અમદાવાદ : પત્નીનું ખૂન કરી ફરાર થયેલ હાઈપ્રોફાઈલ 'સજની મર્ડર કેસ'માં આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા, શું હતો કેસ?

અમદાવાદ : પત્નીનું ખૂન કરી ફરાર થયેલ હાઈપ્રોફાઈલ 'સજની મર્ડર કેસ'માં આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા, શું હતો કેસ?
સજની મર્ડર કેસ

વેલેન્ટાઈન ડે પર દૂનિયાભરના પ્રેમીપંખીડાઓ એકબીજામાં વ્યસ્ત હતા, તે જ સાંજે બોપલમાં પતિએ વેલેન્ટાઈન ડેના દિવસે પત્નીની હત્યા કરી હતી

  • Share this:
અમદાવાદ : આરોપી તરુણ જિનરાજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી જે આજ રોજ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર ક્રાઈમ બ્રાંચે 2003માં બોપલ વિસ્તારમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા તરુણ જિનરાજની બેંગલોરથી ધરપકડ કરી હતી. ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૩ આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા બોપલ વિસ્તારમાં બનેલો હાઈપ્રોફાઈલ મર્ડર કેસ ઘણા વર્ષો સુધી મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. તરુણ જિનરાજે વેલન્ટાઈન ડે પર જ પોતાની પત્ની સજનીનું ખૂન કરી દીધુ હતુ. તરુણે જ્યારે પત્નીનું ખૂન કર્યું ત્યારે તેમના લગ્નને ફકત બે વર્ષ જ થયા હતા. જાણવા મળ્યું હતુ કે તેને કોઈ આરજે સાથે અફેર હતુ. પરંતુ આ ઘટના બાદ તેની પ્રેમિકાએ પણ તેની સાથેના તમામ સબંધો તોડી દીધા હતા. તરુણ ૧૫ વર્ષ પહેલા પોલીસની આંખોમાં ધૂળ નાંખવામાં સફળ રહ્યો હતો.

ક્રાઈમ બ્રાંચના સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, ફરાર થયેલો તરુણ સૌથી પહેલા દિલ્હી ગયો હતો અને ત્યાં સાત વર્ષ સુધી રહ્યો. તરુણે પોતાના મિત્ર પંકજ બાટલીની ઓળખ અપનાવી લીધી. પંકજ બાટલી તરીકે તરુણ ઓરેકલ કંપનીમાં સીનિયર મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો. તરુણે પોતાના પરિવાર સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હતા. દિલ્હી બાદ તરુણ પૂના ગયો અને ત્યાંથી બેંગ્લોર પહોંચ્યો. છેલ્લા આઠ વર્ષથી તરુણ બેંગ્લોરમાં રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચને સૂત્રો પાસેથી મળેલી બાતમીનાં આધારે 15 વર્ષે હત્યારાને ઝડપી લેવામાં સફળતા મળી છે.શું હતો કેસ ?  પતિએ વેલેન્ટાઈન ડેના દિવસે પત્નીની હત્યા કરી હતી

‘વેલેન્ટાઈન ડે’ પર દૂનિયાભરના પ્રેમીપંખીડાઓ એકબીજામાં વ્યસ્ત હતા. તે જ સાંજે બોપલનાં હિરાપન્ના ફ્લેટના ત્રીજા માળે કોઈના જોરજોરથી રડવાનો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં. અવાજની દીશા તરફ દોડ્યા, ત્રીજા માળના ફ્લેટમાં ઘરના દરવાજા પાસે ઊભેલો તરૂણ ધીન્નરાજ રડી રહ્યો હતો, દરવાજાની સામે રૂમમાં ગોઠવેલા ડબલ બેડ પર તેની પત્ની સજની નિશ્ચેતન પડી હતી. પાડોશીઓએ તરૂણને પુછ્યું શું થયું? તરૂણે રડતા રડતા કહ્યું, સજનીને કોઈએ મારી નાંખી છે…!

આ સાંભળતા જ પાડોશીઓ તો જાણે ધબકારો ચુકી ગયા. ફ્લેટમાં ઘૂસીને સજનીની હત્યા?! શું થયું? કેવી રીતે હત્યા થઈ? જેવી વાત વાયુવેગે વિસ્તારમાં ફરી વળી. ઘટનાની જાણ થતા સરખેજ પોલીસ અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ થોડીવારમાં દોડી આવ્યાં. પોલીસને જાણવા મળ્યું કે, મૃતકનું નામ સજની છે અને તે એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. તેનો પતિ તરૂણ ધીન્નરાજ મેમનગરની એક જાણીતી સ્કૂલમાં પી.ટીનો શિક્ષક છે.

સજની ડબલ બેડ પર જાણે ઘોરનિંદ્રામાં હોય તે રીતે પડી હતી, તેના શરીર પર ઈજાનું એકેય નિશાન ન હતુ કે, ન તેના કપડા વિખાયેલા હતા. તેના ઘરનો સામાન પણ વ્યવસ્થિતિ જ હતો. તો પછી સજનીનું મોત કેવી રીતે થયું? તે પોલીસ માટે પણ કોયડો હતો. જો કે, પોલીસ માટે આશ્ચર્ય એ હતુ કે, તરૂણ સતત સજનીની હત્યા થઈ હોવાનું કહી રહ્યો હતો. સજનીના મોતનું સાચુ કારણ જાણવા બોડીનું પી.એમ કરાયુ તેમાં જાણવા મળ્યું કે સજનીનું ગળુ દાબીને તેની હત્યા કરવામાં આવી છે.

એફ.એસ.એલ અને સ્નિફર ડોગની મદદથી પોલીસે હત્યા માની તપાસ આરંભી હતી. પોલીસના સ્નિફર ડોગ સજનીનો મૃતદેહ જે રૂમમાંથી મળ્યો તે રૂમમાંથી બહાર નીકળીને સીડી ઉતરીને સીધા તરુણ જે જગ્યાએ બેઠો હતો ત્યાં જઈને તેની સામે સતત ભસવા લાગ્યા. પોલીસ અધિકારીઓ દાળમાં કંઈક કાળુ હોવાનું સમજી ગયા. ઉંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યુ કે તરુણ કોઈ રેડિયો સ્ટેશનની આરજે સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેઓ લગ્ન કરવા માંગતા હતા.

આ વાત જાણ્યા બાદ પોલીસનો શક તરુણ ઉપર દ્રઢ થઈ ગયો અને પોલીસે કેટલાક કોન્સ્ટેબલને તેના ઘરે પોલીસ સ્ટેશન લાવવા માટે મોકલ્યા. તરુણને પરિસ્થિતિનો અંદાજ આવી જતા તેણે છાતીમાં દુ:ખાવો થતો હોવાનું નાટક કરતા તેને દવાખાનામાં દાખલ કરવો પડ્યો. બે દિવસ તેને દવાખાનામાં રાખવાનો હતો. તેના રૂમની બહાર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બીજા દિવસે જ્યારે પોલીસ તેને સ્ટેશન લઈ જવા માટે રૂમમાં ગઈ ત્યારે તે રૂમમાં નહતો. આખી હોસ્પિટલમાં તપાસ કરવામાં આ‌વી પરંતુ તે ક્યાંય ન મળ્યો. છેલ્લા ૧૫ વર્ષથી તે જીવે છે કે મરી ગયો તે તેના માતા-પિતા કે તેની આરજે ગર્લફ્રેન્ડને પણ જાણ ન હતી.
Published by:News18 Gujarati
First published:April 30, 2020, 15:45 pm

ટૉપ ન્યૂઝ