ઉત્તર ભારતમાં થયેલી કાતિલ હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડી જામી રહી છે. ગઇકાલે 8.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે 2 અને 3 ફેબુ્રઆરી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે તેવું પણ અનુમાન કર્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 28.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો અને 10 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
આગામી બે દિવસમાં આખા રાજ્યમાં કોલ્ડવેવની આગાહી છે તેની સાથે અમદાવાદમાં 11 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુત્તમ તાપમાન રહેશે. મહત્વનું છે કે ગઇકાલે અમદાવાદમાં વાદળછાયું અને તાપવાળું મિશ્ર વાતાવરણ રહ્યું હતું.
હવામાન વિભાગના મતે આગામી 24 કલાક એટલે આજે ઠંડીમાં વધારાની સંભાવના ઓછી છે. જોકે, આ પછી સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. ગાંધીનગરમાં 8.8, દીવમાં 9.0, મહુવામાં 9.2, અમદાવાદમાં 10.0, વડોદરામાં 10.8, સુરેન્દ્રનગરમાં 11.4, રાજકોટમાં 11.7, નલિયામાં 11.8 તથા સુરતમાં 13.0 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશના લાહૌલ જીલ્લામાં છેલ્લાં ઘણા દિવસોથી માઇનસ 20 ડીગ્રી સુધીનું તાપમાન રહેતા સ્થાનિક જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.સ્થાનિક લોકોનો મુખ્ય શહેરો સાથેનો સંપર્ક પણ તુટી ગયો છે.
ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઇ શકે છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં કોલ્ડવેવની અસર વધુ જોવા મળી શકે તેવી સંભાવના છે.