ચિલ્ડ્રન યુનિવર્સિટીને હાઇકોર્ટની નોટિસ, કાઉન્સિલર મહિલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાતાં કરી હતી અરજી

ચિલ્ડ્રન યુનિવર્સિટીને હાઇકોર્ટની નોટિસ, કાઉન્સિલર મહિલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાતાં કરી હતી અરજી
પ્રતિકાત્મક તસવીર

રિટમાં કહ્યું છે કે ઓથોરિટીએ તેમને એક ફોન કરીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એ સમયે એક મહિલા તો કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા

  • Share this:
અમદાવાદ : રાજ્યના વિવિધ જિલ્લામાં કાઉન્સિલર તરીકે કામ કરતી મહિલાઓએ એડવોકેટ હર્ષિલ ધોળકિયા મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કાઉન્સિલરની પોસ્ટ પર મહિલા કર્મચારીઓની સત્તાવાર જાહેરાત આપ્યા બાદ કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. આ મહિલાઓ છેલ્લા 5-10 વર્ષથી કાઉન્સિલર તરીકે ફરજ બજાવતી હતી, પરંતુ 1 જુલાઇ 2020ના રોજ સાંજ સુધી તેમણે પોતાની કામગીરી કરી હતી અને ત્યારબાદ માત્ર એક ફોન કોલ કરીને આવતી કાલથી તેમને નોકરી પર આવવાનું નથી તેવું કહેવામાં આવ્યું હતું.

રિટમાં એવા મુદ્દા રજૂ કરાયા છે કે આ તમામ કાઉન્સિલર બહેનો સામાન્ય-મધ્યમ વર્ગમાંથી આવે છે અને છેલ્લા કેટલાયે વર્ષોથી તેઓ માત્ર 7000 રૂપિયાના પગાર પર કામ કરે છે. ઓથોરિટીએ તેમને એક ફોન કરીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એ સમયે એક મહિલા તો કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને હોસ્પિટલમાં જ ફોન કરીને નોકરી પર નહીં આવવાનું કહીને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આ બહેનો સાત હજારના પગારે જ કામ કરતી આવી છે અને તેમને ક્યારેય કોઇ પગાર વધારો પણ આપ્યો નથી. તેમ છતાંય તેમણે નિષ્ઠાપૂર્વક કાઉન્સિલર તરીકેની ફરજ બજાવી છે. જેમાં ગરીબ, પછાત અને નબળા વર્ગના બાળકોને શિક્ષણ સંબંધી માર્ગદર્શન, ટ્રેનિંગ આપવા ઉપરાંત તેઓ સગર્ભા બહેનોને શું-શું કાળજી લેવી જોઇએ સહિતની અત્યંત જરૂરી માહિતી આપવાનું કામ પણ કરતી હતી.આ પણ વાંચો - સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપશે પંજાબ સરકાર

રિટમાં એવું જણાવાયું છે કે આ મહિલાઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળીને આવેદન પણ આપ્યું હતું, પરંતુ તેનો પણ કોઇ જવાબ મળ્યો ન હતો. આ કાઉન્સિલિંગનું કામ હવેથી સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવાની હિલચાલ ચાલી રહી છે અને એની માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે.

રિટમાં એવી દાદ માગવામાં આવી છે કે આ મહિલાઓને કાયમી કાઉન્સિલર તરીકે નોકરી આપવામાં આવે ઉપરાંત તેમને તાત્કાલિક નોકરી પર પરત લેવામાં આવે. આ કેસમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ચિલ્ડ્રન યુનિવર્સિટીને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી 25મી નવેમ્બરના રોજ મુકરર કરી છે.
Published by:Ashish Goyal
First published:October 14, 2020, 23:21 pm