Home /News /madhya-gujarat /

ગુજરાત અનેક રાજકીય પરિવર્તનો અને પ્રયોગોનું સાક્ષી રહી ચૂક્યું છે; નડ્ડાએ કહ્યુ, 'ગુજરાત અમારી પ્રયોગશાળા'

ગુજરાત અનેક રાજકીય પરિવર્તનો અને પ્રયોગોનું સાક્ષી રહી ચૂક્યું છે; નડ્ડાએ કહ્યુ, 'ગુજરાત અમારી પ્રયોગશાળા'

જે. પી. નડ્ડા

BJP's Laboratory For Governance Experiments: RSSને ભાજપની થિંક ટેન્ક માનવામાં આવે છે. તેના તરફથી ભાજપને સમયાંતરે  જરૂરી સામાજિક અને રાજકીય સૂચનો આપવામાં આવતા હોવાનું માનવામાં આવે છે. બુદ્ધિજીવીઓ દ્વારા 'ગુજરાત એ  હિન્દુત્વની લેબોરેટરી' હોવાનો પણ અવારનવાર ઉલ્લેખ કરવામાં આવે છે.

વધુ જુઓ ...
ગાંધીનગર: ભાજપ (BJP) માટે ગુજરાત એક પ્રયોગશાળા (Laboratory) છે. જે પ્રયોગ ગુજરાતમાં સફળ થાય છે એનો અમલ ભાજપ તરફથી દેશભરમાં લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે એવુ માનવામાં આવે છે. આ ચર્ચાઓ અનેકવાર થઈ છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી કોઈ રાજકીય પાર્ટી (Political Party) તરફથી આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ શુક્રવારે ગુજરાત આવેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા (BJP chief J P Nadda)એ આ વાતનો સ્વીકાર કર્યો છે. કમલમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત સરકારમાં થયેલા પરિવર્તન અંગે સવાલ પૂછતાં તેઓએ કહ્યું હતું કે, "રૂપાણી સરકાર (Vijay Rupani government)ને બદલવાનો નિર્ણય રણનીતિ પ્રમાણે નિર્ણય લેવાયો હતો. ગુજરાત અમારી પ્રયોગશાળા છે. આ નિર્ણય રણનીતિ સાથે પક્ષ દ્વારા કરાયેલો નિર્ણય હતો અને એ દેખાય છે. આવી હિંમત કોણ કરી શકે? માત્ર ભાજપમાં જ આવું શક્ય છે."

જોકે, નડ્ડાએ આ પ્રયોગ કરવા પાછળનું કારણ કહેવાનું ટાળ્યું હતું. સાથે જ એમ પણ કહ્યું હતુ કે, લોકોએ કમળને જ મત આપ્યો હતો અને આજે પણ કમળની સરકાર છે. એટલે જનતા ભાજપ સાથે છે. આ દરમિયાન તેઓએ વહેલી ચૂંટણીની વાત નકારી કાઢી હતી.

ગુજરાત અનેક રાજકીય પ્રયોગોનું સાક્ષી


અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત આ પહેલા પણ રાજકીય પરિવર્તનો અને અનેક પ્રયોગનું સાક્ષી રહ્યું છે. ગુજરાતે કૉંગ્રેસથી લઈને જનસંઘ, રાજપા અને ભાજપનું શાસન જોયું છે. હજૂરીયા ખજૂરીયા કાંડથી માંડીને  કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદીનો શાસન કાળ, બદલાતી રાજકીય પરિસ્થિતિ, સમયનો બદલાતો પ્રવાહ, ભાજપની વિપક્ષથી માંડી સરકાર સુધીના સફરનું સાક્ષી ગુજરાત છે.

RSSને ભાજપની થિંક ટેન્ક માનવામાં આવે છે. તેના તરફથી ભાજપને સમયાંતરે  જરૂરી સામાજિક અને રાજકીય સૂચનો આપવામાં આવતા હોવાનું માનવામાં આવે છે. બુદ્ધિજીવીઓ દ્વારા 'ગુજરાત એ  હિન્દુત્વની લેબોરેટરી' હોવાનો પણ અવારનવાર ઉલ્લેખ કરવામાં આવે છે. જોકે, અત્યારસુધી ક્યારેય પણ કોઇ રાજકીય પાર્ટીએ ગુજરાતમાં પ્રયોગ કર્યો હોવાની વાત સત્તાવાર રીતે સ્વીકારી નથી. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સરકારમાં કરાયેલું પરિવર્તન એ એક પ્રયોગ હોવાનું સત્તાવાર રીતે સ્વીકાર્યું હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે.

ભાજપ તરફથી ગુજરાતમાં રાજકીય પ્રયોગો હેઠળ લેવાયેલા નિર્ણય:


● અલ્પસંખ્યક સમુદાયમાંથી આવતા કાશીરામ રાણાને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવા. ત્યાર બાદ ભાજપને ગુજરાતમાં સરકાર બનાવવામાં સફળતા મળી.

● 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતના સુકાની બનાવવામાં આવ્યા. ગુજરાતમાં સૌથી વધુ સમય CM રહ્યા. ગુજરાત મોડેલ બનાવ્યું

● સી.આર .પાટીલની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક. કોરોનાને કારણે ગુજરાતમાં નિષ્ક્રિય થઈ ગયેલી ભાજપને ફરી એક્શનમાં લાવ્યા. એન્ટી ઇન્કમ્બન્સીમાંથી ભાજપ તરફી પ્રવાહ રહ્યો. અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતમાં થયેલી તમામ ચૂંટણીમાં ભાજપની જીત.

● સીએમ તરીકેનું સુકાન ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યું. (આ પ્રયોગ કેટલો સફળ છે એ આવનાર દિવસોમાં ખ્યાલ આવશે.)

● કેશુભાઈ પટેલને પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપની સરકારના પહેલા મુખ્ય મંત્રી પણ બન્યા હતા. ત્યારબાદ બીજા પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજમાંથી આવતા એ. કે. પટેલની નિમણૂક કરવામાં આવી હતી.

● જનસંઘમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટી કરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાં લોકસભાની જે બે બેઠક આવી હતી તેમાં ગુજરાતના મહેસાણા સીટ પરથી એ. કે. પટેલ લોકસભામાં ગયા હતા.

● ત્રીજા પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતમાં ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણાને બનાવામાં આવ્યા હતા.

● ચોથા પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાને નિમણૂક આપવામાં આવી હતી. શંકરસિંહ વાઘેલાએ જ ભાજપ સરકાર સામે વિદ્રોહ કરીને રાજપા બનાવી હતી અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં તેમને કેન્દ્રીય મંત્રી અને વિપક્ષના નેતા બનાવામાં આવ્યા હતા. વર્ષે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને જન વિકલ્પ નામની પાર્ટી બનાવી હતી. 2019 લોકસભા ચૂંટણી પહેલા તેઓ એનસીપીમાં જોડાયા હતા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.

● પાંચમા પ્રદેશ પ્રમુખ તરીકે ફરીથી દક્ષિણ ગુજરાતના ઓબીસી સમજના મોટા નેતા કાશીરામ રાણાને બીજી વખત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોપવામાં આવી હતી.

● છઠ્ઠા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટના કારડીયા રાજપૂત સમાજમાંથી આવતા મોટા નેતા વજુભાઇ વાળાને પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા હતા.

● સાતમા પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના મોટા નેતા રાજેન્દ્રસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી હતી. રાજેન્દ્રસિંહ રાણાને ગુજરાત પ્રદેશ ભાજપના બે વખત પ્રમુખ બનાવામાં આવ્યા હતા.

● આઠમા પ્રેદેશ પ્રમુખ તરીકે ફરીથી વજુભાઇ વાળાને નિમણૂક કરવામાં આવ્યા હતા. આ સાથે જ વજુભાઇ વાળા ગુજરાત ભાજપમાં બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા હતા.

● નવમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાને જવાબદારી આપવામાં આવી હતી. પુરુષોત્તમ રૂપાલા પણ પ્રદેશ ભાજપમાં બે ટર્મ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.

● દસમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમજના નેતા આર.સી.ફળદુને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને પણ બે ટર્મ સુધી ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી હતી.

● 11મા પ્રદેશ પ્રમુખ તરીકે જૈન સમાજમાંથી આવતા વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી હતી. આનંદીબેન પટેલે મુખ્ય મંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા અને પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતું.

● બારમા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટના લેઉવા પટેલ સમાજના દિગ્ગજ નેતા જીતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી હતી. જીતુ વાઘાણીના જ સમયગાળામાં રાજ્યમાં પાટીદાર આંદોલન ચરમ સીમા પર હતું અને વર્ષે 2017ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડવામાં આવી.

● વર્ષ 2020માં મરાઠી સમાજમાંથી આવતા સી. આર. પાટીલની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

● જો જ્ઞાતિ પ્રમાણે વિશ્લેષણ કરવામાં આવે તો અત્યારસુધીમાં પ્રદેશ ભાજપ પદે સૌથી વધારે વખત સ્થાન પાટીદાર સમાજને મળ્યું છે. બે વખત ક્ષત્રિય અને બે વખત ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે એક વખત જૈન સમાજમાંથી પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપના 13 પ્રમુખો :


● કેશુભાઈ પટેલ
● એ.કે.પટેલ
● કાશીરામ રાણા
● શંકરસિંહ વાઘેલા
● કાશીરામ રાણા
● વજુભાઇ વાળા
● રાજેન્દ્રસિંહ રાણા
● વજુભાઇ વાળા
● પુરષોત્તમ રૂપાલા
● આર.સી.ફળદુ
● વિજય રૂપાણી
● જીતુ વાઘાણી
● સી. આર. પાટીલ

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી


ભાજપના સંગઠનમાં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ સંગઠન મહામંત્રીનું હોય છે. સંગઠન મહામંત્રીએ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના પ્રચારકને બનાવામાં આવે છે. ગુજરાત ભાજપના પ્રથમ સંગઠન મહામંત્રી તરીકે નાથાલાલ જગડા, બીજા સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી, ત્રીજા સંગઠન મહામંત્રી તરીકે સંજય જોષી, ચોથા સંગઠન મહામંત્રી તરીકે સુરેશ ગાંધી, પાંચમા સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયા અને છઠ્ઠા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર પાંડે કાર્યરત છે.

● નાથાલાલ જગડા
● નરેન્દ્ર મોદી
● સંજય જોષી
● સુરેશ ગાંધી
● ભીખુભાઇ દલસાણીયા
● રત્નાકર પાંડે
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Elections, Gujarat Election 2022, J P Nadda, ગુજરાત, ભાજપ, રાજકારણ

આગામી સમાચાર