત 15મી ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. આ મામલે વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.

  હેલ્મેટ, PUCને લઈને સરકારની જાહેરાત

  વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, "આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ટૂંકી મુદતમાં હેલ્મેટ દુકાનોમાં કેવી રીતે ઉપલબ્ધ બનશે તેની ચર્ચા બાદ હેલ્મેટ અંગે નવા નિયમની અમલવારીમાં 15મી ઓક્ટોબર સુધી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકો કામધંધા છોડીને PUCને માટે લાંબી લાઈનોમાં લાગે છે તે સત્યનો સ્વીકાર કરીને તેમાં પણ આ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં PUCના 900 સેન્ટરો ખુલે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે."

  ડિલરોએ દરેક ગ્રાહકને મફતમાં હેલ્મેટ આપવું પડશે

  વાહનવ્યવહાર મંત્રીએ જાહેરત કરતા જણાવ્યું હતું કે, "કેબિનેટમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવેથી રાજ્યના તમામ ટુ-વ્હીલર ડિલરોએ વાહન વેચવાની સાથે સાથે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર ફરજિયાત હેલ્મેટ આપવાનું રહેશે. આ માટે તેઓ કોઈ પણ ચાર્જ નહીં લઈ શકે. આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે. આ હેલ્મેટ ISI ગુણવત્તાવાળું હશે. "

  દંડ પાછો નહીં મળે

  મંત્રીની સ્પષ્ટતા પ્રમાણે જે લોકોએ પહેલાથી જ દંડ ભરી દીધો છે તેને પાછો આપવામાં નહીં આવે. મંત્રીના કહેવા પ્રમાણે લોકોની સગવડતા માટે મુદત વધારવામાં આવી છે. પરંતુ જે રકમ જમા થઈ છે તેને પરત આપવામાં નહીં આવે.

  ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે

  વાહનવ્યવહાર મંત્રીની જાહેરાત પ્રમાણે ટ્રાફિકના નવા નિયમોના અમલની મર્યાદા જ વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમો તોડશે તો ટ્રાફિકના જૂના નિયમો પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે.

  મુખ્યમંત્રીના વાહનોને લઈને ખુલાસો

  પત્રકાર પરિષદ સંબોધતા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, "વિજય રૂપાણી તરફથી ઉપયોગમાં લેવામાં આવતા બંને વાહનો GJ18G 9085 અને GJ18G 9086 ડીજીપી અને આઈજીપી ભવનના નામે નોંધાયેલા છે. બંને વાહનોની રજીસ્ટ્રેશનની સમય મર્યાદા 15 વર્ષની છે. આથી તેમની સમયમર્યાદા અંગે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. 2029 સુધીની બંને વાહનોની વેલિડિટી છે. બંને વાહનોનો નેશનલ ઇન્શ્યોરન્સ કંપની મારફતે 31-12-2019 સુધીનો વીમો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલાના તમામ વાહનોનાં PUC સર્ટિફિકેટની મુદત 30-09-2019 સુધીની છે."
  First published:September 19, 2019, 19:14 pm

  टॉप स्टोरीज