છોટાઉદેપુરમાં આઠ ઇંચ વરસાદ ; ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર

News18 Gujarati
Updated: August 28, 2019, 11:13 AM IST
છોટાઉદેપુરમાં આઠ ઇંચ વરસાદ ; ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર
ગોલ્ડન બ્રિજ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 28મી ઓગસ્ટના રોજ સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 32 જગ્યાએ બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવાર અને બુધવારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટી 134.08 મીટર પહોંચી છે. બુધવારે સવારે પૂરા થતાં 24 કલાકના આંકડા તપાસીએ તો સૌથી વધારે આઠ ઇંચ વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો છે. સરદાર સરોવરમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ભયજનક સપાટીથી ચાર ફૂટ ઉપર વહી રહી છે.

બુધવારે સવારે ક્યાં કેટલો વરસાદ :

બુધવારે ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો હતો. જેમાં મહેસાણાના બેચરાજીમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પાટણના ચાણસ્મા, સમી, હારીજ, મહિસાગરના વિરપુર, પંચમહાલના ગોધરા, ગાંધીનગરના દેહગામ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 32 જગ્યાએ બે ઇંચ કરતા વધારે વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 28મી ઓગસ્ટના રોજ સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 32 જગ્યાએ બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે પોણા આઠ ઇંચ વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ?

જેતપુર પાવી ----------- 162 MM
કવાંટ (છોટાઉદેપુર)---- 159MM
હાલોલ (પંચમહાલ)------159MM
વિજાપુર (મહેસાણા)-----115MM
મહેસાણા----------------106MM
માણસા (ગાંધીનગર)-----98MM
તલોદ (સાંબરકાંઠા)------96MM
આણંદ-------------------93MM

સરદાર સરોવરની સપાટીમાં વધારો

ઉપરવાસમાંથી 4 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 134.08 મીટરે પહોંચી છે. પાણીની આવકને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી નદીમાં 4 લાખ 31 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી બે કાંઠે થતાં કેવડિયાનો ગોરા બ્રિજ વાહનવ્યહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ડેમમાં હાલ 4490 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. RBPHના તમામ પાવર હાઉસ અને CHPHના ત્રણ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. નદી બે કાંઠે થતાં ત્રણ જિલ્લાના 26 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 28.40 ફૂટે પહોંચી

નર્મદા નદીમાં પાણીની સતત આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નદીની જળ સપાટી 28.40 ફૂટે પહોંચી છે. હાલ નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે. જેના પગલે નદીકાંઠાના 20 ગામોમાં એલર્ટ કરી દેવાયા છે. નદી ભયજનક સપાટી ઉપર વહેતા ખલોટિયા, બોરભાઠા, તરસાલી જેવા અનેક ગામો સુધી નદીનું પાણી પહોંચી ગયું છે.

કડાણા ડેમની સ્થિતિ

મહીસાગરના કડાણા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 1,25,575 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 96,018 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના ચાર ગેટ 10 ફૂટ તેમજ એક ગેટ 5 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી 416.4 ફૂટ છે તેમજ ભયજનક સપાટી 419 ફૂટ છે.
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर