સાઇબર ગુનાઓ ઉકેલવા પોલીસે GTU સાથે હાથ મિલાવ્યાં, રાજ્યમાં દર મહિને નોંધાય છે 250 ગુના

News18 Gujarati
Updated: November 20, 2019, 9:44 AM IST
સાઇબર ગુનાઓ ઉકેલવા પોલીસે GTU સાથે હાથ મિલાવ્યાં, રાજ્યમાં દર મહિને નોંધાય છે 250 ગુના
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ : GTUના સાઇબર એક્સપર્ટની મદદથી સાઇબર ગુના ઉકેલવામાં પોલીસને મળશે મદદ

  • Share this:
અમદાવાદ : ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઇ-શોપિંગના વધારા સાથે સાથે રાજ્યભરમાં સાઇબર ક્રાઇમના બનાવો પણ વધી રહ્યા છે. સાઇબર ગુનાઓને ઉકેલવા પોલીસે GTU (Gujarat Technology University) સાથે હાથ મિલાવ્યા છે. સાઇબર ગુનાઓ ઉકેલવા બંને વિભાગ સાથે મળીને કામગીરી કરશે. જેથી હવે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)ના સાઇબર એક્સપર્ટની મદદથી સાઇબર ગુના ઉકેલવામાં પોલીસને મદદ મળી રહેશે.

દિન પ્રતિદિન સાઇબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. રોજ-રોજ ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં જ દર 2 દિવસે એક સાઇબર ક્રાઇમના ગુનાની અરજી પોલીસ ચોપડે નોંધાય છે. જે અંતર્ગત દર મહિને 15થી વધુ ગુનાઓ સાઇબર ક્રાઈમના સામે આવે છે. તેવી જ રીતે સમગ્ર રાજ્યમાં 250થી વધુ સાઇબર ક્રાઇમની અરજીઓ પોલીસને મળે છે.

આ સાઇબરના ગુનાઓ ઉકેલવામાં ભલભલા નિષ્ણાતો ચક્કર ખાય જાય છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને પોલીસે હવે સાઇબરના ગુનાઓને સાથે મળીને ઉકેલવાનું નક્કી કર્યું છે. આ મામલે પોલીસ વિભાગ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (GTU) વચ્ચે MoU કરવામાં આવશે. GTU તરફથી MoU માટે ડ્રાફ્ટ બનાવીને પોલીસ તંત્રને સુપ્રત કરાયો છે. પોલીસની સાઇબર સિક્યોરીટીની ટીમમાં GTUના એક્સપર્ટ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.

GTUના સાઇબર એક્સપર્ટની મદદથી સાઇબર ગુના ઉકેલવામાં પોલીસને મદદ મળશે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સાઇબર સિક્યોરીટી સેલની ટીમ તૈનાત કરવાનું નક્કી કરાયું છે. સાથે જ જિલ્લા દીઠ એક પોલીસ સ્ટેશનમાં સાઇબર સિક્યોરીટીની ટીમ કાર્યરત કરવામાં આવશે. જિલ્લામાં સફળતા બાદ તાલુકા કક્ષાએ પણ ટીમ ભવિષ્યમાં કાર્યરત કરવામાં આવશે.

મહત્વનું છે કે આ અગાઉ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના સાઇબર વિભાગના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ પોલીસને સાઇબરના ગુનાઓ ઉકેલવાની તાલીમ પણ આપી ચુક્યા છે. અગાઉ અમદાવાદ અને રાજકોટ પોલીસને સાઇબર ગુનાઓ ઉકેલવા GTUના વિદ્યાર્થીઓની મદદ લઈ ચુકી છે. ત્યારે હવે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને પોલીસે આ પ્રકારના ગુનાઓને સાથે મળીને ઉકેલી શકાય તે દિશામાં કામગીરી શરુ કરી છે.
First published: November 20, 2019
વધુ વાંચો
अगली ख़बर