અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી 1200 બેડ હોસ્પિટલ પાસે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી 1200 બેડ હોસ્પિટલ પાસે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું
અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી 1200 બેડ હોસ્પિટલ પાસે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે હેલ્પ ડેસ્કમાં દર્દીના સગાને વીડિયો કોલિંગ અને ઓડિયો કોલિંગના મારફતે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાત કરાવવામાં આવે છે. સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી માટે સામાન જેવા કે કપડા, સૂકો નાસ્તો વગેરે પહોંચાડવા ઇચ્છુક દર્દીના સગાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન આ તમામ પ્રકારના સામાન સ્વીકારવામાં આવે છે.
ડોમમાં કાર્યરત હેલ્પ ડેસ્કમાં હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264 પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી રહે તે માટેની વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્રએ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.
દર્દીના સગાને હાલાકી ભોગવવી ન પડે તે માટે ડોમ બનાવાશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ હસ્તકની મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને કોઇપણ અગવડ ન પડે તે માટે ડોમ ઉભો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ દ્વારા સમીક્ષા બેઠક યોજ્યા બાદ આ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મેડિસીટીની કોવિડ સંબંધિત કામગીરીના ઇન્ચાર્જ અવંતિકા સિંધ અને આરોગ્ય કમીશ્નર જયપ્રકાશ શિવહરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ દ્વારા બેઠકનું આયોજન કરી સમગ્ર વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યુ હતુ.
કોરોનાગ્રસ્ત દર્દીઓને અપાતા ભોજન વિષેની અરૂણ મહેશ બાબુ દ્વારા પૃચ્છા કરી તે માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉભી થાય તે માટેનું આયોજન હાથ ઘરવા સુચન કરવામાં આવ્યુ હતુ. દર્દીના સ્વજનો માટે વેઇટિંગ એરિયા, ભોજન અને પાણી પુરવઠા,ઓક્સિજન, ઈન્જેકશન, દર્દીઓને સમયસર ભોજનની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ, પોલીસ સિક્યુરિટી,રિસેપ્શન અને હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ માત્ર એક જ દિવસના ટૂંકાગાળામાં ઉભી કરાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ મંજુશ્રી કંપાઉન્ડમાં સ્થળ મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. આમ ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં રાખી દર્દીઓના સગાને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. નવીન કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેકશન અને ઓક્સિજનના પુરવઠાને લઇને વધુ સધન આયોજન કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર