અમદાવાદ : આજે 6 મહાનગર પાલિકાની ચૂંટણી (Municipal Corporation Election) મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) આજે બપોર બાદ મતદાન (Vote) કરવા માટે રાજકોટ જશે.
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે. આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
મુખ્યમંત્રી વીજય રૂપાણી આજે રવિવાર તા.ર૧ ફેબ્રુઆરીએ મતદાનના છેલ્લા કલાક એટલે કે, પ થી ૬ વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે મતદાન માટે જશે. તેઓ બપોરે 3 વાગ્યે એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદથી રાજકોટ જવા રવાના થશે
વિજય રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭ જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગરમાં ચૂંટણી સભાને સંબોધી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીનું અચાનક બ્લડ પ્રેશર લો થયું. વિકાસની શરતોની વાત કરતા કરતા રૂપાણી ઢળી પડ્યા અને સ્ટેજ પર હાહાકાર મચી ગયો. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને હવાઇ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યા. અહીંયા યુએન મહેતા હૉસ્પિટલમાં તેમના તમામ ટેસ્ટ થયા જે નોર્મલ આવ્યા હતા.