દહેગામમાં તળાવ પુરી થયેલા બાંધકામ મામલે સરકાર બે મહિનામાં નિર્ણય લે: હાઇકોર્ટ

News18 Gujarati
Updated: October 12, 2019, 7:15 PM IST
દહેગામમાં તળાવ પુરી થયેલા બાંધકામ મામલે સરકાર બે મહિનામાં નિર્ણય લે: હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ તસવીર)

ગામના તળાવમાં પુરાણ કરી નગરપાલિકાએ બાંધકામ કરી દીધુ હતું તેની સામે અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: આજે ગુજરાત હાઇકોર્ટ (High Court) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સરકારને જણાવ્યું કે, પિટિશનકર્તાએ જે રજૂઆતો કરી છે તેના ઉપર બે મહિનાની અંદર કાયદા અનુસાર યોગ્ય પગલાં ભરે.

આ કેસની વિગત અનુસાર, પિટિશનકર્તાએ તેમના વકીલ કૃણાલ પંડ્યા (Advocate Krunal Pandya) મારફત ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી (Public Interest Litigation) દાખલ કરી હતી.

આ અરજીમાં એવું જણાવ્યું હતું કે, દહેગામ ખાતે "આત્માનું તળાવ" ઔડા (અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ) દ્વારા એક ગાર્ડન તળાવ તરીકે રીતે વિકસાવવામાં આવેલું છે આ તળાવ માત્ર ગામ લોકોના આનંદ પ્રમોદ માટે નહીં પણ એક પાણીનો મોટો સ્તોત્ર પણ છે. આ તળાવ ઉપર દેહગામ નગરપાલિકાએ 50 ટકા જેટલા તળાવના ભાગમાં ગેરકાયદેસર રીતે પુરાણ કરીને પુરાણ કરેલા ભાગ પર ગેરકાયદેસર નગરપાલિકાનું મકાન બાંધી દીધું છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

ભૂતકાળમાં હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓ તથા દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરે છે. પિટિશનમાં એવી પણ દાદ માગવામાં આવી હતી કે, આ અંગે અમો પિટિશનકર્તાએ અનેકવાર સરકાર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં આના ઉપર કોઈ કાર્યવાહી કરાઇ નથી. જેથી સરકારે સત્વરે અમારી રજૂઆતોને ધ્યાને રાખી અને જે ગેરકાયદેસર રીતે દહેગામ નગરપાલિકા એ તળાવનું પુરાણ કર્યું છે તે તથા તેના ઉપર જે બાંધકામ કર્યું છે તે તમામને દૂર કરવામાં આવે.

આ અંગેની સુનાવણી ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે હાથ ધરી હતી. સુનાવણીના અંતે ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે સરકારને હુકમ કરતાં કહ્યું હતું કે, પિટિશનકર્તા દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તેના ઉપર બે મહિનાની અંદર કાયદાને અનુસરીને સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ કેસનો નિકાલ કરવામાં આવે છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर