શિક્ષણમાં પણ 'ગુજરાત' દેશનું રોલ મોડલ બનશે: CM રૂપાણી

News18 Gujarati
Updated: June 9, 2019, 5:19 PM IST
શિક્ષણમાં પણ 'ગુજરાત' દેશનું રોલ મોડલ બનશે: CM રૂપાણી
વિજય રૂપાણી (ફાઈલ ફોટો)

મંત્રીએ પ્રાથમિક શિક્ષકોનું વિશેષ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પાયો મજબૂત હોય તો ઇમારત મજબૂત બને એટલે જ સૌથી વધુ ધોરણ-૧ ના શિક્ષકોનું વિશેષ મહત્વ છે

  • Share this:
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ ૨.૦, ગુણોત્સવ ૨.૦ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો શુભારંભ કર્યો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌરવ સાથે જણાવ્યું કે, રાજ્યમાં સાફ નિયત અને સ્પષ્ટ નીતિથી સાર્વત્રિક શિક્ષણનો વ્યાપ વધારી ભાવિ પેઢીને વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવી સજ્જ અને સક્ષમ બનાવવાની ગુજરાતે પહેલરૂપ શરૂઆત કરી છે. મુખ્યમંત્રી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા અને શાળામાં ડિજિટલ એટેન્ડન્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનો પણ પાટનગરમાં આરંભ કરાવ્યો હતો અને બી આર સી- સી આર સી ને ટેબ્લેટ વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો સહિત શિક્ષણ જગતને આહવાન કર્યું કે, સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ સાથે સ્પર્ધા નહીં પણ તેમનાથી ઉત્કૃષ્ટ શિક્ષણ વ્યવસ્થાઓ સરકારી સ્કૂલોમાં ઉભી કરી આપણી લીટી મોટી કરીએ. એવું વાતાવરણ અને વિશ્વાસ જગાવીએ કે સરકારી શાળામાં પણ એડમિશન માટે લોકો વધુ પ્રેરિત થાય એમ તેમણે શિક્ષક સમુદાય ને પ્રેરણા આપતા કહ્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષિત સમાજ થકી ભાવિ પેઢીને સમૃદ્ધ બનાવી સમૃદ્ધ ગુજરાત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌએ સંકલ્પબદ્ધ બનવું પડશે

મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યુ કે, રાજ્યના શિક્ષણને વધુ સમૃદ્ધ બનાવવા માટે ડિજિટલ માધ્યમ દ્વારા હાથ ધરાયેલા આ નવતર આયામો થકી 'ગુજરાત' દેશનું રોલ મોડલ બનશે. તેમણે કહ્યું કે, પ્રાથમિક શિક્ષણ થકી ઈશ્વરે સાચી સેવા કરવાનો અવસર આપ સૌને પુરો પાડ્યો છે ત્યારે કમાન્ડ અેન્ડ કંટ્રોલ સિસ્ટમની આ નવી વ્યવસ્થા આવનારા સમયમાં ગુજરાત માટે ચોક્કસ આશીર્વાદરૂપ નીવડશે. સાચી દિશામાં વ્યવસ્થા હોય તો લોકો સહકાર આપે જ છે. તેમણે કહ્યું કે, લોકશાહી વ્યવસ્થામાં પ્રજા જ સર્વોપરી છે અને જ્યાં શક્તિશાળી નેતૃત્વ હોય, અદ્યતન ટેકનોલોજી યુક્ત વ્યવસ્થા હોય અને નિયત સાફ હોય ત્યાં જ લોકો અપેક્ષા રાખતા હોય છે ત્યારે નાગરિકલક્ષી અપેક્ષાઓ પૂર્ણ કરવી એ આપણી વિશેષ જવાબદારી બને છે.

રૂપાણીએ કહ્યું કે, ગરીબ, તવંગર, છેવાડાના બાળકોને યોગ્ય શિક્ષણ આપવું એ આપણી નૈતિક જવાબદારી છે ત્યારે શાળા શિક્ષણમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ડીઝીટલ ગુજરાત નિર્માણમાં રાજ્ય સરકારે નવી પહેલ કરી છે. જેમાં સહભાગી થવા બદલ શિક્ષણ વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં ૩૨ હજાર સરકારી અને ૧૦ હજાર સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ અને ૨.૫૦ લાખથી વધુ શિક્ષકો તથા ૭૦ લાખથી વધુ બાળકોની જવાબદારી સરકાર-સમાજ ઉપર છે ત્યારે શિક્ષણનું સુપરવિઝન કરવું જરૂરી છે તે માટે આ નવી વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. રાજ્ય સરકાર જવાબદારીથી ક્યારેય ભાગી નથી અને ભાગશે પણ નહીં. ગભરાતા પણ નથી પરંતુ જવાબદારીની ચિંતા કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે છેવાડાના માનવીના જીવન મુસલમાન સુધારો થયો છે અને લાભો મળતા થયા છે. જવાબદારી દરેકની હોવી જોઈએ, મુખ્યમંત્રીથી માંડીને નીચે સુધીની વ્યક્તિ પારદર્શિતાથી જવાબદારી સુપેરે નિભાવે તો ચોક્કસ સારા પરિણામ મળે જ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જ્યાં સમર્પણ હોય ત્યાં જ સાચી પરિસ્થિતિ નિર્માણ થાય છે. શિક્ષકોમાં કંઈક નવું કરવાની તાકાત છે. વ્યક્તિ ગરીબ કે તવંગર હોય પણ બુદ્ધિ પર કોઈનો ઠેકો નથી. ભૂતકાળમાં જે વ્યથાઓ હતી તે દૂર કરીને નવી વ્યવસ્થાઓ અમારી સરકારે ઉભી કરી છે. આજે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, મફત પાઠ્યપુસ્તકો, મફત યુનિફોર્મ અને મફત સાયકલની સુવિધાઓ પુરી પાડીને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપીને આવનારા બે ત્રણ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ચોક્કસ હરણફાળ ભરશે. દુનિયામાં પડકારો વધ્યા છે ત્યારે શિક્ષણમાં પણ આપ સૌના ઉત્સાહ અને પ્રયાસો થકી ગુજરાત દેશને રાહ ચિંધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રૂપાણીએ ઉમેર્યું કે ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓની નિયમિતતા સુનિશ્ચિત કરી નિયમિતતા અને ગુણવત્તા વધારશે. સ્કૂલ મોનિટરિંગ સિસ્ટમ ધરાવતા ટેબ્લેટથી બીઆરસી -સીઆરસીનું કામ પેપરલેસ અને ઝડપી બનતા શિક્ષણની ગુણવત્તા પર વધુ ભાર મૂકવો પડશે. તેમણે ઉમેર્યુ કે ગુરુ-શિષ્યની ભાવના વધુ બળવત્તર બને તે માટે આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ કરીએ. તેમણે શિક્ષણ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન આપીને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના મહાયજ્ઞમાં શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિત શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સ થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા સૌ શિક્ષકોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેરક ઉદ્બબોધન કરતા જણાવ્યું હતું કે, શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ૦ ટકા ડ્રોપ આઉટ રેશિયો સાથે ગુણવત્તાલક્ષી શિક્ષણ એ રાજ્ય સરકારના સંકલ્પ સાથેનો ધ્યેય છે. આ સંકલ્પ હાંસલ કરવા પુરતા પ્રયત્નો કરી રહ્યા છીએ અને રાજ્ય સરકાર સફળતાની ખુબ નજીક છે.

મંત્રીએ પ્રાથમિક શિક્ષકોનું વિશેષ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પાયો મજબૂત હોય તો ઇમારત મજબૂત બને એટલે જ સૌથી વધુ ધોરણ-૧ ના શિક્ષકોનું વિશેષ મહત્વ છે. મંત્રી એ બોર્ડની પરીક્ષાનાં પરિણામને ટાંકીને જણાવ્યું હતું કે હાલના તબક્કે સેલ્ફ ફાઈનાન્સ શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓના પરિણામ પણ ઉંચા આવી રહ્યા છે. જે સરકાર અને શિક્ષકોની મહેનતનુ પરિણામ છે. સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે પોણા બે લાખથી વધુ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આવનારા વર્ષોમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરવા માટે પડાપડી થાય તે સ્તરે સરકારી શિક્ષણ લઈ જવાના અમારા પ્રયત્ન છે.

શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ શિક્ષણક્ષેત્રે આજનો દિન એક ઐતિહાસિક દિન છે એમ જણાવી કહ્યું કે, માનવ વિકાસ સૂચકાંકમાં બાળકોનો વિકાસ અત્યંત મહત્વનો છે. તેઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ મિશન વિદ્યા, જ્ઞાનકુંજ સહિતના પ્રોજેકટ થકી ભૂલકાઓના શિક્ષણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે. તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ અભિયાન વર્ષ-૨૦૦૩થી હાથ ધર્યું હતું. જેમાં પ્રતિવર્ષ આયોજનના પરિણામે આજે નામાંકન ૯૯.૪૦ ટકા થયુ છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઉત્તરોત્તર ઘટીને ૧.૪ ટકા સુધી પહોંચ્યો છે જે ૦ ટકા સુધી લઇ જવા સરકાર કટિબદ્ધ છે.

શ્રીમતી દવેઅે ઉમેર્યું કે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને સંવેદનાને પરિણામે શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા છે જેના પરિણામે શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત દેશનું મોડલ બનશે. રાજ્ય સરકારના સમયબદ્ધ આયોજનને પરિણામે ગુણોત્સવ થકી એ અને બી ગ્રેડની શાળાઓમાં વધારો થયો છે. સરકારી શાળાઓનું શિક્ષણનું સ્તર ઉંચુ આવ્યું છે એ આપ સૌના અથાક પ્રયત્નોને આભારી છે. આવનારા સમયમાં પણ આપ વધુ ને વધુ મહેનત કરશો તો અમારે સરકારી શાળામાં પણ પ્રવેશ માટે ભલામણ કરવી પડશે તેવો મને વિશ્વાસ છે. તેમણે સૌ શિક્ષકો, બીઆરસી, સીઆરસી, ડીઈઓ, ડીપીઓને રાજ્ય સરકારના આ નવતર આયામો થકી યોગ્ય સહકાર આપીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો.

શિક્ષણ વિભાગના સચિવ ડો વિનોદ રાવે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું આજે ગુજરાતે સાકાર કર્યું છે. શિક્ષણ વિભાગ માટે આજે ઐતિહાસિક દિન છે શાળા પ્રવેશોત્સવ 2.0, ગુણોત્સવ 2.0, શાળા તત્પરતા કાર્યક્રમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શુભ આરંભ થતાં ગુજરાતે ડીજીટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ઉપાડયું છે. તેમણે શિક્ષણ વિભાગના નવતર આયામોની રૂપરેખા આપી હતી અને આવનારા સમયમાં આ આયામો થકી આપણે સૌ સહિયારા પ્રયાસો કરશું તો ચોક્કસ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત દેશને રાહ ચિંધશે.

અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ડીજીટલ ગુજરાત વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આજે ઈ-ગવર્નન્સની દિશામાં હરણફાળ ભરીને મુખ્યમંત્રીશ્રી જાતે જ સીએમ ડેશબોર્ડ ડિજીટલ સિસ્ટમ દ્વારા ગુજરાતના દરેક જિલ્લાની ક્ષેત્રે કચેરીઓ અને સરકારના દરેક વિભાગનું મોનિટરિંગ કરી રહ્યા છે. એ જ રીતે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઇએ પહોંચાડવાના સંકલ્પ સાથે શિક્ષણ વિભાગે પણ અનેકવિધ નવીન પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. તે પૈકીનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે.

ગાંધીનગર સ્થિત અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ, સમગ્ર શૈક્ષણિક સ્ટાફ તેમજ બીઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર્સની કામગીરીનું એક જ સ્થળેથી સીધુ મોનિટરિંગ કરવામાં આવશે. રીયલ ટાઈમ ડેટા દ્વારા શાળાઓમાં ગુણવત્તાલક્ષી પ્રોજેક્ટના અમલીકરણની સ્થિતિ અને શાળાઓમાં બાળકો તથા શિક્ષકોની હાજરીનું ક્રોસ વેરિફિકેશન, જીયો ફેન્સીંગ દ્વારા બી.આર.સી સી.આર.સી કો-ઓર્ડીનેટર્સનાં લોકેશન અને તેમના દ્વારા કરાયેલી કામગીરી રિપોર્ટના આધારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સીધુ ક્રોસ મોનિટરિંગ કરવામાં આવશે. જેથી શાળાઓનું મૂલ્યાંકન તથા તેને સુધારવા માટેનાં પ્રયાસો વધુ સારી રીતે કરી શકાશે. જેનાથી શ્રેષ્ઠ ગુણવત્તાસભર શિક્ષણનાં રાજ્ય સરકારનાં લક્ષ્યને સાકાર કરી શકાશે.

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત કરવાની દિશામાં એક આગવી પહેલ એટલે ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ. વર્ષ-૨૦૧૮નાં નવેમ્બર માસથી સમગ્ર રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવામાં આવી રહી છે. શિક્ષકોની ગેરહાજરી પર મોનિટરિંગ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓની ગેરહાજરી ઉપર પણ મોનીટરીંગ કરવામાં આવશે. ૬૦ ટકાથી ઓછી હાજરી હોય તેવા અનિયમિત બાળકો તથા ૪૦ ટકાથી ઓછી હાજરી હોય તેવા અતિ અનિયમિત બાળકોનો ડેટા તૈયાર કરીને તેમના ઘેર હાજર રહેવા અંગેના કારણોની સમીક્ષા કરી તેમને નિયમિત કરવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે બી.આર.સી -સી.આર.સી કો-ઓર્ડીનેટરોને ટેબ્લેટનું વિતરણ કરાયું હતું તથા શિક્ષણ વિભાગની વિવિધ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું.
First published: June 9, 2019, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading