ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ કલર્સ મળ્યા બાદ નીચલા કર્મીઓમાં હકને લઇને રોષ


Updated: December 18, 2019, 3:45 PM IST
ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ કલર્સ મળ્યા બાદ નીચલા કર્મીઓમાં હકને લઇને રોષ
ગુજરાત પોલીસને તાજેતરમાં રાષ્ટ્રપતિ કલર્સ પ્રાપ્ત થયો છે.

મોંઘવારીના જમાનામાં પોતાને 200, 300 અને 900 રૂપિયાના અલગ અલગ ભથ્થા મળતા હોવા અંગે ઉચ્ચ અધિકારીઓ અને સરકાર ધ્યાન આપે તેવી પોસ્ટ નીચલા કર્મચારીઓ મૂકી રહ્યા છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત પોલીસ માટે ગૌરવની વાત છે કે તેને રાષ્ટ્રપતિ કલર્સ પ્રાપ્ત થયો છે. પોલીસે પોતાનો લોગો પણ બદલ્યો છે. એકતરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં કેટલાક કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓ પોતાનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે. પોલીસકર્મીઓ વોટ્સએપ કે ફેસબુક પર પોસ્ટ મૂકી પોતાનો અન્યાય થઇ રહ્યો હોવાનું જણાવી રહ્યા છે.

મોંઘવારીના જમાનામાં પોતાને 200, 300 અને 900 રૂપિયાના અલગ અલગ ભથ્થા મળતા હોવા અંગે ઉચ્ચ અધિકારીઓ અને સરકાર ધ્યાન આપે તેવી પોસ્ટ નીચલા કર્મચારીઓ મૂકી રહ્યા છે. ગત તા.15મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આવેલા કરાઇ પોલીસ અકાદમી ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ કલર્સ આપવાની સાથે નવો ધ્વજ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ મોટાભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ગૌરવની લાગણી દર્શાવતી અનેક પોસ્ટ મૂકી હતી. ત્યારે આ પોસ્ટની સાથે સાથે કેટલાક પોલીસ કર્મીઓએ નારાજગી દર્શાવતી પોસ્ટ પણ મૂકી હતી."પોલીસની કામગીરી જોઇને લોગો આપ્યો સન્માન આપ્યું- તેવી જ રીતે ગુજરાત સરકારમાં રહેતા વર્ગ ત્રણના કર્મચારીનો ગ્રેડ પે 2400 છે તો પોલીસનો ગ્રેડ પે કેમ 1800? ગુજરાતને ગૌરવ પોલીસ અપાવે છે તો આ અન્યાય કેમ?" આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

જ્યારે બીજીબાજુ એવી પણ પોસ્ટ જોવા મળી છે કે, "શિસ્તના નામે અત્યાચાર સહન કરતી પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ આપી ખુશ કરી દીધી છે. બહેરી મૂંગી સરકારને કોઇ જઇને સમજાવો કે માત્ર એવોર્ડ, સન્માનો અને વાહવાહીથી પેટ ન ભરાય. એના માટે પોલીસનો યોગ્ય પગાર આપો, યોગ્ય ભથ્થા ચૂકવો. અન્ય વિભાગોમાં વર્ગ 3ના કર્મચારીઓને 2400 ગ્રેડ પે અને પોલીસને સૌથી ઓછો પગાર. 1800 ગ્રેડ પે આપી ગુજરાત પોલીસને હળાહળ અન્યાય થઇ રહ્યો છે."

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં 150 રૂ. પેટ્રોલ એલાઉન્સ, 20 રૂ. વોશિંગ એલાઉન્સ, 300 રૂ. મેડિકલ એલાઉન્સ, 900 રૂ.  હાઉસિંગ એલાઉન્સ આપી પોલીસની મજાક થઇ રહી હોય તેવા પણ લખાણ જોવા મળ્યા છે. હવે આ વાતોની સરકાર કે ગુજરાત પોલીસના અધિકારીઓ પર અસર થશે કે આમ જ પોલીસ કર્મીઓને અન્યાય સહન કરવો પડશે તે સવાલ છે.
First published: December 18, 2019
વધુ વાંચો
अगली ख़बर