ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) મંગળવારે એક મહિલાને ઑસ્ટ્રેલિયામાં તેના પતિ સાથે વિડીયો કૉલ દ્વારા સંપર્ક કરવા અને તેના પુત્ર (Father-Son)ને તેની સાથે વાત કરાવવાનો આદેશ આપ્યો છે. કારણ કે, બાળકે તેના પિતાને ક્યારેય જોયા નથી (child had never seen his father). દંપતી વચ્ચે ચાલી રહેલા મતભેદોના કારણે બાળક પર તેની અસર પડશે. જેને ધ્યાનમાં રાખી કોર્ટે આશંકા વ્યક્ત કરી કે, જો દંપતી એકબીજા સાથે વાત નહીં કરે તો બાળક તેના પિતાને ક્યારેય ઓળખી શકશે નહીં. ચીફ જસ્ટિસ અરવિંદ ખુમારે જણાવ્યું કે, “તમે અમારા શબ્દો વિશે એક વખત વિચારી શકો છો. જ્યારે બાળક તેના પિતાને જોશ તો કહેશે ‘હેલ્લો અંકલ’. આવું ક્યારેય ન થવું જોઇએ.” કમનસીબે કોર્ટે જે ડર વ્યક્ત કર્યો હતો તે આદેશ બહાર પાડ્યાના થોડા જ કલાકોમાં સાચો ઠર્યો હતો.
બાળકે પિતા સાથે ન કરી વાત
તેમના વકીલની હાજરીમાં જ્યારે દંપતીએ વિડીયો કોલ પર વાત કરી તો બાળકે તેના પિતા સાથે વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બાળકે કહ્યું કે, તેના જીવનમાં તેની માતા જ તેનું સર્વસ્વ છે અને તેણી તેનો રોલ સારી રીતે નીભાવી રહી છે. આ સાંભળી વકીલો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. કારણ કે, કોર્ટે દંપતીને પિતા અને પુત્રને બોન્ડ કરવાની મંજૂરી આપવા માટે સતત ત્રણ દિવસ સુધી વિડીયો કૉલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, બાળકે પહેલા જ દિવસે આ નિર્ણયને ફગાવી દીધો હતો.
શું છે સમગ્ર મામલો?
કેસની વિગતો મુજબ, પતિ-પત્ની ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. મહિલા 2012માં તેમના નવ મહિનાના પુત્ર સાથે ભારત પરત આવી હતી. તેણીએ ન્યાયિક રીતે અલગ થવાની માંગ કરી અને કોર્ટે પતિ પાસેથી ભરણપોષણ માટે વચગાળાની વ્યવસ્થાની માંગ કરી હતી. આ સંબંધમાં 2015થી હાઈકોર્ટમાં અવમાનનાની કાર્યવાહી પેન્ડિંગ છે.
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ દંપતીએ ફરી મળવાના પ્રયાસો કર્યા હતા. મહિલા તેના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયા પણ ગઈ હતી, પરંતુ પુરુષે તેમને ઘરમાં પ્રવેશવાની પણ મનાઇ કરી દીધી હતી. વકીલોના પ્રયાસો બાદ પતિ તેમને પોતાની પાસે રાખવા સહમત થયો હતો.
પતિએ કરી પત્ની સામે ફરીયાદ
આ વખતે મહિલાએ તેમને ભારત આવવા માટે આગ્રહ કર્યો હતો. તેના બદલે વ્યક્તિએ તેની પત્નીના ભાઈને માતા અને પુત્રને ઓસ્ટ્રેલિયા લાવવા માટે કહીને ત્રણ એર ટિકિટ મોકલી હતી. જ્યારે પતિએ પાછળથી ફરિયાદ નોંધાવી કે, તેની પત્ની તેને તેના બાળકને મળવા દેતી નથી. તેથી કોર્ટે વર્ચ્યુઅલ મીટિંગ્સ યોજવાનો આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની આગેવાની હેઠળની બેંચે વકીલોને વિનંતી કરી કે, બાળક તેના પિતા સાથે વાત કરે તે સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું, “અમને આશા છે અને વિશ્વાસ છે કે આ મીટિંગ પરિવારને ફરી એક કરશે. જે બાળકના ભવિષ્યના હિતમાં છે. બાળકના સર્વાંગી વિકાસ માટે માતાપિતા બંનેના પ્રેમની જરૂર હોય છે.”
દરમિયાન પતિએ તેની બિમારીની સારવારની વ્યવસ્થા કરવા માટે તેની પત્નીના મેડિકલ રેકોર્ડ્સ માંગ્યા હતા. પરંતુ મહિલાએ દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે,”પતિ અને પત્ની એક જ હોય છે અને તેમની વચ્ચે કોઇ સિક્રેટ રાખવાની જરૂર હોતી નથી.” બાદમાં કોર્ટે મહિલાને મેડિકલ રેકોર્ડ તેના પતિને મોકલવા માટે આદેશ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી કોર્ટમાં 16 માર્ચે થશે અને પિતા અને પુત્ર વચ્ચેની વીડિયો કોલ મીટિંગ અંગે રીપોર્ટ રજૂ કરાશે.