Gujarat Municipal Elections Results : ચૂંટણી પરિણામોનાં ગર્ભિતાર્થો , શા માટે કૉંગ્રેસની જગ્યા વિરોધ પક્ષમાં ઘટી રહી છે?

Gujarat Municipal Elections Results : ચૂંટણી પરિણામોનાં ગર્ભિતાર્થો , શા માટે કૉંગ્રેસની જગ્યા વિરોધ પક્ષમાં ઘટી રહી છે?
ચૂટણીમાં વિજય મેળવ્યા બાદ ઊજવણી કરી રહેલા કાર્યકરોની તસવીર

કોંગ્રેસ (Congress) ગયા વખત કરતાં પણ ભૂંડી રીતે હારી. કોંગ્રેસની જગ્યા વિરોધપક્ષમાં પણ સતત ઓછી થતી જઇ રહી છે. આખરે આવું કેમ થયું તે માટે કેટલાક વિશ્લેષણો જરૂરી છે.

 • Share this:
  રાજીવ પાઠક: પેટ્રોલનાં ભડકે બળતા ભાવ, મોંઘવારીનો માર, બજેટમાં મધ્યમ વર્ગ માટે રાહતોનો અભાવ અને કોરોના પછી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્થિક સમસ્યાઓની ભરમાર. આ બધું જોતાં એવું લાગતું હતું કે કદાચ શહેરોમાં ભાજપને મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Gujarat Municipal Elections Results) થોડીક મુશ્કેલી પડશે અને ગયા વખત જેટલી બેઠકો જાળવવી પણ ભાજપ (BJP) માટે પડકારભર્યું રહેશે. પણ થયું બિલકુલ વિપરીત - કોંગ્રેસ (Congress) ગયા વખત કરતાં પણ ભૂંડી રીતે હારી. કોંગ્રેસની જગ્યા વિરોધપક્ષમાં પણ સતત ઓછી થતી જઇ રહી છે. આખરે આવું કેમ થયું તે માટે કેટલાક વિશ્લેષણો જરૂરી છે.

  ભાજપે સતત સાબિત કર્યું છે કે પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી  સૌથી પહેલાં ભાજપ વિશે વાત કરીએ તો ભાજપે સતત સાબિત કર્યું છે કે પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. ભાજપ સતત પોતાનાં કાર્યો લઇને પ્રજાની વચ્ચે કામ કરતું રહ્યું છે. ચૂંટણી ના હોય ત્યારે પણ દુનિયાની સૌથી મોટી બનવા માટે સતત કાર્યકર્તા બનાવવા, વધારે કાર્યકર્તાઓ જોડવા માટે હાલનાં કાર્યકર્તાઓનો પરિશ્રમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સતત કામ કરતાં દેખાતા રહેતા હોય, ગૃહમંત્રી અમિત શાહ બિમાર રહ્યા તેમ છતાં સતત વિવિધ મુદ્દે કામ કરતાં દેખાતા રહ્યાં હોય. મુખ્યમંત્રી પણ સતત કામ કરતાં દેખાય, નવા પ્રમુખ સી આર પાટિલ પણ સતત કાર્યકર્તાઓની વચ્ચે રહે. દિલ્હીમાં કેટલાક ખેડૂત સંગઠનો સરકારની સામે બેઠા તો ગુજરાતમાં કોંગ્રેસે વિરોધની જેટલી સભાઓ કરી તેનાંથી વધારે સભાઓ ભાજપે ખેડૂત સહકાર માટેની કરી. ભાજપે ગુજરાતમાં બ્રાંડ મોદી અને બ્રાંડ શાહ બહુ મોટી બનાવી છે. ગુજરાતનાં મતદારો કોઇપણ મુદ્દાને તેમનાંથી જોડીને જુવે છે એવામાં ગુજરાતનાં મતદારોનાં મનમાં વોટ આપતી વખતે મોદીને મત આપવાની એક લાગણી પણ રહેતી જ હોય છે.

  ભાજપ માટે સૌથી મોટી વાત એ છે કે તેની પાસે કમિટેડ કાર્યકર્તાઓ છે. ભાજપે એક નીતિ બનાવી કે 60 વર્ષથી વધારે ઉંમરનાં, ત્રણ ટર્મ ચૂંટાયેલા અને સગાઓ હોય તેમને ટિકિટ નહીં આપીએ. આ નીતિને કારણે ઘણાંય વર્ષોથી પાર્ટી માટે કામ કરતાં લોકોના પત્તા કપાઇ ગયા. ભાજપમાં નેતાઓમાં તેને લઇને દુખ અને છૂપો રોષ દેખાયો પણ તેઓ સીધી રીતે પાર્ટી કાર્યાલય પર તોડફોડ કે પાર્ટીને જાહેરમાં ભાંડવાનું કે પાર્ટીમાંથી રાજીનામું આપીને બીજી પાર્ટીની ટિકિટ લેવા માટેનું દૂષણ નાં દેખાડ્યું. આ લોકો પણ ભાજપની સફળતામાં ઘણો મોટો ફાળો આપે છે. શિસ્ત, સમર્પણ અને પરિશ્રમ એ ભાજપનાં સૌથી કિંમતી ઘરેણાં છે. છેલ્લે સૌથી મોટી વાત એ પણ છે કે ભાજપમાં જીત માટેનું ઝનૂન છે.]

  કૉંગ્રેસમાં પરિશ્રમનો અભાવ

  હવે કોંગ્રેસની વાત કરીએ તો વર્ષોનાં સત્તાભોગ પછી તેનાં કાર્યકર્તાઓમાં પરિશ્રમનો સખત અભાવ જોવા મળે છે. જ્યારે કોંગ્રેસ પ્રજાનાં મુદ્દાઓને લઇને આંદોલન કરવા ઊતરે છે ત્યારે પણ ભાજપ (અથવા પ્રશાસન) સાથે સેટિંગ કરીને જ આંદોલન કરે છે. થોડાક સૂત્રો બોલાવવાનાં અને પછી પોલીસ પકડે તો થોડીક ચર્ચા કરીને ગાડીમાં બેસી જવાનું. પોલીસ સાથે સેટિંગ હોય કે પોલીસ ડંડા નહીં મારે અને નેતાઓ શાંતિથી પોલીસવાનમાં બેસી જશે. એટલે વિરોધમાં પણ ટોકનિઝ્મ ચલાવે. બીજું એ પણ છે કે આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં હોવા છતાં જીતનું ઝનૂન ઓસરી ગયું છે.

  આ પણ વાંચો :  મનપાનો જંગ : કેજરીવાલ, ઔવેસી અને માયાવતીની પાર્ટીએ કૉંગ્રેસનો 'ખેલ' બગાડ્યો, 37 બેઠકો છીનવી

  જીતવા માટે મહેનત કરવાની ઉદાસીનતા સતત નજરે પડે છે. જ્યારે અહેમદ પટેલ હતાં ત્યારે એવી ચર્ચા કરતાં કે અહેમદ પટેલનાં એકહથ્થું શાસનને કારણે એ ઘણાં નેતાઓને આગળ આવવા નથી દેતા પણ અહેમદભાઈનાં ગયા પછી પાર્ટી સંપૂર્ણપણે વિખરાયેલી જોવા મળે છે.

  જીતનું ઝનૂન કેટલે અંશે ઓછું છે તે પણ સૂરતમાં સફાયાથી સામે આવ્યું. સૂરતમાં પાટીદારોમાં પાસની બે બેઠકો આપવાનું ગોઠવાઇ ગયેલું. પાસ આગેવાન ધાર્મિક માલવિયા અને પાસ માટે આંદોલન સમયે તેમનાં કેસો વિનામૂલ્યે લડનાર વકીલનાં પત્નિને ટિકિટ આપવાનું નક્કી થઇ ગયેલ.

  આ પણ વાંચો : છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો 

  છેલ્લી ઘડીએ વકીલનાં પત્નિની ટિકિટ કાપી દીધી અને અન્ય કાર્યકર્તાને ટિકિટ અપાઈ. સમગ્ર પાસમાં તેનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં. ધાર્મિક માલવિયાએ પણ ફોર્મ ભરવાનો નનૈયો ભર્યો. અત્યાર સુધી કોંગ્રેસની સૂરતમાં ડૂબતાનું તરણું રહેલો પાટીદાર સમાજ પણ સામે થઇ ગયો. કોંગ્રેસનાં નેતાઓને સમજાઈ ગયું કે બાજી હાથમાંથી સરકી રહી છે અને હવે ભૂંડી હાર થશે. તેમ છતાં પરિસ્થિતિ થાળે પાડવા કે કંઇક સમાધાનકારી પરિસ્થિતિ ઊભી કરવા માટે કોઇ જ પ્રયત્નો ના કર્યાં. કાર્યકર્તાઓને ટિકિટ ન મળે તો કાર્યાલય પર તોડફોડ કે મોરચો લઇ જવો હવે એકદમ સામાન્ય વાત થઇ ગઇ છે.

  અમદાવાદમાં શું થયું?

  અમદાવાદની વાત કરીએ તો નેતાઓ વચ્ચે ખેંચતાણ એટલી હદે વધારે છે કે નેતાઓનાં ઝઘડાને કારણે પાર્ટી ઘણી સીટો હારી જાય છે. દિનેશ શર્મા 4 વર્ષ સુધી અમદાવાદમાં વિપક્ષનાં નેતા રહ્યાં. તે જે વોર્ડમાંથી ઊભા રહેતા હતાં ત્યાં કંઇક ડખો થયો એટલે એમણે અન્ય વોર્ડમાંથી ન લડાવાય તેના માટે બીજા હિંદીભાષી નેતા હિંમતસિંહ પટેલએ એડી ચોટીનું જોર લગાવ્યું. અંતે તેમણે અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાંથી ભાગીને છેલ્લી ઘડીએ પશ્ચિમ વિસ્તારમાં આવવું પડ્યું. અને જૂના વોર્ડ અને નવા વોર્ડ બંનેમાં હારનો સામનો કરવો પડ્યો.

  એક નેતા રાજી થયા પણ કોંગ્રેસે સીટ ગુમાવી. કદાચ આ હવે કોંગ્રેસ કલ્ચર બની ગયું છે કે નેતાઓને પોતાની પાર્ટીનાં જ બીજા નેતા હારતા આનંદ આવે છે. એટલે જ હાર પછી પણ કોંગ્રેસમાં સહેજ પણ તકલીફ ના થઇ. આ સિવાય કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે ભયંકર અંધારૂં દેખાઇ રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ રાહુલ ગાંધી પાર્ટી કાર્યકર્તાઓમાં વિશ્વાસ નથી ઊભો કરી શક્યા અને ગુજરાતમાં તો કોઇપણ એવો નેતા નથી જે પોતાની સીટ પર જીતનો સંપૂર્ણ દાવો કરતો હોય અને પોતાનાં સિવાયની પાંચ સીટમાં જઇને પણ જીતાડી શકવાની ક્ષમતા ધરાવતો હોય.

  આ પણ વાંચો : છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો 

  આપનો કૉંગ્રેસ કરતાં વધુ આક્રમક પ્રચાર

  નેતૃત્વનો અભાવ પણ ઉડીને આંખે વળગે છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ કદાચ શહેરોમાં કોંગ્રેસ કરતાં વધારે આક્રમક પ્રચાર કર્યો હતો. છેલ્લા એક વર્ષથી આપ (આમ આદમી પાર્ટી) ગુજરાતનાં રાજકારણમાં જગ્યા શોધી રહી હતી. તેણે ઘણાં મુદ્દે પ્રજામાં આંદોલનો પણ કર્યા અને આ આંદોલનો કોંગ્રેસની જેમ સેટિંગવાળા નહોતા. પણ આ વખતે તો પાટીદારોએ કોંગ્રેસને સબક શીખવાડવા તેને હરાવી અને વિકલ્પમાં આપને પસંદ કર્યા પરંતુ આપ પહેલી પસંદ બને તે માટે તેણે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. પણ તેના કાર્યકરોને ઉત્સાહ જોતાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઘટવાની નથી તે સ્પષ્ટ થઇ રહ્યું છે.

  આ પણ વાંચો : છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો 

  ઔવેસીને ફાયદો કેમ થયો ?

  એઆઇએમઆઇએમ મુદ્દે પણ એવું થયું કે કોંગ્રેસે મુસ્લિમોને પોતાનાં વોટબેંક તરીકે ટેકન ફોર ગ્રાન્ટેડ લીધા છે. છેલ્લા ઘણાં સમયથી સોફ્ટ હિંદુત્વનો રસ્તો અખત્યાર કરવામાં કોંગ્રેસે મુસ્લિમોને લગતાં મુદ્દા જોરદાર રીતે ન ઉઠાવ્યાં એવું ઘણાં મુસ્લિમ આગેવાનોને લાગે છે. એટલે મુસ્લિમ સમાજ પણ એવા કોઇની શોધમાં છે જે તેમનાં મુદ્દાઓ પ્રત્યે કમિટેડ હોય અને ઓવૈસીમાં તેમને તે રસ્તો દેખાતો હોય એવું લાગી રહ્યું છે. એટલે શહેરોમાં તો મુસ્લિમ મતોમાં ઓવૈસીની પાર્ટીને ફાયદો થયો છે પણ મોડાસા અને ભરૂચ જેવી જગ્યાઓએ પણ ઓવૈસીને ફાયદો થતો દેખાઇ રહ્યો છે.

  પ્રજાતંત્રમાં પ્રજા બધું જોવે છે, તેને ઘણાં મુદ્દાઓ પ્રત્યે પોઝીટીવ લાગણી હોય છે અને ઘણાં મુદ્દાઓ અંગે રોષ હોય છે. પણ જે આ બધા મુદ્દાઓ લઇને તેમની પાસે જાય છે તેનાથી જ તેઓ કોને પસંદ કરવા તે નક્કી કરે છે અને જો જીતા વહી સિકંદર તો છે જ.
  Published by:Jay Mishra
  First published:February 24, 2021, 15:12 pm

  ટૉપ ન્યૂઝ