દલિતો પરના અત્યાચારનાં કિસ્સામાં રૂ. ૧૬ કરોડની સહાય ચૂકવાઇ: ગુજરાત સરકાર 

News18 Gujarati
Updated: June 19, 2019, 8:09 PM IST
દલિતો પરના અત્યાચારનાં કિસ્સામાં રૂ. ૧૬ કરોડની સહાય ચૂકવાઇ: ગુજરાત સરકાર 
ફાઇલ ફોટો

અનૂસુચિત જાતિઓ, જનજાતિઓ, દલિત-આદિવાસી સમાજ પરના અત્યાચારોના કિસ્સામાં સરકાર કોઇને પણ છોડશે નહિ જ: વિજય રૂપાણી

  • Share this:
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં સામાજિક સમરસતા-સદભાવનું શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે માટે અનૂસુચિત જાતિ-જનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો પરના ખૂન, બળાત્કાર, મહાવ્યથા સહિતના ગંભીર અત્યાચારોના કિસ્સામાં અત્યાચાર આચરનારા આરોપી પકડવા, ચાર્જશીટ તૈયાર કરવા સહિતની કામગીરી પર વિશેષ ફોકસ કરવામાં આવશે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આવા વંચિત વર્ગોના સૌને સામાજીક ન્યાય મળે, રક્ષણ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા અને મોનિટરીંગ માટે રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબધ્ધ છે. સરકારે જણાવ્યું કે,અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારના કિસ્સાઓમાં પાછલા ૧ વર્ષમાં રૂ. ૧૬ કરોડની સહાય ભોગ બનેલા વ્યકિતઓને ચુકવવામાં આવી છે. અનુસૂચિત જનજાતિઓના કિસ્સામાં રૂ. ૨ કરોડ ૮૪ લાખ સહાય અપાઇ છે.

વિજય રૂપાણી સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરીય તકેદારી અને મોનિટરીંગ સમિતીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.  ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા , ગણપતસિંહ વસાવા અને ઇશ્વરભાઇ પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે અનૂસુચિત જાતિઓ, જનજાતિઓ, દલિત-આદિવાસી સમાજ પરના અત્યાચારોના કિસ્સામાં સરકાર કોઇને પણ છોડશે નહિ જ. આવા કિસ્સાઓમાં અત્યાચાર નિવારણ જ નહિ, છેવાડાના માનવીને ન્યાયમાં-સરકારમાં ભરોસો વિશ્વાસ રહે તેવું વાતાવરણ બને તે માટે આ સમિતિ ખાસ તકેદારી સાથે સુદ્રઢ આયોજન કરે તે પણ જરૂરી છે.

અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય-સુરક્ષા મળે તે સરકારની પ્રતિબધ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.વિજય રૂપાણીએ સામાજિક સમરસતાને વિકાસનો પાયો ગણાવતાં એમ પણ કહ્યું કે, રાજ્યમાં જે ૩ર ગામો, ર૦ મહોલ્લાઓમાં લાંબાગાળાથી પોલીસ રક્ષણ હેઠળ વ્યકિતઓ-પરિવારો રહે છે ત્યાં સામાજીક શાંતિ-સૌહાર્દ સદભાવ પ્રસ્થાપિત થાય અને સૌ પૂન: હળી મળીને રહેતા થાય તે માટે જિલ્લા કલેકટર, એસ.પી, જનપ્રતિનિધિ, સ્થાનિક અગ્રણીઓ સૌ સાથે મળીને સામાજિક ચળવળ-ઝૂંબેશ ચલાવે.

બેઠકની ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે અનૂસુચિત જાતિ-જનજાતિઓ જાતિઓ પરના અત્યાચારના બનાવોમાં સુધારેલા સહાયના ધોરણો જાહેર કર્યા છે. રાજ્યમાં આવા અત્યાચારના કેસો માટે ૧૬ એકસલુઝીવ સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવી છે અને કેસોની સુનાવણી ઝડપી થાય, ગૂનેગારને ત્વરાએ સજા દંડ થાય અને પીડિતોને યોગ્ય ન્યાય મળે તે સરકારે સુનિશ્ચિત કર્યુ છે. એટલું જ નહિ, ૧૭ સ્પેશ્યલ કોર્ટ પણ જાહેર કરવામાં આવી છે.
First published: June 19, 2019, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading