મનપાનો જંગ : કેજરીવાલ, ઔવેસી અને માયાવતીની પાર્ટીએ કૉંગ્રેસનો 'ખેલ' બગાડ્યો, 37 બેઠકો છીનવી

મનપાનો જંગ : કેજરીવાલ, ઔવેસી અને માયાવતીની પાર્ટીએ કૉંગ્રેસનો 'ખેલ' બગાડ્યો, 37 બેઠકો છીનવી
અરવિંદ કેજરીવાલ, માયાવતી અને ઔવેસીની ફાઇલ તસવીર

AAP, AIMIM, BSPને રાજ્યના 3 શહેરોમાં 37 બેઠકો મળી, 'મેન ઑફ ધી સીરિઝ' આપ, કૉંગ્રેસ 2015ની ચૂંટણીની સરખામણીએ 119 બેઠકો ગુમાવી

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં ગઈકાલે યોજાયેલી મનપાની ચૂંટણીમાં (gujarat Municipal Elections Result) ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ વિજય થયો છે. રાજ્યની તમામ 6 મહાનગર પાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાયો છે. તમામ છ મહાનગર પાલિકાઓમાં ભાજપની બેઠકોમાં પણ વધારો થયો છે અને સાથે સાથે કૉંગ્રેસની કારમી હાર થઈ છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી વધુ ચૌંકાવનારા પરિણામો સુરત મનહાનગર પાલિકાના છે. અહીંયા કૉંગ્રેસને 0 બેઠક મળી છે જ્યારે પહેલીવાર મનપાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવી છે. આ સાથે અમદાવાદમાં અસદુદ્દીન ઔવેસીની પાર્ટીએ 7 બેઠકો જીતી છે તો માયાવતની બહુજન સમાજવાદી પાર્ટીના ફાળે પણ 3 બેઠકો આવી છે.

    સુરતમાં આપની જીત કૉંગ્રેસ 0



    સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Surat municipal corporation election)ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યારસુધી 7 વોર્ડમાં મળીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 બેઠકો પર વિજય મેળવતા પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખૂબ ખુશ છે. સુરતમાં આમ આદમી પાર્ટી વિપત્રમાં બેસશે અને ભારતના પ્રવેશ દ્વાર મનાતા સુરતથી રાજ્યમાં પ્રવેશ કરી ચુકી છે.

    અમદાવાદમાં અસદુદ્દીન ઔવેસીની AIMIMને 7 બેઠકો જીતવામાં સફળતા મળી છે.

    ઔવેસીને અમદાવાદના જમાલપુરા વોર્ડમાં તમામ 4 બેઠકો તેમજ મક્તમપુરામાં 3 બેઠકો જીતવામાં સફળતા મળી છે. જોકે, બહેરામપુરામાં ઔવેસીની પાર્ટીની જીત થશે તેવું લાગી રહ્યુ હતું પરંતુ ત્યા હાર થઈ છે. જમાલપુરમાં અફસાનાબાનુ નસીરુદ્દીન ચિશ્તી, મુસ્તાક ખાદીવાલા, બીનાબેન પરમાર, મોહમદ રફીક શેખની જીત થઈ છે. તો મક્તમપુરામાં પણ ઔવેસીના ત્રણ ઉમેદવારોની જીત થતા કુલ 7 બેઠકો પર ઔવેસીનો પતંગ ઉડ્યો છે.

    જામનગર મહાનગર પાલિકામાં BSP 3 બેઠક જીત્યુ

    રાજ્યના જામનગર શહેરમાંથી એક ચોંકાવનારા પરિણામો આવ્યા છે. અહીંયા ભાજપ અને કૉંગ્રેસને હરાવીને વોર્ડ નંબર છમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો જીત્યા છે. જામનગરના વોર્ડ નંબર છમાં બહુજન સમાજવાદી પાર્ટીના ફુકરાન સેખ, જ્યોતિ ભારવડિયા, રાહુલ બોરીચાનો વિજય થયો છે. આ સાથે ભાજપની પેનલમાંથી જયુબા ઝાલાનો વિજય થયો છે. આમ ભાજપ અને કોંગ્રેસને કચડીને બહુજન સમાજવાદી પાર્ટીના હાથીએ સવારી કાઢી છે. આમ જામનગર, અમદાવાદ અને સુરત મળીને આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ અને બહુજન સમાજવાદી પાર્ટીએ કૉંગ્રેસ 37 સીટનું નુકશાન કરાવ્યું છે.

    કૉંગ્રેસે ગત ચૂંટણી કરતા 119 બેઠકો વધુ ગુમાવી, BJP 94 બેઠક વધુ જીત્યુ

    છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. છ મનપાની કુલ 576 બેઠકો પરથી ભાજપનો 483 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસને 55 બેઠકો મળી છે. જ્યારે અન્યને 38 બેઠકો મળી છે. જેમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી. કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં 174 બેઠક પર જીત મેળવી હતી. અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી AIMIM અને સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પોતાની એન્ટ્રી નોંધાવી છે.

    શહેર મુજબ પરિણામ

    અમદાવાદ : કુલ સીટ- 192, ભાજપ- 159, કોંગ્રેસ- 25, અન્ય 8

    અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકમાંથી ભાજપનો 159માં જ્યારે કોંગ્રેસનો 25 બેઠક પર વિજય થયો છે. તેમજ AIMIMની 7 અને અપક્ષની એક બેઠક પર જીત થઈ છે. આ પહેલા ભાજપનો 2005, 2010, 2015 અને હવે 2021માં ભવ્ય વિજય થયો છે.

    સુરત : કુલ સીટ- 120, ભાજપ- 93, કોંગ્રેસ- 00, આમ આદમી પાર્ટી- 27, અન્ય 08

    સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપે 93 બેઠકો પર જીત મેળવી ફરી સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે અને તે એકપણ બેઠક જીતી શક્યું નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીને લોટરી લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો જીતવા સફળ રહ્યું છે. સુરતમાં આમ આપ પાર્ટીના પ્રદર્શને બધાને ચોંકાવી દીધા છે.

    વડોદરા : કુલ સીટ- 76, ભાજપ- 69, કોંગ્રેસ- 07, અન્ય 00

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરાની 76 સીટોમાં 69 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનો માત્ર 7 બેઠક પર વિજય થયો છે.

    રાજકોટ : કુલ સીટ- 72, ભાજપ- 68, કોંગ્રેસ- 04, અન્ય 00

    રાજકોટ મનપાના જંગમાં આ વખતે 72 બેઠકોમાંથી 68 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે. ભારતીય જનતા પાર્ટીની આ થિયરીમાં રાજકોટ શહેરના અનેક નવયુવાનો જીત્યા છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ફાળે 38 બેઠકો ગઈ હતી જ્યારે કોંગ્રેસ 34 બેઠકો જીત્યુ હતું. જોકે આ ચૂંટણીમાં ભાજપે 68 બેઠકો પર કબજો જમાવ્યો છે જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠક જીત્યુ છે.

    મનગર : કુલ સીટ- 64, ભાજપ- 50, કોંગ્રેસ- 11, અન્ય 03

    જામનગર મહાનગરપાલિકાની 60 સીટોમાંથી 50 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. જ્યારે 11 બેઠક કોંગ્રેસ પાર્ટીના ફાળે ગઈ છે. ત્રણ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. 2015ના વર્ષમાં જામનગર કોર્પોરેશનની 64 બેઠકમાંથી ભાજપના ફાળે 38 બેઠક આવી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 24 બેઠક ગઈ હતી. બે બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી.

    ભાવનગર : કુલ સીટ- 52, ભાજપ- 44, કોંગ્રેસ- 08, અન્ય 00

    ભાવનગર પાલિકામાં કુલ 52માંથી 44માં બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ભાવગરમાં 500થી પણ ઓછી લીડથી 3 ઉમેદવારો જીત્યા છે
    Published by:Jay Mishra
    First published:February 24, 2021, 14:21 pm

    ટૉપ ન્યૂઝ