અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલે આજે પાટીદાર સમાજને અનામતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિકની સાથે અન્ય પાસ કન્વિનર મનોજ પાનારા, ગીતા પટેલ, હેમાંગ પટેલ, બ્રિજેશ પટેલ પણ રહ્યા હતા. તમામ લોકો પરેશ ધાનાણી સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગર ખાતે આવેલા મંત્રી નિવાસ્થાન પર પહોંચ્યા હતા. હાર્દિક પહોંચતાની સાથે જ મંત્રી નિવાસ્થાન ખાતે જ સરદારના નારા લાગ્યા હતા.
કોંગ્રેસે તમામ માંગો સ્વીકાર
હાર્દિક પટેલ સહિતના પાસ કન્વિનરો અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં હાર્દિકે પટેલે વિપક્ષના નેતાએ પાટીદારોની તમામ માંગો સ્વીકારી લીધાનું જણાવ્યું હતું. એટલું જ નહીં હાર્દિકે જણાવ્યું હતું કે કોંગ્રેસ આગામી વિધાનસભા સત્રમાં પાટીદારોનો મુદ્દો ઉઠાવશે. પત્રકાર પરિષદમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, હાર્દિક અને પાસના કન્વિનરો તરફથી સાંભળ્યા બાદ તેમના તમામ મુદ્દાઓ સ્વીકારી લેવામાં આવ્યા છે. આ પહેલા હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસ ખાનગી અનામત બિલ લાવીને પાટીદાર પ્રત્યેનો પ્રેમ સાબિત કરે.
પરેશ ધાનાણીએ શું કહ્યું?
હાર્દિક પટેલ સાથેના પાસના કન્વિનરો મળવા પહોંચતા પરેશા ધાનાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધાનાણીએ કહ્યું કે, "યુવાનોની વેદનાને વાચા આપવા હાર્દિકની ટીમ અમારી આંગણે આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. સત્તામાં રહેલા લોકો નીતિઓ ઘડે તેમાં રહેતી ઉણપને ઉઠાવવાનું કામ વિપક્ષ કરે છે. લાખો યુવાનોની વેદનાને વાચા આપવા માટે બંધારણના દાયરામાં સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીયે તેની ચર્ચા કરીશું."
વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે બેઠક પહેલા હાર્દિક પટેલે મીડિયાને સંબોધન કર્યું હતું, જેમાં પેપર લીકથી લઈને પોતાની આજની મુલાકાત વિશે વિસ્તારથી માહિતી આપી હતી. આ પ્રસંગે હાર્દિકે કહ્યું હતું કે, "લોક રક્ષક દળના પેપર લીક મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપવું જોઈએ. કારણ કે વાયબ્રન્ડ ગુજરાતના ધજાગરા થઈ રહ્યા છે. ગુજરાતની હાલત 30 વર્ષ પાછળ ધકેલાઈ જાય તેવી થઈ રહી છે."
અનામત મામલે હાર્દિકે કહ્યુ હતુ કે, "કોંગ્રેસ જો પાટીદાર સમાજને પ્રેમ કરતી હોય તો વિધાનસભામાં ખાનગી બિલ લાવે. પાટીદારોને અનામત માટે સામાજિક અને આર્થિક ધોરણે એક સર્વે હાથ ધરવામાં આવે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પરેશ ધાનાણી ખાનગી બિલ લાવે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાટીદાર સમાજને પ્રેમ કરે છે તેવું સાબિત કરે."