અમદાવાદ : કોરોના કાળમાં રિક્ષાચાલકોને નાણાંકીય મદદના મુદ્દે ચાર સપ્તાહમાં સરકાર નિર્ણય લે : હાઈકોર્ટ

અમદાવાદ : કોરોના કાળમાં રિક્ષાચાલકોને નાણાંકીય મદદના મુદ્દે ચાર સપ્તાહમાં સરકાર નિર્ણય લે : હાઈકોર્ટ
કોરોના કાળમાં રિક્ષાચાલકોને નાણાંકીય મદદના મુદ્દે ચાર સપ્તાહમાં સરકાર નિર્ણય લે : હાઈકોર્ટ

હાઇકોર્ટની ખંડપીઠે એવું અવલોકન પણ કર્યું છે કે કોરોનાના કપરા કાળમાં રાજ્ય સરકારે હાલની તારીખે મુશ્કેલીમાં જીવતા ગરીબ કુટુંબો પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઇએ

  • Share this:
અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે રિક્ષાચાલકોએ આર્થિક સહાયની માગ સાથે કરેલી રિટમાં ચુકાદો આપતાં હાઇકોર્ટે નોંધ્યું છે કે રિક્ષાચાલકોને નાણાંકીય મદદના મુદ્દે હાઇકોર્ટના આદેશના ચાર સપ્તાહમાં સરકાર નિર્ણય લે. તેઓ રિક્ષાચાલકોના બંને યુનિયન સાથે ચર્ચા વિચારણા કરે અને તેમની તકલીફો સમજે.

હાઇકોર્ટની ખંડપીઠે એવું અવલોકન પણ કર્યું છે કે કોરોનાના કપરા કાળમાં રાજ્ય સરકારે હાલની તારીખે મુશ્કેલીમાં જીવતા ગરીબ કુટુંબો પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઇએ. આ સમગ્ર મામલે અરજદાર એસોસિએશનના રાજવીર ઉપાધ્યાયે એડવોકેટ કે.આર.કોષ્ટિ મારફતે હાઇકોર્ટમાં રિટ કરીને એવી રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં 24મી માર્ચે લોકડાઉન થયું હતું અને લોકડાઉનનાં નિયમોને કારણે રિક્ષાઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આશરે બે મહિનાથી પણ વધુ સમય રિક્ષાઓ પર પ્રતિબંધ રહ્યા બાદ 30 મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશન દ્વારા રિક્ષાઓને પરવાનગી આપી હતી. જેમાં રિક્ષા ડ્રાઇવર ઉપરાંત બે મુસાફરને બેસવાની છૂટ આપવામાં આવી હતી.આ પણ વાંચો - વેક્સીનમાં ભારત બાયોટેક ભેળવશે આ ખાસ ચીજ, લાંબા સમય સુધી આપશે કોરોનાથી સુરક્ષા

લોકડાઉનના કારણે મોટાભાગના લોકોની આર્થિક પરિસ્થિતિ મુશ્કેલ બનતા સરકારે રેશન કાર્ડ ધરાવતા તેમજ રેશન કાર્ડ ન ધરાવતા ગરીબ લોકોને અનાજ તેમજ એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપી છે, પરંતુ રિક્ષાચાલકોની રોજીરોટી લોકડાઉનના કારણે સંપૂર્ણપણે છીનવાઇ ગઇ હોવા છતાં સરકારે તેમને નાણાંકીય સહાય આપવાનું કોઇ આયોજન કર્યું નથી.

રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કપરી પરિસ્થિતિને લીધે અમદાવાદમાં રિક્ષાચાલકે આત્મહત્યા કરી હોવાનો બનાવ પણ બન્યો છે. આંધ્ર પ્રદેશ સરકારે અઢી લાખથી વધુ ટેક્સી અને રિક્ષાચાલકોને દસ-દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપી છે. કર્ણાટક સરકારે ટેક્સી અને રિક્ષાચાલકોને પાંચ-પાંચ હજારની સહાય આપી છે અને દિલ્હીની રાજ્ય સરકારે પણ ટેક્સી અને રિક્ષા ચલાવતા ડ્રાઇવરો માટે નાણાંકીય સહાયનું આયોજન કર્યું છે.

લોકડાઉન પહેલાં રાજ્યના રિક્ષાચાલકો મહિને ઓછામાં ઓછા બારથી પંદર હજાર રૂપિયાની આવક કરતા હતાં, પરંતુ અનલોકમાં ઓછા મુસાફર બેસાડવાા નિયમને કારણે તેમની આવકમાં 70થી 75 ટકાનો ઘટાડો થયો છે અને લોકડાઉનમાં સદંતર આવક બંધ હોવાથી અરજદારો નાણાંકીય મુશ્કેલીમાં મૂકાયા છે. આ અંગે રાજ્ય સરકારને બે વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમનો સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે હાઇકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી છે.
Published by:Ashish Goyal
First published:October 05, 2020, 21:14 pm