અમદાવાદ: અમદાવાદમાં પતિ અને પત્ની વચ્ચે થયેલો ઝઘડો (Domestic violence) હત્યામાં પરિણમ્યો છે. પતિના પેન્ટના આગળના ભાગે પડેલા ડાઘ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી (Husband wife conflict) થઈ હતી. જે બાદમાં પતિએ ઉશ્કેરાઈને તેની પત્નીના માથાના ભાગે લાકડાનો ફટકો કર્યો માર્યો હતો. પતિએ પત્નીને લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડતા તેનું મૃત્યું થયું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા સાણંદ પોલીસે (Sanand police) હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસની તપાસ બાદ જ માલુમ પડશે કે ખરેખર પેન્ટમાં પડેલા ડાઘને પગલે જ ઝઘડો થયો હતો કે પછી પતિ-પત્ની વચ્ચે કોઈ અન્ય વાતને લઈને ઝઘડો થયો હતો.
બનાવની વિગતે વાત કરીએ તો સાણંદ પોલીસને નીધરાડ ગામ (Nidhrad village)ની સીમ રેલવે સ્ટેશન રોડ (Railway station road) નજીકથી ખુલ્લા ખેતરમાંથી એક મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. બનાવ અંગેની તપાસ કરતા પોલીસને માહિતી મળી હતી કે મહિલા મહેન્દ્ર (Mahendra) નામના વ્યક્તિ સાથે અવારનવાર જોવા મળતી હતી. બંને સાથે રહેતા હતા.
આ મામલે પોલીસે મહેન્દ્રને શોધીને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે મરણજનાર મહિલા અને તેનો દીકરો ત્રણેક વર્ષ પહેલાં આણંદ ખાતે મળ્યા હતા. ત્યાં પંદરેક દિવસ સાથે રહ્યા હતા. બાદમાં ત્રણેય સાણંદ ખાતે રહેવા માટે આવ્યા હતા. બંને નીધરાડ ખાતે અલગ અલગ જગ્યાએ રહેતા હતા. છેલ્લા છ મહિનાથી તેઓ નીધરાડ ગામની સીમમાં રેલવે સ્ટેશન રોડ નજીક ખુલ્લા ખેતરમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. મહેન્દ્ર છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો.
રાત્રે જમ્યા બાદ થયો ઝઘડો
12મી માર્ચના દિવસે સાંજના સમયે જમી પરવારીને બંને રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ સાથે બેઠા હતા. આ દરમિયાન પેન્ટના આગળના ભાગે પડેલ ડાઘને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે મહેન્દ્રએ મહિલાને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત મહેન્દ્રએ લાકડા વડે મહિલાના માથા અને હાથ-પગના ભાગે ફટકા મારતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં મહિલાનું મોત થયું હતું. આ મામલે સાણંદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર