હું ચૂંટણી લડીશ તો રાધનપુરથી જ લડીશ : અલ્પેશ ઠાકોર

News18 Gujarati
Updated: August 23, 2019, 2:22 PM IST
હું ચૂંટણી લડીશ તો રાધનપુરથી જ લડીશ : અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર

વાતચીત દરમિયાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગરીબ અને ઠાકોર સમાજના વિકાસને રોકવા માટે અનેક લોકો તેમના વિરોધમાં કામ કરે છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ભાજપમાં જોડાયા બાદ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગરીબ અને ઠાકોર સમાજના વિકાસને રોકવા માટે અનેક લોકો તેમના વિરોધમાં કામ કરે છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે રાધનપુરના લોકોની સેવા કરવા માટે ત્યાંથી જ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. જોકે, પક્ષમાં સતત અવગણનાનો આક્ષેપ લગાવીને તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ગુજરાતની રાજ્યસભાની બેઠક બાદ અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. પ્રસ્તુત છે અલ્પેશ ઠાકોર સાથેની વાતચીતના અંશો :

અલ્પેશ ઠાકોરને મંત્રીપદ મળશે કે નહીં?

"ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો મારો ઉદેશ્ય ગરીબો અને મારા સમાજ માટે કામ કરવાનો હતો. મારા વિશે અટકળો ચાલતી રહી છે. મેં જે કંઈ નિર્ણય કર્યો છે તે મક્કમપણે કર્યો છે. મને મારા નિર્ણય પણ કોઈ શંકા નથી. આવનારા સમયમાં મારા ઉદેશ્યને પૂરો કરવા માટે હું બધું કરીશ."

ભાજપના કેટલાક નેતાઓ તમારી વિરુદ્ધ હોવા અંગે શું કહેશો?

"ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાથી આવું શક્ય નથી. એવું શક્ય છે કે તમામ લોકો મારા વિચારોથી સહમત ન હોય. જો આવું કંઈ બન્યું હોય તો મને ખબર નથી. પાર્ટીને અને લોકોને ફાયદો થાય તે રીતે કામ કરતા રહીશું. મારે શું કરવું છે એ મારા માટે મહત્વનું છે. મેં એવું કંઈ નથી કર્યું જેનાથી પાર્ટીમાં મારો વિરોધ થાય. મને શું મળે છે કે નથી મળતું, મારે ચૂંટણી લડવી કે ન લડવી, મને મંત્રી પદ આપવું કે ન આપવું તે પાર્ટીનું નેતૃત્વ નક્કી કરશે. ભાજપના નેતૃત્વ પર ભરોશો કરીને હું પક્ષમાં જોડાયો છું. મારે મારા સમાજ અને ગરીબ યુવાઓ માટે સ્કૂલો, કોલેજો, ક્ષાત્રાલયો બનાવવા છે. બેરોજગારોને રોજગારી આપવી છે."

અલ્પેશ ઠાકોર ચૂંટણી ક્યાંથી લડશે?"મેં રાધનપુરના વિકાસ માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો છે. મારે રાધનપુરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવું છે. બેરોજગાર યુવાનો માટેની અપેક્ષા પૂરી કરવી છે. શિક્ષણની દીશામાં કામ કરવું છે. મેં મારા લોકો માટે નિર્ણય કર્યો છે. મારું રાધનપુર ઇચ્છી રહ્યું છે કે હું ત્યાંથી જ ચૂંટણી લડું. હું ચૂંટણી લડીશ તો રાધનપુરથી જ લડીશ."

તમારા વિશે કોણ કડવાશ ફેલાવે છે?

"મારું કમભાગ્ય છે કે હું ગરીબ સમાજમાંથી આવું છું. આ માટે જ મને રોકવા માટનો પ્રયાસ થઈ રહ્યો છે. ગરીબ અને ઠાકોર સમાજના લોકોને રોકવાનો પ્રયાસ કરાય છે."
First published: August 23, 2019, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading