Home /News /madhya-gujarat /

ફીના ચૂકાદાની સાઇડ ઇફેક્ટસ: દોઢ લાખ શિક્ષકોના જીવ તાળવે ચોંટ્યા!

ફીના ચૂકાદાની સાઇડ ઇફેક્ટસ: દોઢ લાખ શિક્ષકોના જીવ તાળવે ચોંટ્યા!

પ્રતિકાત્મક તસવીર

ફીના ચૂકદાની સાઇડ ઇફેક્ટસ: વાલીઓ અંશતઃ ખુશ, શિક્ષકોને નોકરી જવાની ચિંતા અને ભણતર 'બદ' થી 'બદતર' થશે

ગાંધીનગરઃ બુધવારે ગુજરાત હાઈકોર્ટે ખાનગી સ્કૂલોને ઝાટકો અને લાખો વાલીઓને રાહત આપતો ચુકાદો આપ્યો. ગુજરાત સરકારના ફી નિર્ધારણ-2017ના કાયદાને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે કહ્યું કે સ્કૂલો મનફાવે તે રીતે ફી ન ઉઘરાવી શકે. સ્કૂલોનો ઉદેશ્ય નફાખોરીનો ન હોઈ શકે. હાઈકોર્ટેના આદેશ બાદ ખાનગી સ્કૂલોના સંચાલકોમાં દુઃખની તો બાળકોના વાલીઓમાં ખુશીની લહેર છે. જોકે, તેની સાઇટ ઇફેક્ટના ભાગરૂપે ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને સહાયક સ્ટાફ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. એક તરફ રોજગારીના સર્જનની વાતો કરવામાં આવી રહી છે ત્યારે માત્ર 'નફાખોરી'ના ઉદેશ્ય સાથે ચાલતી ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકોને હવે નોકરી જવાનો ભય સતાવી રહ્યો છે.

આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં કુલ 9,384 ખાનગી પ્રાથમિક શાળા, 3,831 માધ્યમિક અને 3,032 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. આ શાળાઓ હવે મનફાવે તેવી ફી નહીં ઉઘરાવી શકે. જોકે, શિક્ષણને 'બિઝનેસ' બનાવી બેઠેલા ખાનગી શાળાઓના સંચાલકોને આ ચુકાદો હજમ ન થાય તે સ્વાભાવિક છે. આ માટે તેઓ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે તેમાં કોઈ બેમત નથી.

ચુકાદાની સાઈટ ઇફેક્ટ્સ

સરકારના ફી નિર્ધારણ કાયદા પ્રમાણે હવે સંચાલકો 15, 25 અને 27 હજારના સ્લેબમાં જ ફી ઉઘરાવી શકશે. આ ઉપરાંત જો કોઈ વધારાની ફી ઉઘરાવવા માંગતા હોય તો તેમણે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ રજુઆત કરવી પડશે. કમિટિ જેટલી રકમની મંજૂરી આપશે તેટલી ફી જે તે સ્કૂલ ઉઘરાવી શકશે. જોકે, આ પ્રોસેસમાં બાળકોના વાલીઓ માટે એક નિરાશાજનક વાત એ પણ છે કે ફી નિર્ધારણ કમિટિમાં વાલીઓ તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ નહીં હોય. કમિટિમાં તેમને સ્થાન અપાયું નથી. હાઈકોર્ટે ફી નિર્ધારણ કાયદાને બહાલી આપી છે ત્યારે ચોક્કસપણે તેની અમુક સાઇડ ઇફેક્ટસ પણ થશે.

1.60 લાખ શિક્ષકોને અસર

એક અંદાજ પ્રમાણે રાજ્યમાં ખાનગી સ્કૂલોમાં 1.60 લાખ જેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે. ચુકાદાની સાઈટ ઇફેક્ટને પગલે તેમની નોકરી અને પગાર પર તરાપ આવી શકે છે. અમુક લોકોની નોકરી જવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે તો અમુક લોકોએ વર્તમાન કરતા ઓછો પગાર લઇને બાંધછોડ કરવી પડી શકે છે.

1) શિક્ષકોનું શોષણ

કોર્ટના ચુકાદાથી ખાનગી સ્કૂલોમાં નોકરી કરતા શિક્ષકો શોષણનો ભોગ બનશે. સીધો હિસાબ છે કે સ્કૂલોને ફીની આવકમાં જે નુકસાન થશે તેની સીધી અસર શિક્ષકોના પગાર પર પડશે. કારણ કે ખાનગી સ્કૂલોના શિક્ષકોના પગાર નક્કી કરવામાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. સ્કૂલો તેમની ઈચ્છા પ્રમાણે શિક્ષકોને પગાર આપી શકે છે. શિક્ષણના જાણકારોના જણાવ્યા પ્રમાણે હાઈકોર્ટના ચુકાદાની સીધી અસર શિક્ષકોના પગાર પર પડશે. એક રિપોર્ટ પ્રમાણે ખાનગી શાળાઓમાં પહેલેથી જ ઓછો પગાર આપીને શિક્ષકોનું શોષણ થતું આવ્યું છે, હવે તેમાં વધારો થશે. શિક્ષકોને નોકરી માંથી પાણીચું પણ આપી દેવાઈ તો નવાઈ નહિ !

2) શિક્ષણનું સ્તર ઘટશે

આ ​ચુકાદા બાદ નફાખોરીના ઉદેશ્ય સાથે જ શરૂ કરવામાં આવેલી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર કથડવાની ચિંતા સેવવામાં આવી રહી છે. શાળાઓ પહેલાથી જ ઓછા પગારે, પુરતી લાયકાત ન હોય તેવા શિક્ષકોને રોકી રહી હતી. હવે સ્કૂલ ફીમાં પણ ઘટાડો થશે ત્યારે ઓછા પગારમાં કામ કરે તેવા શિક્ષકોને રોકવામાં આવશે.

3) શિક્ષકો અને સહાયક સ્ટાફની છટણી

ચુકાદાની આડઅસર એવી પણ થઈ શકે છે કે ખાનગી સ્કૂલો પોતાના વધારાને કે રૂટિન સ્ટાફને છૂટ્ટો કરી શકે છે. એક શિક્ષણવિદે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ચુકાદાની સીધી અસરના ભાગરૂપે હવે ખાનગી સ્કૂલો શિક્ષકોની છટણી કરવાનું શરૂ કરશે. શિક્ષકો ઉપરાંત સહાયક સ્ટાફને પણ છૂટો કરવામાં આવી શકે છે. અમુક કેસમાં શિક્ષકોને છૂટા નહીં કરતા ઓછા પગારમાં કામ કરવાની ફરજ પણ પાડવામાં આવી શકે છે.

4) ઇત્તર પ્રવૃત્તિઓ થશે બંધ

આવક ઘટતા ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવતા ઈત્તર પ્રવૃત્તિઓ બંધ થશે. ખાનગી સ્કૂલો અઠવાડિયામાં એક દિવસ સ્કૂલ બહાર કોઈ ને કોઈ પ્રવૃત્તિઓ કરતી હોય છે. જેના પર હવે કાપ આવશે. સ્કૂલોમાં બાળકોને જે સુવિધા આપવામાં આવતી હતી તેમાં પણ કાપ આવશે. હાઈકોર્ટના ચુકાદા બાદ અમુક સ્કૂલોએ ક્લાસરૂમમાં એસી સહિતની સુવિધા બંધ કરી દીધી છે. અમુક સ્કૂલોમાં તો પંખા પણ બંધ કરી દેવામાં આવ્યાની ફરિયાદો ઉઠવા પામી છે.

4) "વહેવાર" વધશે!

આપણા દેશમાં ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ દરેક સ્તરે અને દરેક સેક્ટરમાં 'પાછળા બારણાનો વહેવાર' ખૂબ જ પ્રચલિત છે. હવે જ્યારે ખાનગી સ્કૂલના સંચાલકો ઉઘાડી લૂંટ નહીં ચલાવી શકે ત્યારે પાછલા બારણાના વહેવારને વધારે પ્રોત્સાહન મળશે. આપણે ત્યાં બીજી પણ એવી માન્યતા છે કે જે સ્કૂલની ફી વધારે હોય છે તેનું શિક્ષણ પણ સારું હોય છે. આજ માન્યતાનો ગેરફાયદો ઉઠાવીને સ્કૂલના સંચાલકો વાલીઓ સાથે પાછળા બારણે વહેવાર કરશે.

આ ઉપરાંત, ફી નિર્ધારણ માટે જે સમિતિ રચના કરવામાં આવી છે તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. ઝોન પ્રમાણે બનેલી આ સમિતિઓના સભ્યોને અત્યારથી જ પ્રભાવમાં લાવવાનું કામ કેટલાક સંચાલકોએ શરુ કરી દીધું છે. આ સંચાલકો દ્વારા આપવામાં આવેલા "ફી નિર્ધારણ" ના પ્રસ્તાવો આ સમિતિઓને આપવાના શરુ કરી દેવાયા છે. એટલે આ સાંઠગાંઠને લીધે કરપ્શન ફૂલશે ફળશે તેમાં કોઈ બેમત નથી

5) અન્ય બહાના હેઠળ ફી ઉઘરાવશે

ફી નિર્ધારણ કાયદાની વ્યાખ્યામાં ટ્યૂશન, લાઇબ્રેરી, લેબોરેટરી, જીમખાના, ડિપોઝિટ રકમ, પરીક્ષા, એડમિનિસ્ટ્રેશન, યોગ, શારીરિક શિક્ષણ હેઠળ લેવાતી ફીનો સમાવેશ કરાયો છે. સ્કૂલ આ સિવાય ફી લેવા માંગતી હોય તો તેણે આ અંગેની દરખાસ્ત કમિટિને કરવાની રહેશે. કમિટિ મંજૂરી આપે તો સ્કૂલ વધારાની ફી ઉઘરાવી શકે છે. આ ઉપરાંત કાયદામાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટિ માટે વધારાની ફી વસૂલ કરવાની જોગવાઈ છે. આ રકમ સ્કૂલ અને વાલી નક્કી કરી શકે છે. સ્કૂલો આ બહાના હેઠળ ફી ખંખેરી શકે છે. એટલું જ નહીં સ્કૂલબસના ચાર્જ અંગે પણ વાલીઓએ સ્કૂલ નક્કી કરે તે ચાર્જ આપવો પડશે.

6) સ્કૂલને ધંધો બનાવી બેઠેલા લોકો અન્ય ધંધા તરફ વળશે?

ખાનગી સ્કૂલો પર ફી ઉઘરાવવા અંગે લગામ આવ્યા બાદ હવે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે સ્કૂલના સંચાલકો શિક્ષણ સિવાયના ક્ષેત્રમાં જંપલાવશે. જો કે, નિયમ પ્રમાણે કોઈ સ્કૂલ એવું નક્કી કરે કે તેણે પોતાની સ્કૂલ બંધ કરી દેવી છે તો એવું નહીં થઈ શકે. આ માટે સરકાર કહે એટલા સમય સુધી તેમણે સ્કૂલ ચાલુ રાખવી પડશે. પછી જ તેને બંધ કરી શકાશે. સ્કૂલની મંજૂરી આપતી વખતે સરકાર તરફથી એવી બાંહેધરી લેવામાં આવતી હોય છે કે તેમને હાલના તેમજ ભવિષ્યમાં નિયમોમાં આવનાર પરિવર્તનો માન્ય રહેશે.
First published:

Tags: Gujarat highcourt, Private schools, School teachers, Verdict

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन