કાઉન્સિલરો દ્વારા અમદાવાદના તમામ હોલ 2019 સુધી બુક કરવા મામલે હાઇકોર્ટની નોટિસ

News18 Gujarati
Updated: May 21, 2018, 5:45 PM IST
કાઉન્સિલરો દ્વારા અમદાવાદના તમામ હોલ 2019 સુધી બુક કરવા મામલે હાઇકોર્ટની નોટિસ

  • Share this:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટરના બુકિંગ સામાન્ય લોકો માટે કેન્સલ કરાવીને અમદાવાદ શહેરનાં ધારાસભ્યો અને કાઉન્સિલરો માટે બુક કરાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ થઇ છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ વિભાગ સત્તાવાળાઓને આ અંગે નોટીસ ઇશ્યૂ કરવામાં છે.

ખેમચંદ કોષ્ટિ દ્વારા આ જાહેર હિતની અરજીમાં એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે, 2019 સુધી 65 કાઉન્સિલરો અને આઠ ધારાસભ્યોએ કોઇપણ જાતની બુકિંગ પ્રક્રિયાને અનુસર્યા વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટર બુક કરાવી લીધા છે. એટલું નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ડેન્ડિંગ કમિટીએ પણ આ તમામ બુંકીગને માત્ર એક લીટીના ઠરાવથી મંજૂરી આપી દીધી છે.

અરજદારે તેમની જાહેર હિતની અરજીમાં રજુઆત કરી છે કે, આવી રીતે મંજૂરી આપવી તે સત્તાનો દુરઉપયોગ છે. સામાન્ય લોકોનાં તમામ બુકિંગ કેન્સલ કરીને માત્ર ચૂંટાયેલા પ્રતિનિધીઓને એક વર્ષ માટે ફાળવી દેવા તે લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ સમાન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 28 કોમ્યુનિટી હોલ, 17 પાર્ટી પ્લોટ, 5 ઓડિટોરિયમ અને ત્રણ પિકનીક હાઉસ બનાવવામાં આવ્યા છે. આ તમામ સુવિધાઓ લોકોના ઉપયોગ માટે છે અને સસ્તા દરે લોકો માટે ઉપલબ્ધ છે.

2008 પહેલા લોકો એક ચોક્કસ ફોર્મ ભરીને આ સુવિધાનો લાભ લઇ શકતા હતા. પણ 2009ના વર્ષમાં આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે આખીય પ્રક્રિયાને ઓનલાઇન બુકિંગ વ્યવસ્થા કરવામાં આવી. આ વ્યવસ્થા આજદિન સુધી અમલમાં છે પણ ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા આ વ્યવસ્થાને રદ કરી તેમની સત્તાનો દુરઉપયોગ કર્યો છે. આ તમામ મિલકતો લોકોના પૈસાથી બનાવવામાં આવી છે પણ ધારાસભ્યો અને કાઉન્સિલરો એવી રીતે વર્તન કરે છે કે જાણે તેમની પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે 2018 અને 2019ના વર્ષ દરમિયાન તમામ હોલ, પાર્ટી પ્લોટ આ લોકોએ બુકિંગ કરી લીધા છે. એટલા માટે સામાન્ય નાગરિકોને આ વ્યવસ્થાનો લાભ મળી શકશે નહીં.

અરજદાર ખેમચંદ કોષ્ટીએ દાદ માંગી છે કે ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા કરવામાં આવેલા હોલ-પાર્ટી પ્લોટ બુકિંગ રદ કરી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવા જોઇએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવેલા
ઠરાવને રદ કરવાની દાદ માંગવામાં આવી છે.
First published: May 21, 2018
વધુ વાંચો
अगली ख़बर