કોર્ટનો અનાદર કરવાના કેસમાં યતીન ઓઝાને બે હજાર રૂપિયાનો દંડ, દંડ ન ભરે તો બે મહિનાની જેલ

કોર્ટનો અનાદર કરવાના કેસમાં યતીન ઓઝાને બે હજાર રૂપિયાનો દંડ, દંડ ન ભરે તો બે મહિનાની જેલ
ફાઈલ તસવીર

હાઇકોર્ટે યતીન ઓઝાને બે હજાર રૂપિયાનો દંડ અને સાથે કોર્ટ ઊભી ન થાય ત્યાં સુધી કોર્ટમાં બેસવાની સજા ફટકારી છે.

  • Share this:
અમદાવાદ: મંગળવારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા (Yatin Oza)ને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (Contempt of Court)ના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ની ખંડપીઠે મંગળવારે સમગ્ર પ્રકરણમાં ચુકાદાનો ઓપરેટિવ પાર્ટ જાહેર કરતાં નોંધ્યું હતું કે, યતીન ઓઝાને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કાયદાની ધારા 2 (સી)(આઇ) અંતર્ગત ક્રિમિનલ કન્ટેમ્પ્ટના દોષિત ઠરાવવામાં આવે છે. કોર્ટે સજાના સુનાવણી બુધવારે પર મુલતવી રાખી હતી. આજે આ મામલે હાઇકોર્ટે યતીન ઓઝાને બે હજાર રૂપિયાનો દંડ અને સાથે કોર્ટ ઊભી ન થાય ત્યાં સુધી કોર્ટમાં બેસવાની સજા ફટકારી છે. આ ઉપરાંત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે હાઇકોર્ટે 60 દિવસનો સ્ટે પણ આપ્યો છે. ઉપરાંત દંડ ન ભરે તો 2 મહિનાની જેલની સજાની જોગવાઈ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રકરણમાં યતીન ઓઝાએ 6 જૂનના રોજ ફેસબુક લાઈવ કરીને એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે હાઇકોર્ટને ‘જુગારધામ’ કહ્યું હતું અને હાઇકોર્ટ રજીસ્ટ્રી વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા. જે બાદમાં હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો ક્રિમિનલ કન્ટેમ્પ્ટ દાખલ કરી હતી અને તેમાં લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી.આ પણ વાંચો: અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલની આડોડાઈ, સંપૂર્ણ ફી ભરવા માટે વાલીઓ પર દબાણ

દરમિયાન હાઇકોર્ટની ફૂલ કોર્ટ દ્વારા યતીન ઓઝાનું સીનિયર તરીકેનું ડેઝિગ્નેશન પણ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ત્રણ જજોની એક સમિતિનું ગઠન કરીને રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. જેમાં ત્રણ જજની સમિતિએ રિપોર્ટ આપ્યો હતો કે યતીન ઓઝાએ પ્રેસ કોન્ફરન્સમાં હાઇકોર્ટની રજીસ્ટ્રી વિરૂદ્ધ જે આક્ષેપો કર્યા છે એ પાયાવિહોણા છે. દરમિયાન યતીન ઓઝાએ તેમની સામેની ક્રિમિનલ કન્ટેમ્પ્ટ અને સીનિયરનું પદ લઇ લેવાના મુદ્દાઓમાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી.

આ પણ જુઓ-

જોકે, સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એવું કહ્યું હતું કે, એકવાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર પ્રકરણમાં પોતાનો નિર્ણય જાહેર કરે ત્યારબાદ ઓઝા અપીલ દ્વારા તેને પડકારી શકે છે. હાઇકોર્ટે તેમની વિરૂદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ચાલશે તેવો આદેશ કરતી વખતે પણ તેમની આકરી ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ તેમના વર્તનની આલોચના કરી હતી. હવે આ સમગ્ર મામલે હાઇકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવ્યો છે ત્યારે આ ચુકાદો વકીલ આલમમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:October 07, 2020, 16:51 pm