અમદાવાદઃ આમરણાંત ઉપવાસ પર બેસતા પહેલા હાર્દિકે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે સરકાર અને પોલીસ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. હાર્દિકે જણાવ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની છે. અત્યાર સુધી ગુજરાતમાં 16 હજાર લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. વિવિધ જગ્યાએ બેરિકેડ્સ લગાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે.
હાર્દિકે શું કહ્યું?
"જીએમડીસી આંદોલનની ક્રાંતિને ત્રણ વર્ષ પૂરા થયા છે. બે મહિના પહેલા અમે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. આ માટે અમે વિવિધ જગ્યાએ મંજૂરી માંગી હતી. અમને એક પણ વિસ્તારમાં મંજૂરી આપવામાં આવી નથી. અંતે અમારા ઘરે જ ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. ગઈકાલથી અત્યાર સુધી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી 16 હજાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. વિવિધ શહેરમા નાકાબંધી કરીને લોકોને ત્યાંને ત્યાં જ રોકી દેવામાં આવ્યા છે. મારા ઘરે આવેલા ધારાસભ્યોને પણ અટકાવી દેવામાં આવ્યા છે. મારા ઘરમાં જીવનજરૂરી વસ્તુઓને પણ અંદર આવવા દેવામાં નથી આવતી. પોલીસે ગઈકાલથી જ મારા કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કરી દીધું છે. અમને કોઈ પણ વિસ્તારમાં ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી."
જીવન જરૂરી વસ્તુઓ પણ પોલીસે અટકાવી
"અમદાવાદ આવતા તમામ હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે. ચોટીલામાં 8 લક્ઝરી બસ રોકી દેવામાં આવી છે. મારા નિવાસ્થાન બહાર પણ નાકાબંધી કરવામાં આવી છે. ચારથી વધારે લોકોને મારા ઘરમાં પ્રવેશ કરવા દેવામાં નથી આવી રહ્યો. પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ પણ રોકી દેવામાં આવી છે. પાણી લઈને આવતા ટેમ્પોને પણ ગેટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ વિવિધ માગણી કરીને પાટીદાર સમાજને હેરાન કરે છે."
સરકારે સામ, દામ દંડની નીતિ અપનાવી
"અંગ્રેજ હુકુમત બનીને સરકાર કામ કરી રહી છે. તમામ લોકો પર ચાંપતી નજર રાખી રહી છે. કાયદો અને મર્યાદાનું ઉલ્લંઘન કરીને ઉપવાસ આંદોલનને રોકવાના પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે. હું ગુજરાતના તમામ પાટીદાર લોકોને આહવાન કરું છું કે જ્યારે તમને લાગે કે આ લડાઈ સાચી છે ત્યારે તમે અહીં આવજો. ભારતીય જનતા પાર્ટી સામ, દામ દંડ અને ભેદની તમામ નીતિઓ અપનાવી રહી છે. તમે જે જગ્યાએ રહેતા હોવ ત્યાં તાલુકા મથકે ઉપવાસ પર બેસી જજો.
વાઘા બોર્ડરની જેમ રાજ્યમાં પોલીસ ઉતારી દીધી
"પોલીસ ખૂબ ખરાબ વર્તન કરી રહી છે. વાઘા બોર્ડર પર જેવી રીતે પોલીસ ખડકી દેવામાં આવી હોય તેવી રીતે ગુજરાતના રસ્તાઓ પર પોલીસને ઉતારી દેવામાં આવી છે. લોકો અહીં પહોંચે નહીં તે માટે જે કંઈ કરવું પડે તે કામ પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરી રહી છે. મને લાગે છે કે પોલીસ અમને અહીં બેસવા દેવા માગતી નથી. ચારેકોર નાકાબંધ કરી છે. ઘણાબધા લોકો પોલીસથી બચીને અહીં આવી પહોંચ્યા છે. અંગ્રેજ સામે જેવી લડાઈ લડવી પડી હતી તેવી લડાઈ અમારે ઉપવાસ માટે લડવી પડી રહી છે. અહીં આવનાર ધારાસભ્યોને પણ રોકી દેવામાં આવ્યા હતા. ગુજરાતમાં લોકશાહીને ખતમ કરવાનું કામ પોલીસ ભાજપને ઈશારે કરી રહી છે. પોલીસને જે પણ કરવું હોય તે કરે અમે ત્રણ વાગ્યે ઉપવાસ આંદોલન શરૂ કરી દઈશું."
અમને એક સાથે ગોળી મારી દો
"હું ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે અમને રિબાવી રિબાવીને હેરાન કરવાને બદલે એકસાથે અમારી છાતીઓ પર ગોળી ધરબી દો જેનાથી અમારું આંદોલન શાંત થઈ જશે. અમે કોઈનાથી ડરવાના નથી. જેને જે ઉખાડવું હોય એ ઉખાડી લે. કોઈ પણ ભોગે અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. પોલીસે અમારી સાથે સંકળાયેલા લોકને કહ્યું હતું કે અમે હાર્દિકને ઉપાડી જવાના છીએ. એ લોકો ભૂલી રહ્યા છે કે ભગતસિંહને ઉપાડી જનાર લોકોએ કેટલા દિવસમાં ભારત છોડવું પડ્યું હતું."
સંપૂર્ણ ક્રાંતિ સાથે બહાર આવો
"હું ગુજરાતની જનતાને આહવાન કરું છું કે જો તમારું ઝમીર ન જાગ્યું હોય તો નપુંસક બનીને ભારતીય જનતા પાર્ટીનો અત્યાચાર સહન કરજો, અમે નપુંસક બનીને અત્યાચાર સહન નથી કરવા માંગતા. ગાંધી, સરદાર અને ભગતસિંહ અમને અત્યાચાર સહન કરતા નથી શીખવ્યું. અમે કૂતરા અને કાગડાના મોતે મરીશું પરંતુ સમાજ માટે અધિકાર મેળવીને રહીશું. લોકો સંપૂર્ણ ક્રાંતિ સાથે અમારા આંદોલન સાથે જોડાય."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર