જામીનના કેસમાં જજને ફોન કરનાર આરોપી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્ણય


Updated: June 26, 2020, 11:11 PM IST
જામીનના કેસમાં જજને ફોન કરનાર આરોપી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

આદેશમાં નોંધ્યું છે કે કોર્ટની કાર્યવાહી અને ન્યાયની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને અવિશ્વાસ દર્શાવનાર અરજદાર કે એડવોકેટનો અપરાધ અક્ષમ્ય છે

  • Share this:
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના જજને કોંગેસના ધારાસભ્ય નિરંજન પટેલના નામે ભેદી ફોન કરી જામીનના કેસમાં સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરનારા આરોપી વિજય શાહ અને અલ્પેશ પટેલ વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા નોટિસ પાઠવવાનો હુકમ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ કર્યો છે.

તેમણે આદેશમાં નોંધ્યું છે કે કોર્ટની કાર્યવાહી અને ન્યાયની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને અવિશ્વાસ દર્શાવનાર અરજદાર કે એડવોકેટનો અપરાધ અક્ષમ્ય છે. આ સંજોગોમાં અરજદાર વિજય શાહની આગોતરા જામીન રદ કરવામાં આવે છે. તેમણે અલ્પેશ પટેલને લોભ લાલચ આપીને ધારાસભ્યના નામે ફોન કરી જામીનના કેસમાં કોર્ટની સહાનુભૂતિ મેળવવાનું કાવતરું ઘડી અલ્પેશ પટેલ નામની વ્યક્તિ જોડે ફોન અને મેસેજ કરાવીને કોર્ટના માન-મર્યાદા અને ગૌરવ પ્રત્યે તિરસ્કાર કર્યો છે. તેથી તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કાયદા મુજબની કાર્યવાહીનો હુકમ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રકરણમાં ગુરુવારે અલ્પેશ પટેલ નામની વ્યક્તિએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 580 કેસ નોંધાયા, 24 કલાકમાં 532 દર્દીઓ સાજા થયા

તોફિકભાઇના મોબાઇલ ફોનથી જજને ફોન કર્યાનું અને આ જામીન અરજીના અરજદાર વિજય શાહના કહેવાથી જ ધારાસભ્યના નામે જજને ફોન કર્યાની ચોંકાવનારી કબૂલાત કોર્ટ સમક્ષ કરી હતી. હાઇકોર્ટના આદેશ મુજબ આ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ તેમણે ક્યારેય ફોન કર્યો ન હતો. જ્યારે તોફિકભાઇના મોબાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 22મી તારીખે 8:30 વાગ્યાના અરસામાં તેમની દુકાન પર એક વ્યક્તિ આવ્યો હતો, જેણે મોં પર માસ્ક પહેરેલ હતું. તેણે એસટીડી છે એવું પૂછ્યું હતું પરંતુ એસટીડીની સુવિધા ન હોવાનું જણાવતાં એણે તોફીક ભાઈ પાસે ફોન કરવા માટે તેમનો મોબાઈલ માંગ્યો હતો. તોફિકભાઈએ માનવતાના ધોરણે મોબાઇલ આપ્યો હતો. દસ મિનિટ બાદ તે વ્યક્તિએ ફોન લાગતો નથી એમ કહી મોબાઈલ પરત આપી દીધો હતો. આ સમગ્ર ઘટના તેમની દુકાનની સામેના સીસીટીવીમાં પણ કેદ થઈ હશે. તોફિકભાઈના નિવેદનના આધારે સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે અલ્પેશને ગાંધીનગરથી પકડી પાડ્યો હતો.

તોફિકભાઈએ તેની ઓળખ પણ કરી હતી. અલ્પેશ પટેલે કોર્ટમાં રજૂઆતની મંજૂરી માગી અને કોર્ટમાં કબૂલ્યું હતું કે ફોન તેણે જ કર્યો હતો અને મેસેજ પણ તેણે જ કર્યો હતો. જોકે આવું કરવા વિજય શાહ કે જે આ કેસનો મૂળ અરજદાર છે એણે અને એની પત્નીએ અલ્પેશ પટેલને ફોન કરવા કહ્યું હતું. એમણે અલ્પેશ પટેલને કહ્યું હતું કે જો ધારાસભ્યના નામે ફોન થશે તો જામીન મળી જશે. અલ્પેશ પટેલે આ ફોન ન હોતો કરવો જોઈતો પરંતુ તેને યોગ્ય વળતરની ખાતરી અપાઈ હતી. હાઇકોર્ટે આ તમામ હકીકતો અને નિવેદનો રેકોર્ડ પર લઇ આરોપી વિજય શાહના જામીન રદ કર્યા છે અને એને અને એના કહેવા પર જજને ફોન કરનાર અલ્પેશ પટેલને કન્ટેમ્પ્ટની નોટિસ પાઠવી છે. તથા કન્ટેમ્પ્ટના કેસોની સુનાવણી કરતી બેંચ સમક્ષ આ કેસ મૂકવા ચીફ જસ્ટિસનું સૂચન લેવાનું આદેશમાં નોંધી તેનો નિકાલ કર્યો છે.
First published: June 26, 2020, 11:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading