અમદાવાદ: દિલ્હીમાં (Delhi) તબલિગી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના આશરે 1700 લોકો ભેગા થયા હતાં. જેમાંથી 1033 લોકો વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9નાં મોત થઈ ગયા છે. તબલિગી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાતના પણ અનેક લોકો ભાગ લેવા ગયા હોવાની જાણ થતા ગુજરાત સરકાર દોડતી થઈ છે. હાલ ગુજરાતમાં 30 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ 30 લોકો દિલ્હીનાં મરકઝમાં ગયા હતા. આ તમામને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ સાથે અન્ય લોકોની પણ એટીએસ તપાસ કરી રહી છે.
આ લોકોની શોધખોળ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. રેન્જ IG અશોક યાદવે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો મળી 17 લોકોએ ભાગ લીધો હતો. આ 17 લોકોમાંથી એકનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર મુજબ, તબલિગી જમાતના 76 લોકો આ કાર્યક્રમમાં ગયા હતા. સુરત મહાનગરપાલિકાએ 72 લોકોને શોધી કાઢ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે. હાલ મળેલા તમામ લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યાં છે.
તબલિગીના કાર્યક્રમમાં સુરતમાંથી લોકો ગયા હતા. જે અંગે સુરતનાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, 76 સુરતીઓ દિલ્હી ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું કે, આ લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ન ફેલાય.
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લામાંથી ગયેલા લોકોમાંથી અબ્દુલ કરીમભાઈનું ગુજરાત આવ્યાનાં બીજા દિવસે જ કોરોનાને કારણે મોત થયુ હતું. જેથી હવે ભાવનગર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અન્ય લોકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર